આમચી મુંબઈ

૨૦૨૨માં ૨૫ ટકા મૃત્યુ હૃદયરોગ, હાઈ બ્લડ પ્રેશરથી

૧૩ લાખ નાગરિકની ડાયાબિટીઝ અને હાઈ બ્લડ પ્રેશરની તપાસણી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના નાગરિકોમાં હૃદયરોગ, હાઈ બ્લડ પ્રેશર તથા હૃદયને લગતી અન્ય બીમારીઓનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. મુંબઈ મહાનગરપાલિકાએ આપેલા આંકડા મુજબ ૨૦૨૨ની સાલમાં ૨૫ ટકા મૃત્યુ હૃદયરોગ, હાઈ બ્લડ પ્રેશર તેમ જ હૃદયને લગતી અન્ય બીમારીઓને કારણે થયા છે.

મુંબઈ મહાનગરપાલિકાએ આવી અસંસર્ગજન્ય બીમારીઓ પર નિયંત્રણ લાવવા માટે અભિયાન હાથ ધર્યું છે, જે હેઠળ વર્ષભરમાં ૩૦ વર્ષથી ઉપરના લગભગ ૧૩ લાખ નાગરિકોના ડાયાબિટીઝ અને હાઈબ્લડ પ્રેશરની તપાસ કરી છે. ડાયાબિટીસ અને બ્લડપ્રેશર તપાસ કેન્દ્રમાં અઢી લાખ નાગરિકોની તો આરોગ્ય સેવિકા અને આશા સેવિકાએ ઘર-ઘર જઈને કરેલા સર્વેક્ષણમાં ૧૦ લાખ ૪૬ હજાર નાગરિકોની તપાસ કરવામાં આવી હતી. નિરોગી જીવનશૈલી અને ખાસ કરીને નિરોગી હૃદય માટે ૩૦ વર્ષની ઉપરના નાગરિકોએ નિયમિતપણે પોતાની તપાસ કરાવી લેવાની અપીલ પણ આરોગ્ય ખાતા દ્વારા કરવામાં
આવી છે.

મુંબઈ મહાનગરપાલિકાની મેડિકલ કૉલેજ, ઉપનગરીય હૉસ્પિટલ અને સ્પેશિયલ હૉસ્પિટલ મળીને ૨૬ ડાયાબિટીસ અને બ્લડપ્રેશર તપાસ કેન્દ્ર મારફત ઑગસ્ટ ૨૦૨૨થી અત્યાર સુધી ૩૦ વર્ષથી ઉપરના લગભગ અઢી લાખ નાગરિકોની તપાસ કરવામાં આવી હતી. તેમ જ જાન્યુઆરી ૨૦૨૩થી આરોગ્ય સેવિકા અને આશા સેવિકા ૩૦ વર્ષથી ઉપરની વ્યક્તિઓની ઘરે જઈને હાઈ બ્લડ પ્રેશર છે કે નહીં તેનું સર્વેક્ષણ કરી રહી છે.

પાલિકાના આરોગ્ય ખાતાના અધિકારીના જણાવ્યા મુજબ ૧૮થી ૬૯ વષર્ર્ની વયના નાગરિકોમાં ૨૦૨૧માં ડબ્લૂએચઓ સ્ટેપ્સ સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. આ સર્વેક્ષણમાં મળેલી માહિતી મુજબ મુંબઈમાં ૩૪ ટકા નાગરિકોને બ્લડપ્રેશર અને ૧૯ ટકા નાગરિકોને ડાયાબિટિસ હોવાનું જણાયું હતું. દર ૧૦માંથી નવ નાગરિક ગરજકરતા ઓછા ફળ અને શાકભાજી ખાતા હોવાનું જણાયું હતું. તેમ જ પ્રતિદિન પાંચ ગ્રામની સરખામણીમાં ૮.૬ ગ્રામ જેટલા મીઠાનું સેવન કરતા હોવાનું પણ જણાયું હતું. લગભગ ૪૬ ટકા નાગરિકોના વજન એ સરેરાશ કરતા વધુ છે. ૧૨ ટકા મુંબઈગરા સ્થૂળ જણાયા હતા.

આ પાશ્ર્વભૂમિ પર પાલિકાએ વિશેષ યોજના હાથ ધરી હતી અને મુંબઈના ૨૬ ડાયાબિટિસ અને બ્લડપ્રેશર તપાસ કેન્દ્રમાં ઑગસ્ટ ૨૦૨૨થી ૩૦ વર્ષ ઉપરના નાગરિકોની તપાસ કરવાનું ચાલુ કરવામાં આવ્યું હતું. આરોગ્ય ખાતાના આંકડા મુજબ અત્યાર સુધી ૧૦ લાખ ૪૬ હજાર નાગરિકોને તપાસવામાં આવ્યા હતા, તેમાંથી ૬૮ હજાર મેડિકલી દ્દષ્ટિએ શંકાસ્પદ કેસ જણાયા હતા. તેમની વધુ તપાસ બાદ ૯,૬૦૦ દર્દીઓને હાઈબ્લડ પ્રેશરનું નિદાન કરીને તેમને સારવાર આપવામાં આવી રહી છે.

એ સિવાય પાલિકાના દવાખાના અને હિંદુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે આપલા દવાખાનાના માધ્યમથી દર્દીઓને વિનામૂલ્ય સારવાર આપવામાં આવી રહી છે. ૨૦,૦૦૦ દર્દીઓને આહાર નિષ્ણાત મારફત હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટિસ બાબતે કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.

નિરોગી અને આરોગ્યદાયી જીવનશૈલી માટે ૧૩૮ યોગ કેન્દ્ર તમામ વોર્ડમાં ચાલુ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી ૨૬,૭૪૨ મુંબઈગરા આ યોગ કેન્દ્રનો લાભ લઈ ચૂક્યા છે. ———————-
નાગરિકોએ શું કાળજી લેવી?
પોતાના આહારમાં મીઠુ, સાકર અને ખાદ્યતેલનું પ્રમાણ ઓછું કરવું. દારૂ તેમ જ ધૂમ્રપાન, તમાકુનું સેવન ટાળવું. ૩૦ વર્ષની ઉપરના નાગરિકોએ ડાયાબિટિસ અને બ્લડપ્રેશરની નિયમિત તપાસ કરાવતા રહેવી. નિયમિત દવા લઈને ડાયાબિટિસ અને હાઈબ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવું અને દરરોજ ઓછામાં ઓછું ૩૦ મિનિટ ચાલવું. નિયમિત કસરત અને યોગા કરવા.

ચોંકાવનારા આંકડા
વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશનના ૨૦૧૮ના આંકડા મુજબ ભારતમાં હૃદયરોગ સંબંધિત બીમારીથી મૃત્યુ પામનારા વ્યક્તિઓનું પ્રમાણ કુલ મૃત્યુના ૨૭ ટકા છે. મુંબઈ મહાનગરપાલિકાના જુદા જુદા વોર્ડમાં જન્મ-મૃત્યુ નોંધણીના આંકડા મુજબ મુંબઈ મહાનગરવિસ્તારમાં ૨૦૨૨માં કુલ રજિસ્ટર્ડ થયેલા મૃત્યુમાંથી ૨૫ ટકા મૃત્યુ એ હૃદયરોગ, હાઈબ્લડ પ્રેશર અને અન્ય હૃદયરોગની બીમારીને કારણે થયા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button