સરમુખત્યારો પીંજરામાં બંધ ઉંદર જેવા હોય છે, બહાર નીકળી ન શકે
મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી
રશિયામાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ બળવો કરનાર વેગનર ગ્રૂપના વડા યેવજેની પ્રિગોઝિનનું તાજેતરમાં વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. રશિયાની રાજધાની મોસ્કોથી સેન્ટ પીટર્સબર્ગ જઈ રહેલું વિમાન અકસ્માતનો ભોગ બન્યું હતું. રશિયાની એવિએશન ઓથોરિટીએ જણાવ્યું હતું કે વિમાનમાં માર્યાં ગયેલાં ૧૦ લોકોમાં પ્રિગોઝિન અને વરિષ્ઠ વેગનર કમાન્ડર દિમિત્રી ઉત્કિનનો સમાવેશ થાય છે.
રશિયાએ આ ખાનગી સૈન્ય વેગનરના સૈનિકોની મદદથી પૂર્વ યુક્રેન પર કબજો જમાવ્યો હતો. રશિયાએ યુક્રેનની બુખ્માતને કબજે કરી તો તેની પાછળ વેગનર ગ્રૂપનો મોટો હાથ હતો. આ જૂથની સેનાએ આફ્રિકા, મધ્ય પૂર્વ અને યુક્રેનમાં લડાઇ કરી હતી અને સફળતા પ્રાપ્ત કરી.
વર્ષો સુધી, પ્રિગોઝિને ક્રેમલિનનાં ગંદા કામ કર્યા હતાં અને દુનિયાભરમાં રશિયનો પ્રભાવ ફેલાવવાનો અને તેના દુશ્મનો વચ્ચે મતભેદ વાવવાનો પ્રયાસ કર્યો હતો. પુતિને તેના મૃત્યુ પછી પ્રિગોઝિનની પ્રશંસા કરીને તેને એક એવો ‘તેજસ્વી ઉદ્યોગપતિ’ ગણાવ્યો હતો જેણે યુક્રેન સામેના યુદ્ધમાં ‘નોંધપાત્ર યોગદાન’ આપ્યું હતું.
તાજેતરના સમયમાં પુતિન સાથે પ્રિગોઝિનના સંબંધો વણસી ગયા હતા. જૂનમાં વેગનરના વડાએ રશિયા સામે બળવો કર્યો. તેણે જાહેરાત કરી કે તે ૨૫,૦૦૦ સૈનિકો સાથે મોસ્કો આવી રહ્યો છે. રશિયન લશ્કરી કમાન્ડરો સાથેના મતભેદોથી બળવો થયો હતો. જો કે, આ બળવો ૨૪ કલાકથી ઓછા સમયમાં સમાપ્ત થઈ ગયો હતો. બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કોએ બળવાનો અંત લાવવામાં ભૂમિકા ભજવી હતી.
એ પછી હવે વિમાન અકસ્માતમાં પ્રિગોઝિનનું મૃત્યુ થયાના સમાચાર આવ્યા છે. એવી શંકા સેવાઈ રહી છે કે પુતિને જે તેનું કાટલું કઢાવી નાખ્યું છે. પ્રિગોઝિનના મૃત્યુના સમાચાર પછી, પુતિનનો એક જૂનો વીડિયો વાઈરલ થયો છે, જેમાં તે એવું કહેતાં સંભળાય છે કે હું વિશ્ર્વાસઘાતને ક્યારેય માફ નથી કરતો.
૨૦૧૮ની એક ડોક્યુમેન્ટ્રીમાં પૂછવામાં આવ્યું કે શું તમે લોકોની ભૂલોને માફ કરી શકો, ત્યારે વ્લાદિમીર પુતિને એક સેક્ધડ માટે વિચાર કરીને કહ્યું હતું, “હા, પરંતુ બધું જ નહીં.
“શું માફ ન કરો?” પત્રકાર આન્દ્રે કોન્દ્રાશોવે પૂછ્યું હતું.
“વિશ્ર્વાસઘાત… પુતિને જવાબ આપ્યો હતો.
પ્રિગોઝિનનો ઉદય અને પતન એવા ઘણા તાણાવાણાને ઉઘાડા પાડે છે, જે રશિયાના ઈતિહાસમાં ચાલતા આવ્યા છે. આ ઘટના રશિયાની નિરંકુશ રાજ્ય સત્તાનું પ્રતિક છે. સૌ પ્રથમ, આ તાણાવાણા એકહથ્થુ સત્તાનું લક્ષણ છે. રશિયાના લાંબા ઈતિહાસમાં કોઈને કોઈ સ્વરૂપે નિરંકુશ સત્તા રહી છે. લોકતંત્ર નામનો શબ્દ રશિયા માટે અજાણ્યો છે. રશિયાના પતનનું કારણ પણ એ જ છે.
પુતિને તમામ સત્તાઓ પોતાની પાસે લઇ લઈને અને લોકોને ગૌરવ અને સ્થિરતા પ્રદાન કરીને એ નિરંકુશતાને આધુનિક રૂપ આપ્યું છે. લોખંડી હાથે કામ કરવાની તેમની શૈલી યુક્રેન-રશિયાના ટકરાવમાં ૫૦ હજાર લોકોના મોતનું કારણ બની છે એટલું જ નહીં, તેમનું શાસન પણ જોર-જબરદસ્તીઓ, ઝઘડા, બેઈમાની, જૂઠ અને દ્વેષનું ભોગ બનીને ક્ષીણ થઇ રહ્યું છે.
પ્રિગોઝિનના મૃત્યુ સાથે પુતિન તેમની તાકાતને ફરીથી સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ પુતિન, અન્ય તમામ સરમુખત્યારોની જેમ, નિર્દયી હિંસાને તાકાત ગણવાની ભૂલ કરી રહ્યા છે. અસલી તાકાત લવચીક શાસનમાંથી આવે છે. યેવજેની પ્રિગોઝિનનું મૃત્યુ વાસ્તવમાં પુતિનની બરડ સરમુખત્યારશાહીની તિરાડો અને વિભાજનને દર્શાવે છે જે સમય જતાં વધતું જશે.
આને ‘સરમુખત્યારની જાળ’ કહે છે. સરમુખત્યારો પાસે તેમના ટીકાકારોને ચૂપ કરવાના અનેક રસ્તાઓ હોય છે. એકવાર ટીકાકારો જેલમાં બંધ થઇ જાય, મૃત્યુ પામે, અથવા ધાક-ધમકીઓથી ચુપ થઇ જાય, પછી તેમના વિનાશક નિર્ણયો સાથે અસંમત થવા માટે કોઈ બચતું નથી. તેમની આસપાસ એવા ચમચાઓ અને ચરણ ચુબંકો જ રહી જાય છે, જે તેમને સાંભળવું હોય તે જ બોલે છે. મીડિયામાં આવતી વાતોને તે પ્રોપેગેન્ડા ગણીને ખારીજ કરે છે અને પરિણામે તેઓ વાસ્તવિકતાથી પણ દૂર થઈ જાય છે.
તમારી ટીકા થતી ન હોય, તમારી સાથે કોઈ અસહમત થતું ન હોય, અને તમારી માત્ર વાહ વાહ જ થતી હોય, ત્યારે તમે તેની તમારી લોકપ્રિયતા ગણવાની ભૂલ કરો છો. સત્તામાં રહેવા માટે તેઓ જે વ્યૂહરચનાઓનો ઉપયોગ કરો છે તે અંતત: તમારા પતન તરફ દોરી લઇ જાય છે. લાંબા ગાળાના આયોજક બનવાને બદલે તમે ટૂંકા ગાળાની વિનાશક ભૂલો કરો છો.
ડોનાલ્ડ ટ્રમ્પ સાથે આવું થયું હતું. સત્તામાં આવવાનો તેમનો ઈરાદો અમેરિકાના કલ્યાણનો હતો, પરંતુ તેમને ‘ના’ સાંભળવાની આદત નહોતી. ચૂંટણી હારી ગયા પછી પણ તેમણે તેમના સમર્થકો પાસે હુલ્લડ કરાવ્યું હતું.
તમે ઉંદર પકડવાનું પાંજરું જોયું હશે. એમાં એક જ દરવાજો હોય છે, જે અંદરની બાજુ ખૂલતો હોય છે. અંદર બિસ્કીટનો ટુકડો હોય છે. બિસ્કીટ ખાવા માટે ઉંદર પાંજરામાં
ઉતરે તે સાથે દરવાજો બંધ થઇ જાય. ઉંદર ફસાઈ ગયો. સરમુખત્યારો સાથે પણ એવું જ થાય છે. તાકાતની બિસ્કીટ ખાવા માટે જતાં તે સત્તાના પીંજરામાં ફસાઈ જાય છે. સરમુખત્યારોની સત્તા સિંહની સવારી છે. નીચે ઉતરે તો સિંહ ખાઈ જાય, એટલે એનકેન પ્રકારેણ ઉપર બેસી રહેવું પડે છે.
લોકશાહીમાં અનેક કમજોરીઓ હશે, પરંતુ તેનો સૌથી મોટો ફાયદો એ છે કે લીડર ભલે નબળો હોય, જનતા કાયમ તાકતવર રહે છે. જો સરમુખત્યાર તમારા ટેક્સના પૈસે લીલાલહેર કરે તો તમે કશું કરી ન શકો. લોકશાહીમાં તેને ફરીથી નહીં ચૂંટવાનો તમારી પાસે અધિકાર હોય છે.
સરમુખત્યાર તમારા પાસેથી લે છે અને તેને ભવ્ય મહેલ પર ખર્ચ કરે છે, તો તમે કશું કરી શકતા નથી. બીજી બાજુ, ડેમોક્રેટિક નેતાઓ પાસે તમારા પૈસા સમજદારીપૂર્વક ખર્ચવા માટે શક્તિશાળી પ્રોત્સાહનો છે: જો તેઓ નહીં કરે,
તો તેઓ ફરીથી ચૂંટાશે નહીં.
એટલા માટે લોકશાહી શ્રેષ્ઠ રાજકીય વ્યવસ્થા છે અને ફ્રી માર્કેટ સૌથી શ્રેષ્ઠ આર્થિક વ્યવસ્થા છે. બંને વ્યવસ્થા વ્યક્તિ (ઇન્ડિવિડ્યુઅલ)ની ઈચ્છા અને અધિકારનો સ્વીકાર કરે છે. આ સિવાયની તમામ રાજકીય-આર્થિક વ્યવસ્થાઓ સમુદાય અથવા સ્ટેટનું હિત જુવે છે અને એ હિતોની રક્ષા કરવા માટે ઇન્ડિવિડ્યુઅલ અધિકારો અને ઇચ્છાઓનું દમન કરે છે. તેમાં વ્યક્તિએ સમુદાય અથવા સ્ટેટના હિતમાં જ જીવવાનું હોય છે.
લોકશાહી અને ફ્રી માર્કેટ કહે છે વ્યક્તિને બરાબર ખબર છે કે તેનું હિત શેમાં છે અને સમાજ અથવા સ્ટેટે તેનું રક્ષણ કરવાનું હોય છે. બીજી વ્યવસ્થાઓ કહે છે કે, એક વ્યક્તિમાં એટલી વિવેકબુદ્ધિ નથી હોતી કે પોતાનું અને બીજાનું હિત જોઈ શકે અને એ હિત નક્કી કરવાનું કામ સમાજ અથવા સ્ટેટનું છે. એટલા માટે, લોકશાહી અને ફ્રી માર્કેટ સિવાયની વ્યવસ્થાઓમાં, સમૂહનું કલ્યાણ કરવા માટે, ઇન્ડિવિડ્યુઅલનું શોષણ થાય છે.