ધર્મતેજ

યાજ્ઞવલ્ક્ય દ્વારા વૈદિક જ્ઞાન ને યજ્ઞવિદ્યામાં એક નવા યુગનો પ્રારંભ

જીવનનું અમૃત -ભાણદેવ

ભગવાન સવિતાનારાયણે યાજ્ઞવલ્ક્યને આશીર્વાદ આપ્યા:
“યાજ્ઞવલ્ક્ય ! તારી વિદ્યા પરિપૂર્ણ થઈ છે. આ વિદ્યા તું તારા માનવબંધુઓને આપજે. આ વિદ્યા શુક્લ છે, વિશુદ્ધ છે અને વિશુદ્ધ રહેશે. મારે તને આશીર્વાદ છે.
યાજ્ઞવલ્ક્ય ભગવાન સવિતાનારાયણ પાસેથી નવી સંહિતા લઈ આવ્યા: શુક્લ-યજુર્વેદ-સંહિતા. યાજ્ઞવલ્ક્ય યજ્ઞનું નવું દર્શન લઈ આવ્યા. સમગ્ર આર્યાવર્તમાં પવનવેગે સમાચાર ફેલાઈ ગયા. હજારો ઋષિઓ, વિદ્યાર્થીઓ યાજ્ઞવલ્ક્ય પાસે આ નવી વિદ્યા ગ્રહણ કરવા માટે આવવા લાગ્યા. બાળક યાજ્ઞવલ્ક્ય મહર્ષિ યાજ્ઞવલ્ક્ય બન્યા.

યાજ્ઞવલ્ક્ય ચારેય વેદના જ્ઞાતા તો છે જ, પરંતુ “શુક્લ યજુર્વેદના તો તેઓ પ્રણેતા છે. આમ ‘યજુર્વેદ’ની બે સંહિતાઓ બની. ‘કૃષ્ણ યજુર્વેદ’નું પ્રણયન વ્યવસ્થિત ન હોવાથી તેના વિષયો બુદ્ધિમાં ઊતરતા નથી, બુદ્ધિ કૃષ્ણ બની જાય છે, તેથી તે ‘કૃષ્ણ યજુર્વેદ’ કહેવાય છે. ‘શુક્લ યજુર્વેદ’માં મંત્રભાગ અને બ્રાહ્મણભાગ જુદા-જુદા છે અને પ્રકરણો વ્યવસ્થિત છે, તેથી તે બુદ્ધિમાં તરત ઊતરે છે અને બુદ્ધિ શુક્લ જ રહે છે, તેથી તે ‘શુક્લ યજુર્વેદ’ કહેવાય છે. હવે ‘શુક્લ યજુર્વેદ’નો ઉદ્ઘોષ થયો અને તેથી ‘કૃષ્ણ યજુર્વેદ’ ખૂણામાં ધકેલાઈ ગયો. યાજ્ઞવલ્ક્ય દ્વારા વૈદિક જ્ઞાન અને યજ્ઞવિદ્યામાં એક નવા યુગનો પ્રારંભ થાય છે. યાજ્ઞવલ્ક્ય યુગપુરુષ છે. યાજ્ઞવલ્ક્ય ચારેય વેદોના જ્ઞાતા છે. તેમણે યજ્ઞવિધિ માટે મંત્રોનાં નવેસર સંકલન કર્યાં.

‘શુક્લ યજુર્વેદ’ના ચાળીસ અધ્યાયોમાં ભિન્ન-ભિન્ન યજ્ઞોના મંત્રોની વ્યવસ્થિત ગોઠવણ થઈ છે.

પ્રથમ બે અધ્યાયોમાં દર્શ-પૂર્ણમાસ ઈષ્ટિના મંત્રોનું સંકલન છે. ત્રીજા અધ્યાયમાં અગ્નિહોત્ર અને ચાતુર્માસ્યની પ્રક્રિયાના મંત્રો છે. અધ્યાય ૪થી ૮માં સોમયોગના મંત્રોનું સંકલન છે. અધ્યાય ૯ અને ૧૦માં રાજસૂય અને વાજપેય યાગના મંત્રો છે. અધ્યાય ૧૧થી ૧૮માં ‘અગ્નિચયન’નું વિધાન છે. અગ્નિચયનને ચયનયાગ પણ કહે છે. આ અગ્નિચયન એક ઘણી વિશિષ્ટ યજ્ઞવિધિ છે. અગ્નિચયન વૈદિક યજ્ઞવિદ્યા અનેરું સંશોધન ગણાય છે. આ વિધિને ક્રમબદ્ધ સ્વરૂપ આપીને લોકો સમક્ષ રજૂ કરવાનું શ્રેય મહર્ષિ યાજ્ઞવલ્ક્યને ફાળે જાય છે. આમાં અધ્યાય ૧૬માં શતરુદ્રીય છે. અધ્યાય ૧૯,૨૦ અને ૨૧માં સોત્રામણી યાગ છે. અધ્યાય ૨૨થી ૨૫માં અશ્ર્વમેધયાગનાં મંત્રો છે. અધ્યાય ૨૨નો ૨૨મો અનુવાક્ ‘અળ રૂૄસ્ત્રણ્ર રૂૄળસ્ત્રઞળજ્ઞ’ પ્રસિદ્ધ પ્રાચીન રાષ્ટ્રગીત છે.

પછીના ૧૫ અધ્યાયો ખિલપરિશેષ તરીકે લેવાય છે. આ પંદર અધ્યાયોનું સંકલન પણ યાજ્ઞવલ્ક્યે જ કર્યું છે. અધ્યાય ૩૧માં પુરુષસૂક્ત, અધ્યાય ૩૨માં ‘ટડજ્ઞમળાક્કણ’ અધ્યાય ૩૪માં શિવસંકલ્પ સૂક્ત, અ. ૩૬માં શાંતિપાઠ અને અધ્યાય ૪૦માં ‘ઈશાવાસ્યોપનિષદ’ છે.

આમ આ યુગપુરુષ દ્વારા ‘યજુર્વેદ’ અને યજ્ઞવિદ્યા નવું કલેવર ધારણ કરે છે.

મંત્રોના સંકલનમાં સંહિતાને વ્યવસ્થિત કરીને યજ્ઞના રહસ્યને ઉકેલવા માટે મહાન ‘શતપથ બ્રાહ્મણ’ રજૂ કરનાર પણ આ જ યુગપુરુષ છે. વેદજ્ઞ વિદ્વાનો કહે છે કે મંત્રસંહિતાઓમાં જેમ ‘ઋગ્વેદ’ શ્રેષ્ઠ છે તેમ બ્રાહ્મણગ્રંથોમાં ‘શતપથ બ્રાહ્મણ’ શ્રેષ્ઠ છે. ‘શતપથ બ્રાહ્મણ’ ભારતીય યજ્ઞવિદ્યા અને યજ્ઞમીમાંસાનો શિરમોર ગ્રંથ છે. આવા મહાન ગ્રંથનું પ્રણયન કરીને મહર્ષિ યાજ્ઞવલ્ક્યે ભારતવર્ષને યાવચ્ચન્દ્રદિવાકરૌ ઋણી બનાવ્યું છે.

‘શતપથ બ્રાહ્મણ’ શુક્લ યજુર્વેદીય બ્રાહ્મણ છે. ‘શુક્લ યજુર્વેદ’ના ૪૦ અધ્યાયોમાં સંકલિત મંત્રોનાં વિનિયોગ, વિવરણ અને રહસ્યોદ્ઘાટન ‘શતપથ બ્રાહ્મણ’નો પ્રધાન વિષય છે. મહર્ષિ યાજ્ઞવલ્ક્ય વારંવાર સમજાવે છે કે યજ્ઞનો પ્રારંભ દેવયજનથી થાય છે, પરંતુ તેનું પર્યવસાન આત્મયજનમાં થાય છે. ‘શતપથ બ્રાહ્મણ’માં અનેક અને અનેકવિધ યજ્ઞોની વિધિઓનું સાંગોપાંગ વિવેચન છે, પરંતુ ‘શતપથ બ્રાહ્મણ’ની પરિસમાપ્તિ માત્ર વિધિ દર્શાવવામાં જ થતી નથી. યજ્ઞોનું આધ્યાત્મિક રહસ્ય પ્રગટ કરવું અને યજમાનને દેવયજનથી આત્મયજન તરફ દોરી જવો તે ‘શતપથ બ્રાહ્મણ’નું કેન્દ્રસ્થ તત્ત્વ છે.

યાજ્ઞવલ્ક્ય યાજ્ઞિક છે, સમર્થ યાજ્ઞિક છે, યજ્ઞવિદ્યાના મહાન જ્ઞાતા છે, પરંતુ યાજ્ઞવલ્ક્ય માત્ર યાજ્ઞિક નથી, યાજ્ઞવલ્ક્ય સમર્થ અધ્યાત્મવેત્તા પણ છે જ.

યાજ્ઞવલ્ક્યનું એક નામ વાજસનિય પણ છે. ‘શુક્લ યજુર્વેદ’નું પ્રણયન તેમણે કર્યું છે, તેથી ‘શુક્લ યજુર્વેદ’ને વાજસનેય ‘શુક્લ યજુર્વેદ સંહિતા’ પણ કહેવામાં આવે છે. વાજસનેય ‘શુક્લ યજુર્વેદ’ની બે શાખાઓ છે: માધ્યંદિન અને કાણ્વ. તદ્નુસાર ‘શતપથ બ્રાહ્મણ’નાં પણ બે સ્વરૂપ છે. અત્યારે માત્ર માધ્યંદિન ‘શતપથ બ્રાહ્મણ’ જ ઉપલબ્ધ છે. માધ્યંદિન ‘શતપથ બ્રાહ્મણ’નું સ્વરૂપ આ પ્રમાણે છે:
કાંડ કાંડનું નામ અધ્યાય પ્રપાઠક બ્રાહ્મણ કંડિકા
૧ હવિર્યજ્ઞમ્ ૯ ૭ ૩૭ ૮૩૭
૨ એકપાદિકા ૬ ૫ ૨૪ ૫૪૯
૩ અધ્વરમ્ ૯ ૭ ૩૭ ૮૫૯
૪ ગ્રહનામ ૬ ૫ ૩૯ ૬૪૮
૫ સવમ્ ૫ ૪ ૨૫ ૪૭૧
૬ ઉષાસંભરણમ્ ૮ ૫ ૨૭ ૫૩૦
૭ હસ્તિઘટમ્ ૫ ૪ ૧૨ ૩૯૮
૮ ચિતિ: ૭ ૪ ૨૭ ૪૩૭
૯ સંચિતિ: ૫ ૪ ૧૫ ૪૦૨
૧૦ અગ્નિરહસ્યમ્ ૬ ૪ ૩૧ ૩૬૯
૧૧ અષ્ટાધ્યાયીસંગ્રહ: ૮ ૪ ૪૨ ૪૩૭
૧૨ મધ્યમમ્ (સૌત્રામણી) ૯ ૪ ૨૯ ૪૫૯
૧૩ અશ્ર્વમેધમ્ ૮ ૪ ૪૩ ૪૩૨
૧૪ બૃહદારણ્યકમ્ ૯ ૭ ૫૦ ૭૯૬
કુલ ૧૦૦ ૬૮ ૪૩૮ ૭૬૨૪
આ મહાગ્રંથના સો અધ્યાય છે, તેથી તે ‘શતપથ બ્રાહ્મણ’ કહેવાય છે, એટલું જ નહીં, પણ આ બ્રાહ્મણમાં શત-શત વિષયોનું વિવરણ છે, તેથી પણ તે ‘શતપથ બ્રાહ્મણ’ કહેવાય છે.
મહાન ‘બૃહદારણ્યક ઉપનિષદ’ આ ‘શતપથ બ્રાહ્મણ’ના જ અંતિમ કાંડમાં છે.

‘શતપથ બ્રાહ્મણ’ના અંતિમ ૧૪મા કાંડમાં ૯ અધ્યાય છે. આ ૯માંના અંતિમ ૬ અધ્યાય તે જ ‘બૃહદારણ્યક ઉપનિષદ’ છે.

મહર્ષિ યાજ્ઞવલ્ક્યની આધ્યાત્મિક પ્રતિભા ‘બૃહદારણ્યક ઉપનિષદ’માં સોળેય કલાએ ખીલે છે. વસ્તુત: ‘બૃહદારણ્યક ઉપનિષદ’ ‘શતપથ બ્રાહ્મણ’નો અર્ક છે, સારભાગ છે. ‘શતપથ બ્રાહ્મણ’ રૂપી મહાવૃક્ષને અમૃતફળ બેઠું; તે જ આ ‘બૃહદારણ્યક ઉપનિષદ’ છે.

‘બૃહદારણ્યક ઉપનિષદ’ માત્ર કદમાં જ નહીં, પરંતુ અર્થમાં પણ બૃહદ્ છે, તેથી તે ‘બૃહદારણ્યક’ કહેવાયું છે. આ શિરમોર ઉપનિષદના પ્રધાન પ્રવક્તા પણ મહર્ષિ યાજ્ઞવલ્ક્ય જ છે.
આ ‘બૃહદારણ્યક ઉપનિષદ’માં અધ્યાત્મવિદ્યાના ઉત્કૃષ્ટ સંવાદો છે. આ સંવાદો ભારતીય અધ્યાત્મ અને તત્ત્વદર્શનનાં ચળકતાં રત્નો છે.


Show More

Related Articles

Back to top button
ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસના સૌથી યુવા કપ્તાનોની યાદી આ સેલિબ્રિટીએ કર્યા છે અરેન્જ્ડ મેરેજ આજથી શરૂ થયેલો September, આ રાશિના જાતકોનું વધશે Bank Balance… ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો…