સિંધુદુર્ગ પ્રતિમા મુદ્દે શિલ્પકારે પણ આપ્યું આ નિવેદન….
મુંબઈ: મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની તૂટી પડેલી પ્રતિમાના શિલ્પકારે પણ મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે રાજ્યના ડિરેક્ટોરેટ ઓફ આર્ટસ સમક્ષ આ જ પ્રતિમાનું છ ફૂટનું માટીનું મોડેલ રજૂ કર્યું હતું અને પ્રક્રિયા અનુસાર ગયા વર્ષે એ મંજૂર કરવામાં આવ્યું હતું એવી માહિતી સંબંધિત અધિકારીઓએ શુક્રવારે આપી હતી.
જે વ્યક્તિની પ્રતિમા તૈયાર કરવાની હોય છે એમના ચહેરા મહોરા અને શારીરિક બાંધામાં સામ્ય હોય તો એની પ્રતીકાત્મક મૂર્તિને ડિરેક્ટોરેટ દ્વારા મંજૂરી આપવામાં આવે છે. સિંધુદુર્ગના માલવણ તાલુકામાં રાજકોટના કિલ્લા પર સ્થાપિત અને ગયા વર્ષે ડિસેમ્બરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અનાવરણ કરવામાં આવેલી મરાઠા સામ્રાજ્યના સ્થાપકની 35 ફૂટની પ્રતિમા સોમવારે ધરાશાયી થઈ હતી.
વિપક્ષ મહા વિકાસ અઘાડી (એમવીએ)એ એકનાથ શિંદેના નેતૃત્વવાળી મહાયુતિ સરકારની ઝાટકણી કાઢતાં આ ઘટનાએ રાજકીય ગરમાવો ફેલાવી દીધો હતો. આ ઘટનાને પગલે પોલીસે પ્રતિમાના આર્ટિસ્ટ જયદીપ આપટે સામે ગુનો નોંધી તેના સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટ ચેતન પાટીલની ધરપકડ કરી હતી.
એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ‘શિવાજી મહારાજની પ્રતિમા (રાજકોટ કિલ્લા પર સ્થાપિત કરવાનો પ્રસ્તાવ)નું છ ફૂટનું માટીનું મોડલ મૂર્તિકાર દ્વારા 2 મે, 2017ના રોજ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા સરકારી ઠરાવ મારફત રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી પ્રક્રિયા મુજબ મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યું હતું. ડિરેક્ટોરેટે 7 ઓગસ્ટ, 2023ના દિવસે એ સ્કેલ મોડેલ માટે મંજૂરી જારી કરી હતી.’
આ પણ વાંચો: જય શિવાજીઃ છત્રપતિ શિવાજી મહારાજની જયંતિની ધામધૂમથી ઉજવણી, સીએમે શું કર્યું?
સરકારી ઠરાવ (જીઆર) અનુસાર પ્રતિમા ઊભી કરનારી એજન્સીએ ડિરેક્ટોરેટની મંજૂરી લેવી જરૂરી છે અને પછી ખાતરી કરવી જરૂરી છે કે કાંસ્ય, ફાઇબર અથવા અન્ય કોઈ સામગ્રીમાં તૈયાર કરેલી અંતિમ પ્રતિમા માન્ય સ્કેલ મોડેલ અનુસાર બનાવવામાં આવે છે કે નહીં એમ અધિકારીએ જણાવ્યું હતું.
વધુ વિગત આપતા તેમણે જણાવ્યું હતું કે ‘ડિરેક્ટોરેટે છ ફૂટ ઊંચી પ્રતિમાને મંજૂરી આપી હોવા છતાં શિલ્પકારે શિવાજી મહારાજની 35 ફૂટની પ્રતિમા બનાવી હતી એમ કહેવું ખોટું છે.
કોઈ પણ પ્રતિમાને મંજૂરી આપતી વખતે, જે જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ્સના નિષ્ણાતો સ્કેલ મોડેલની તપાસ કરે છે અને ખાતરી કરે છે કે તે વ્યક્તિત્વની સમાન લાક્ષણિકતાઓ ધરાવે છે. પરંતુ સ્કેલ મોડેલ માટે ડિરેક્ટોરેટની મંજૂરી મળ્યા બાદ એજન્સી કે શિલ્પકાર સમાન કદની પ્રતિમા બનાવવા માટે બંધાયેલા નથી, એમ ડિરેક્ટોરેટના સૂત્રોએ જણાવ્યું હતું. (પીટીઆઈ)