અદાલત: હાજિર હો!
પરિસ્થિતિ એવી છે કે અદાલતમાં ચાલતા કેસનો નિર્ણય આવે ત્યાં સુધીમાં તો વકીલો અને અસીલોની પેઢીઓ બદલાય જાય છે છતાંય મામલો પૂરો જ નથી થતો
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ
મહાભારતમાં જો કૌરવો અને પાંડવો એમની જમીનનો મામલો પતાવવા માટે કુરુક્ષેત્રમાં લડવાને બદલે વકીલોની મદદથી મામલાને કોર્ટમાં પતાવવાનો પ્રયાસ કર્યો હોત તો આજે આટલાં વર્ષો પછી પણ એમના કેસનો ઉકેલ આવ્યો ન હોત અને આજે પણ એમના વંશજો કોઈક જિલ્લા અદાલતની બહાર બાંકડા પર બેઠેલા જોવા મળતે.
આ તો ભારતીય અદાલતોનું સૌભાગ્ય છે કે મોટાભાગના ભારતીયો એવું દૃઢતાથી માને છે કે પોલીસમાં ફરિયાદ લખાવવી એટલે હાથે કરીને પોતાની દુર્દશા નોતરી લેવી અને અદાલતમાં જવું એટલે પોતાનું રહ્યું સહ્યું આખું જીવન બરબાદ કરવા જેવું છે.
જો તેઓને ન્યાયતંત્ર અને પોલીસવાળા પર વિશ્ર્વાસ હોત તો વિચાર કરો કે આજે દેશની અદાલતોમાં કેસની સંખ્યા કેટલી હોત? આવું નથી થતું તો યે પરિસ્થિતિ એવી છે કે અદાલતમાં ચાલતા કેસનો નિર્ણય આવે ત્યાં સુધીમાં તો વકીલો અને અસીલોની પેઢીઓ બદલાય જાય છે છતાંય મામલો પૂરો જ નથી થતો.
હકીકતમાં મોટાભાગના ભારતીયો અદાલતમાં પોતાનો મામલો એવી જ આશાથી લઈને જાય છે કે એ ત્યાં એનો નિર્ણય કદી યે આવશે જ નહીં. તારીખો પર તારીખ પડતી રહેશે.
એક અદાલતમાં ચુકાદો આવી પણ ગયો તો આપણે એને બીજી અદાલતમાં લઈ જઈશું. જો સમસ્યાનો ઉકેલ તરત જ આવી જાય તો એમના માટે બહુ નવાઈની અને દુ:ખની વાત હશે. તેઓ મોડેથી જ ન્યાય મળશે એવી આશા લઈને અદાલતમાં આવે છે.
હંમેશાં ન્યાય મળવામાં મોડું થાય છે અને એ જ તો લોકો ઇચ્છે છે. ભારતમાં ન્યાય મેળવવાનો પ્રયાસ કરવાનો અર્થ એટલે ગુનાનાં લાભ મેળવવાના સમયને વધારવાનો! મોટાભાગના મામલામાં અદાલતોનું ગુનાખોરીમાં આ જ યોગદાન રહ્યું છે.
સામાન્ય ભારતીય માણસ અદાલતના દર્શન,
હિન્દી ફિલ્મોમાં જ કરે છે. જેમાં હીરો ગુનેગાર હોય
છે, વકીલ અમુક ધારદાર શબ્દો કે સંવાદોમાં દલીલબાજી કરે છે અને જજ ખૂબ જ અઘરી ઉર્દૂ ભાષામાં ચુકાદો આપે છે.
કોર્ટમાં બધું જ એકદમ મનોરંજક અને રંગીન રસપ્રદ હોય છે, પણ ખરેખર જો તમે કોઈ જિલ્લા અદાલતમાં જશો ને તો રોમાન્સમાંથી વાસ્તવિકતાની ધરતી પર પટકતાં વાર નહીં લાગે! ચારે ય બાજુ સામાજિક દુર્ગુણોના કીચડ વચ્ચે ભારતીય ન્યાયતંત્ર, વર્ષોથી કમળનાં ફૂલની જેમ એકલવાયું જીવન જીવી રહ્યું છે. આપણાં જજ લોકોનો બૂઢાપો ગુનેગારોના બૂઢાપા જેવો સુખી નથી જ હોતો, પણ સફળ અને વ્યસ્ત વકીલ જેટલો સલામત પણ નથી હોતો.
ઘણા રિટાયર્ડ જજો એવી આશા સાથેસરકારની વાહવાહી કરતાં રહે કે જેથી બૂઢાપામાં એમને કોઈ તપાસ પંચનું કામ મળી જાય. જજોની રિટાયર્ડ થયા પછી સ્થિતિ દયનીય બની થઈ જાય છે, કારણ કે બૂઢાપામાં જજોને જોઇને કોઇ એમને દાળ-ચોખા-મીઠું હળદર સસ્તામાં વેંચતું નથી.
આપણો દેશ દરેક બાબતમાં આત્મનિર્ભર યોજનાઓની વાત વિચારે છે, પણ ન્યાયનું સમગ્ર માળખું પોતાનામાં સક્ષમ અને પોતાની વ્યવસ્થા પોતે સંભાળે, પોતાની સમસ્યાઓનો ઉકેલ પોતે લાવે, આવું આપણે ક્યારેય નહીં વિચારીએ. નગ્ન હકીકત તો એ છે કે ગુનેગાર હોય, પોલીસ હોય, નિર્દોશ હોય, સરકાર હોય, બધાં એ જ આશામાં જીવે છે કે ગમે તેમ તોયે ન્યાયનું પલડું એમની તરફ જ નમે. ન્યાય મેળવાવા માટે સૌની ખેંચતાણ ચાલતી રહે છે.
સદીઓથી એમ ને એમ થીજી ગયેલ ન્યાયતંત્ર, આંખે પટ્ટી બાંધીને ઊણું રહે છે, બીજી બાજુ ભારતની નાની મોટી અદાલતોમાં નિવેદનો-દલીલો ચાલતા જ રહે છે અને વર્ષોનાં વર્ષો સુધી કેસનો નિકાલ આવતો જ નથી!