અમદાવાદ

અમદાવાદમાં સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી આવશે અમલમાંઃ જાણો શહેરને શું થશે ફાયદો

અમદાવાદઃ ગુજરાતમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધુ વકરતી જઈ રહી છે. જેમાં ટ્રાફિકની સમસ્યા માટે સૌથી વધારે રોડ પરના ગેરકાયદે લારી-ગલ્લાના દબાણો તેમજ વાહન પાર્કિંગ જવાબદાર છે. ખાસ કરીને રોડ પર લારી-ગલ્લાના દબાણોના કારણે રોડપર વાહનચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડે છે.

હાલમાં આ મુદ્દાઓ અંગે ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મનપાને આડે હાથ લીધી છે. ત્યારે અમદાવાદને દબાણ મૂક્ત શહેર બનાવવા માટે મનપા દ્વારા સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીનો આગામી 15 દિવસમાં અમલ શરૂ કરવામાં આવશે. શહેરમાં હવે નોંધાયેલા ફેરિયાઓ જે સ્થળો પર વેન્ડિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે, ત્યાં જ લારી કે ગલ્લો લઈ ઉભા રહી શકશે. જેના માટે મનપાને દર મહિને રૂ. 600થી લઇ રૂ. 250 સુધીની ફી પણ ચૂકવવાની રહેશે.

પોલીસી મુજબ નવા સ્ટ્રીટ વેન્ડરની નોંધણી કરાશે

અમદાવાદ શહેરમાં નક્કી કરેલા 415 જેટલા રસ્તા ઉપર વેન્ડિંગ ઝોનમાં મનપામાં નોંધાયેલા 62,000 જેટલા ફેરિયાઓ લારી-ગલ્લા લઈને ઉભા રહી શકશે. ખાસ કરીને સાબરમતી રિવરફ્રન્ટ, ભદ્ર, જોધપુર, બોપલ, મણિનગર, ગોતા, ઠક્કરબાપાનગર સહિતના વિસ્તારોમાં અગાઉથી સ્ટ્રીટ વેન્ડર નોંધાયેલા છે. વેન્ડિંગ પોલીસી મુજબ નવા સ્ટ્રીટ વેન્ડરની નોંધણી પણ શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો: ટ્રાફિક અને ગેરકાયદે પાર્કિંગ મુદ્દે કોઈ સુધારો નહીં: ગુજરાત હાઈ કોર્ટનું ઉચ્ચ અધિકારીઓને તેડું…

વેન્ડિંગ ઝોનમાં નોંધાયેલા ફેરીયાઓને ઊભા રહેવા દેવાશે

અમદાવાદ મનપાના ઇન્ચાર્જ એસ્ટેટ ઓફિસરએ જણાવ્યું હતું કે, શહેરમાં સ્ટ્રીટ વેન્ડિંગ એક્ટ હેઠળ જેટલા પણ ફેરીયાઓ નોંધાયેલા છે. તેઓને વેન્ડિંગ પ્લાન અંતર્ગત જે સ્થળોએ વેલ્ડીંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે, ત્યાં જ ઊભા રાખવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેની અસરકારક કામગીરી માટે ઝોન લેવલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં કુલ સાત સભ્યોની કોર કમિટી બનાવવામાં આવી છે.

સ્ટ્રીટ વેન્ડિંગ પ્લાન મુજબ જે સ્થળો નક્કી કરેલા છે તેવા સ્થળો પર જ હવે લારી-ગલ્લાઓ ઉભા રાખવાની પરવાનગી આપવામાં આવશે. જ્યાં પરવાનગી નથી તેવા સ્થળો પરના દબાણો દૂર કરવામાં આવશે. જે નોંધાયેલા ફેરીયાઓ હશે તેઓને જ વેન્ડિંગ ઝોનમાં ઊભા રહેવા દેવાશે.

શહેરમાં અંદાજે 75 હજારથી વધુ ફેરીયાઓ

આ પણ વાંચો: હાઇકોર્ટની ઝાટકણી બાદ અમદાવાદ ટ્રાફિક પોલીસે 15 દિવસમાં વસૂલ્યો 60.09 લાખનો દંડ

શહેરમાં જે સ્થળો પર વેન્ડિંગ ઝોન જાહેર કરવામાં આવશે ત્યાં પીળા પટ્ટા મારવામાં આવશે. આ જગ્યામાં જ લારી ગલ્લા વાળા ફેરીયાઓએ ઊભા રહેવાનું રહેશે. સ્થળ, સમયની સાથે તેમને પાલન કરવાની સૂચનાઓ સાથેના બોર્ડ લગાવવામાં આવશે. નો વેન્ડિંગ ઝોનમાં ક્યાંય પણ લારી-ગલ્લાઓ ઉભા રહેશે નહીં જો કોઈ લારી-ગલ્લા કે ફેરીયાએ દબાણ કર્યું હશે તો તાત્કાલિક ધોરણે તેને ત્યાંથી દૂર કરવામાં આવશે.

મનપામાં વર્ષ 2017માં 62,000 જેટલા ફેરીયાઓ નોંધાયા હતા અને 2019 બાદ ઝોન કક્ષાએથી અલગ- અલગ આઈકાર્ડ ઇશ્યૂ કરવામાં આવ્યા હતા. અંદાજે શહેરમાં કુલ 75 હજાર જેટલા ફેરીયાઓ છે, તે તમામ ફેરિયાઓનો ફરીથી સર્વે કરી અને તેમના રીન્યુની ચકાસણી કરવામાં આવશે.

જોકે શહેરના ખૂણે ખૂણે લારી ગલ્લાવાળા ઉભા હોય છે અને તંત્રની નજર સામે જ રસ્તો બ્લોક કરી ઊભા હોય છે, પરંતુ કોઈ પગલાં લેવાતા નથી.

Show More

Related Articles

Back to top button
આ સેલિબ્રિટીએ કર્યા છે અરેન્જ્ડ મેરેજ આજથી શરૂ થયેલો September, આ રાશિના જાતકોનું વધશે Bank Balance… ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી