કાશ્મીરમાં ચૂંટણીને પગલે રાજકીય પક્ષો સાબદા! ભાજપ-કોંગ્રેસ-પીડીપીએ જાહેર કર્યા સ્ટાર પ્રચારકો
શ્રીનગર: બહુ લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે જમ્મુ કાશ્મીર રાજ્યમાં ચૂંટણીના શંખનાદ થઈ ગયો છે. આગામી ત્રણ તબક્કામાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા યોજાવાની છે જેમાં 18મી સપ્ટેમ્બરથી પ્રથમ તબક્કાના મતદાનની શરૂઆત થશે. ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ સહિત તમામ રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષોએ ઉમેદવારોના નામ અને સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. કોંગ્રેસ અને પીડીપીએ તૈયારીઓ આદરી દીધી છે.
PDPએ જાહેર કરી પ્રભારીઓની યાદી:
મહેબૂબા મુફ્તીની પાર્ટી જમ્મુ કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)એ છ પ્રભારીઓની યાદી જાહેર કરી છે. પીડીપી દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રભારીઓની યાદીમાં હાજી અહેમદ ખાનને બીરવાહ વિધાનસભા, તફાજુલ મુશ્તાકને ખાન્યાર વિધાનસભા, મોહમ્મદ અફઝલ વાનીને ત્રેહગામ વિધાનસભા, તાહિર કાદરીને સોનવારી વિધાનસભા, અલ્તાફ અહેમદ મલિકને રફી-આબાદ વિધાનસભા તેમજ મીર આઝાદ પરવાઝને હંદવારા વિધાનસભા બેઠકના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: કાશ્મીરમાં ચૂંટણીથી લોકશાહી પરનું કલંક દૂર થશે
કોંગ્રેસની 40 સ્ટાર પ્રચારકોની યાદી:
જમ્મુ કાશ્મીર ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સીપીસી ચેરપર્સન સોનિયા ગાંધી અને સાંસદ રાહુલ ગાંધીનો પણ સમાવેશ થાય છે. કોંગ્રેસ મહાસચિવ કે.સી.વેણુગોપાલ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં જયરામ રમેશ, અજય માકન, કન્હૈયા કુમાર, સલમાન ખુર્શીદ અને અંબિકા સોનીના નામનો સમાવેશ કર્યો છે.
આ યાદીમાં ગુજરાતમાંથી કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત આ યાદીમાં રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની, હિમાચલના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુને પણ સ્થાન આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Jammu Kashmir માં ચૂંટણીના એંધાણ, 8 ઓગસ્ટે રાજકીય પક્ષો સાથે ચૂંટણી પંચની બેઠક
ખુદ પીએમ મોદી સંભાળશે પ્રચારની કમાન:
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપે સોમવારે પોતાના 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારની કમાન સંભાળવાના છે. આ યાદીમાં ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા ઉપરાંત યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું નામ મોખરે છે.
આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓમાં નીતિન ગડકરી, મનોહર લાલ ખટ્ટર, જી કિશન રેડ્ડી, શિવરાજ સિંહ ચૌહાણ, જિતેન્દ્ર સિંહ અને પૂર્વ કેન્દ્રીય મંત્રીઓ અનુરાગ ઠાકુર અને સ્મૃતિ ઈરાની અને જનરલ વીકે સિંહ ઉપરાંત રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્મા સહિત અનેક મોટા નેતાઓ ચૂંટણી પ્રચાર દરમિયાન જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેશે.