વિપક્ષોનું ‘ મહાયુતિ સરકારને ચપ્પલ મારો’ આંદોલન
મુંબઈ: મહાયુતિ સરકાર પ્રત્યે રોષ વ્યક્ત કરવા તેમ જ સિંધુદુર્ગના રાજકોટ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડવાની ઘટનાના વિરોધ માટે મહાવિકાસ આઘાડીના ત્રણેય મુખ્ય પક્ષો કૉંગ્રેસ, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ(શરદ પવાર જૂથ) અને શિવસેના(ઉદ્ધવ ઠાકરે) દ્વારા રવિવારે સરકારને ‘જોડા મારો’ એટલે કે ‘ચપ્પલ મારો’ અથવા ‘જૂતા મારો’ આંદોલનનું આયોજન કરવામાં આવ્યું છે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે તેમ જ દેવેન્દ્ર ફડણવીસ આ ઘટના વિશે દુ:ખ વ્યક્ત કરી માફી માગી ચૂક્યા છે. શિદેએ શિવાજી મહારાજ આખા મહારાષ્ટ્રના દૈવત હોઇ તેમના નામે રાજકારણ ન કરવાની અપીલ કરી હોવા છતાં આ મુદ્દે રાજકારણ શમવાનું નામ નથી લઇ રહ્યું. ઉલટાનું વિપક્ષો આ મુદ્દે વધુ આક્રમક મુડમાં આવ્યા છે અને મહાયુતિ સરકારને ‘જોડા મારો’ આંદોલનનું આયોજન કર્યું છે.
આ પણ વાંચો: મહાવિકાસ આઘાડીના ત્રણેય સુપ્રીમો એક મંચ પર
આ આંદોલન સવારે 10 વાગ્યે શરૂ કરાશે અને વિરોધ રેલી હુતાત્મા ચોકથી શરૂ કરીને ગેટ-વે ઑફ ઇન્ડિયા સુધી લઇ જવામાં આવશે. આ રેલીમાં ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર તેમ જ કૉંગ્રેસના મહારાષ્ટ્ર પ્રદેશાધ્યક્ષ નાના પટોેળે સહિતના દિગ્ગજ નેતાઓ સામેલ થશે.
આ ઉપરાંત મહાવિકાસ આઘાડીના બધા જ દિગ્ગજ નેતાઓ, પ્રમુખ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ આ રેલીમાં સામેલ થશે. મુંબઈ કૉંગ્રેસ પણ સરકારને ઘેરવા માટે આંદોલનમાં સહભાગી થવા સજ્જ હોવાનું મુંબઈ કૉંગ્રેસના અધ્યક્ષ વર્ષા ગાયકવાડે જણાવ્યું હતું.
આંદોલનની તૈયારી માટે ગાયકવાડની આગેવાનીમાં શનિવારે મુંબઈ વિભાગીય કૉંગ્રેસ કમિટીના બધા જ નેતાઓ, પદાધિકારીઓ, જિલ્લાધિકારીઓ અને કાર્યકર્તાઓસાથે વર્ચુઅલ મિટીંગ(ઓનલાઇન બેઠક) યોજવામાં આવી હતી.
આ બેઠકમાં તેમને આંદોલન વિશે માહિતી આપવામાં આવી હતી તેમ જ વિવિધ સૂચનાઓ પણ અપાઇ હતી. આંદોલનને સફળ બનાવવા માટે મોટાપાયે તેમાં જોડાવા માટે લોકોને અપીલ કરવાની સૂચના પણ આપવામાં આવી હતી.