વેપાર

ડૉલર સામે રૂપિયામાં ચાર પૈસાનો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં મજબૂત વલણ, ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં લેવાલી, આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં તથા બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ઘટાડો આવ્યો હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ચાર પૈસાના સુધારા સાથે ૮૩.૮૫ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, માસાન્તને કારણે તેલ આયાતકારોની ડૉલરમાં લેવાલી જળવાઈ રહી હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હતો અને કોન્સોલિડેશન જોવા મળ્યું હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૮૯ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૩.૮૩ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૮૮ અને ઉપરમાં ૮૩.૮૨ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ચાર પૈસાના સુધારા સાથે ૮૩.૮૫ના મથાળે બંધ રહ્યો હતો. આગામી ટૂંકા સમયગાળામાં ડૉલરમાં આયાતકારોની લેવાલી જળવાઈ રહે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા ડૉલર સામે રૂપિયામાં નકારાત્મક વલણ જળવાઈ રહે તેવી શક્યતા છે, પરંતુ ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અમુક અંશે રૂપિયાને ટેકો આપતી રહેશે, એમ બીએનપી પારિબાસના વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે અમારા મતે હાલમાં ડૉલર સામે રૂપિયો ૮૩.૭૦થી ૮૪.૧૦ આસપાસની રેન્જમાં રહે તેમ જણાય છે.

દરમિયાન આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૦૧ ટકા ઘટીને ૧૦૧.૩૩ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧૮ ટકા ઘટીને બેરલદીઠ ૭૯.૮૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે સ્થાનિકમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેકસ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૨૩૧.૧૬ પૉઈન્ટ અને ૮૩.૯૫ પૉઈન્ટ વધી આવવાની સાથે ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૩૨૫૯.૫૬ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button