આમચી મુંબઈનેશનલમહારાષ્ટ્રવેપાર

દશકામાં 31 અબજ ડોલરનું રોકાણ ફિનટેક ક્ષેત્રમાં: વડા પ્રધાન મોદી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મુંબઈમાં જણાવ્યું હતું કે સરકાર ફિનટેક સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે નીતિ તૈયાર કરવાના સ્તરે વિવિધ પગલાં લઈ રહી છે, જેના સકારાત્મક પરિણામ જોવા મળ્યા છે અને છેલ્લા 10 વર્ષમાં 31 અબજ ડૉલરથી વધુનું રોકાણ આ ક્ષેત્રે જોવા મળ્યું છે, એન્જલ ટેક્સની નાબૂદી એ પણ સેગમેન્ટના વિકાસની દિશામાં એક પગલું જ છે.

બીકેસીમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2024ને સંબોધતાં વડાપ્રધાને નિયમનકારોને સાયબર છેતરપિંડી રોકવા અને લોકોમાં ડિજિટલ સાક્ષરતા વધારવા માટે વધુ પગલાં લેવા જણાવ્યું હતું.

ફિનટેકે નાણાકીય સેવાઓના લોકશાહીકરણમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે, એમ તેમણે કહ્યું હતું અને એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે તે ભારતીયોના જીવનની ગુણવત્તા સુધારવામાં મદદરૂપ થશે.

મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતીયો દ્વારા ફિનટેકને અપનાવવું એ સ્પીડ અને સ્કેલ (ગતિ અને વ્યાપ)માં અજોડ છે અને આ પ્રકારનું કોઈ ઉદાહરણ વિશ્ર્વમાં બીજે ક્યાંય જોવા મળતું નથી.

આ પણ વાંચો: આવતીકાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રમાં: વિધાનસભા ચૂંટણી પહેલા શું આપશે સૌગાદ?

તેમણે કહ્યું હતું કે ભારતમાં ફિનટેક સેક્ટર દ્વારા લાવવામાં આવેલાં પરિવર્તનો માત્ર ટેક્નોલોજી પૂરતા મર્યાદિત નથી, પરંતુ તેની સામાજિક અસર દૂરગામી છે.

તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે ફિનટેકે સમાંતર અર્થવ્યવસ્થાને નષ્ટ કરી છે અને નાણાકીય સેવાઓના મોરચે ગામો અને શહેરો વચ્ચેના અંતરને પણ ઘટાડી રહી છે.

વડાપ્રધાને એમ પણ કહ્યું કે છેલ્લા 10 વર્ષોમાં ફિનટેક સ્પેસે 31 અબજ ડૉલરથી વધુનું રોકાણ આકર્ષ્યું છે અને ફિનટેક સ્ટાર્ટઅપ્સમાં 500 ટકાનો વધારો થયો છે.

તેમણે કહ્યું કે અર્થતંત્રની મજબૂતી અંગેના સ્પષ્ટ સંદર્ભમાં કહ્યું હતું કે ભારતમાં અત્યારે તહેવારોની મોસમ છે, અર્થતંત્ર અને બજારોમાં પણ ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. મજબૂત જીડીપી વૃદ્ધિ અને મૂડીબજાર નવી ઊંચાઈને આંબી રહ્યા છે.
મોદીએ સભાને એ પણ માહિતી આપી હતી કે વિશ્ર્વની સૌથી મોટી માઇક્રોફાઇનાન્સ યોજના પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ 27 લાખ કરોડ રૂપિયાથી વધુની લોન આપવામાં આવી છે.

આ કાર્યક્રમમાં બોલતા આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં નાણાકીય સમાવેશકતાને વિસ્તારવામાં, કાર્યક્ષમતામાં સુધારો કરવા અને વાસ્તવિક સમયની સેવાઓને સક્ષમ કરવામાં ડિજિટલ ટેક્નોલોજીઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.

આજે ભારત ડિજિટલ પેમેન્ટ્સમાં વૈશ્ર્વિક લીડર તરીકે પ્રસ્થાપિત છે, નવીનતા અને તકનીકી પ્રગતિ સાથે સક્રિય નીતિ નિર્માણને સંયોજિત કરીને આ સિદ્ધિ પ્રાપ્ત કરવામાં આવી છે. નીતિના નિર્માતાઓ, નિયમનકારો અને સંશોધકો વચ્ચેનો સહયોગ એ ભારતની ફિનટેક સફરનું નિર્ણાયક તત્વ છે, એમ પણ દાસે જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button