શેર બજારસ્પેશિયલ ફિચર્સ

રિલાયન્સ, ટાટા મોટર્સ સહિતના હેવીવેઇટ શૅરોનીઆગેવાનીએ બેન્ચમાર્કે નોંધાવી નવી ઑલટાઇમ હાઇ સપાટી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: સેન્સેક્સ, નિફ્ટીએ રિલાયન્સ, ટાટા મોટર્સ બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ, એચસીએલ ટેક્નોલોજીસ, આઇટીસીમાં તેજીને સથવારે નવી સર્વકાલીન ઊંચી સપાટી હાંસલ કરી છે. સતત આટમા સત્રની આગેકૂચમાં ૩૦ શેરો ધરાવતો સેન્સેક્સ ૩૪૯.૦૫ પોઈન્ટ અથવા ૦.૪૩ ટકા ઉછળીને ૮૨,૧૩૪.૬૧ની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ સ્થિર થયો હતો. દિવસ દરમિયાન, તે ૫૦૦.૨૭ પોઈન્ટ અથવા ૦.૬૧ ટકા વધીને ૮૨,૨૮૫.૮૩ ની લાઈફ ટાઈમ ઈન્ટ્રા-ડે ટોચ પર પહોંચી ગયો હતો.

જ્યારે સતત ૧૧મા સત્રમાં તેજી સાથે, એનએસઇ નિફ્ટી ૯૯.૬૦ પોઈન્ટ અથવા ૦.૪૦ ટકા વધીને ૨૫,૧૫૧.૯૫ પોઇન્ટની નવી બંધ સપાટીએ સ્થિર થયો હતો. સત્ર દરમિયાન, બેન્ચમાર્ક ૧૪૦.૫૫ પોઈન્ટ અથવા ૦.૫૬ ટકા વધીને ૨૫,૧૯૨.૯૦ પોઇન્ટની નવી રેકોર્ડ ઈન્ટ્રા-ડે ટોચ પર પહોંચ્યો હતો. ટાટા મોટર્સ ચાર ટકાથી વધુ ઊછળ્યો હતો, ત્યારબાદ બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ, એચસીએલ ટેક્નોલોજીસ, આઇટીસી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટેક મહિન્દ્રા, મારુતિ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો સૌથી વધુ વધનારા શેરોમાં સમાવેશ હતો.

રિલાયન્સે પાંચમી સપ્ટેમ્બરે ૧:૧ના રેશિયોમાં બોનસ શેર ઇશ્યૂ કરવા અંગે વિચારણા જાહેર કર્યા બાદ તેનો શેર લગભગ બે ટકા વધ્યો હતો. જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, સન ફાર્મા, જેએસડબલ્યુ સ્ટીલ, કોટક મહિન્દ્રા બેંક, ઈન્ફોસીસ અને ટાટા સ્ટીલ સૌથી વધુ ઘટનારા શેરોની યાદીમાં રહ્યાં હતાં. ટાટા જૂથની તનિષ્ક અને ડી બીયર્સ ગ્રૂપે લાંબા ગાળાના વ્યૂહાત્મક સહયોગની જાહેરાત કરી છે. બિઝનેસ ટુ બિઝનેસ સેગમેન્ટમાંથી નેવું ટકા સુધીનો ધંધો મેળવનાર ખઝાંચી જ્વેલર્સ હવે બીટુસી સેગમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને તેના ભાગરૂપે રિટેલ આઉટલેટના વિસ્તરણ હેઠળ ચેન્નઇમાં નવો શોરૂમ ખોલી રહી છે અને કંપની આગામી બેથી ત્રણ વર્ષમાં બીટુસી માર્કેટ શેર વધારીને ૨૫ ટકા સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક ધરાવે છે. કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને વોલ્ટ ડીઝની કંપનીના મર્જરને મંજૂરી આપી દીધી છે. હાલ ચાલી રહેલી રૂ. ૨૬૪૦ કરોડની બાયબેક સ્કીમ પૂરી થયા બાદ ઇન્દુસ ટાવર્સમાં ભારતી એરટેલનો હિસ્સો ૫૦ ટકા થશે, એમ કંપનીએ રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું છે.

એશિયન બજારોમાં સિયોલ, ટોક્યિો અને શાંઘાઈ નકારાત્મક ક્ષેત્રમાં સ્થિર થયા, જ્યારે હોંગકોંગ ઊંચા સ્તરે સમાપ્ત થયા. યુરોપિયન બજારો પોઝિટિવ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. બુધવારે અમેરિકી બજારો નીચામાં બંધ રહ્યા હતા. એક્સચેન્જ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) એ બુધવારે રૂ. ૧,૩૪૭.૫૩ કરોડની ઇક્વિટી ઓફલોડ કરી હતી. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૬૦ ટકા ઘટીને ૭૮.૨૭ ડોલર પ્રતિ બેરલ બોલાયું છે.

વિદેશી ફંડોની લેવાલી ધીમી ગતિએ ચાલુ થઇ છે અને સામે ડીઆઇઆઇની વેચવાલી ધીમી ગતિએ શરૂ થઇ છે. માર્કેટ માટે હવે તેજી અને મંદીના બંને પ્રકારના પરિબળો મોજૂદ છે. મધ્ય પૂર્વ અને યુક્રેનમાં ભૌગોલિક રાજકીય તંગદિલી વધી રહી હોવાથી ઇક્વિટી માર્કેટનું સેન્ટિમેન્ટ ખરડાઇ રહ્યું છે. જોકે, ગ્લોબલ ઇક્વિટી માર્કેટના સેન્ટિમેન્ટને સૌથી મજબૂત ટેકો અમેરિકાની ફેડરલ રિઝર્વ દ્વારા અપેક્ષિત રેટ કટથી મળી રહ્યોે છે, જેનું અનુસરણ આરબીઆઈ સહિત અન્ય કેન્દ્રીય બેંકોને કરશે એવું માનવામાં આવે છે.

અમુક નિષ્ણાતો માને છે કે ફેડરલનું પરિબળ હવે ડિસ્કાઉન્ટ થઇ ગયું છે. ભારતીય અર્થતંત્રને હવે દર ઘટાડા દ્વારા નાણાકીય ઉત્તેજનાની જરૂર છે અને આ આગામી નીતિ બેઠકમાં સંભવ છે. ફેડરલ રિઝર્વે સપ્ટેમ્બરથી વ્યાજ દર ઘટાડવાના સંકેત આપ્યા ત્યારથી તેજીનો પવન શરૂ થઈ ગયો હતો અને ગ્લોબલ ઇકવિટી માર્કેટમાં તેની અસર વર્તાઈ છે, જે સ્થાનિક બજારમાં પણ દેખાઇ છે. જોકે હવે નવા ટ્રીગરની આવશ્યકતા છે.

ત્રીસમી ઓગસ્ટે જૂન મહિનામાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના જીડીપી ગ્રોથના આંકડા જાહેર થવાના છે જે પ્રોત્સાહક હોવાની ધારણા છે. આ ઉપરાંત અમેરિકાના ગ્રોથના આંકડા પણ સારા રહેવાની સંભાવના છે. સ્થાનિક સ્તરે ભારતમાં આ વખતે ચોમાસુ ઘણું સારુ રહ્યું છે અને ખાસ તો કંપનીઓના નફા વધી રહ્યા છે.

બુધવારે સતત દસમા સત્ર માટે વધીને, નિફ્ટી ૩૪.૬૦ પોઈન્ટ અથવા ૦.૧૪ ટકા વધીને ૨૫,૦૫૨.૩૫ની નવી બંધ સપાટીએ સ્થિર થયો હતો. બેન્ચમાર્ક ૧૧૧.૮૫ પોઈન્ટ અથવા ૦.૪૪ ટકા વધીને ૨૫,૧૨૯.૬૦ની નવી ઈન્ટ્રા-ડે ઓલ-ટાઈમ ટોચ પર પહોંચ્યો હતો. જ્યારે સતત સાતમા દિવસે તેની જીતનો દોર લંબાવીને, બેન્ચમાર્ક ૭૩.૮૦ પોઈન્ટ અથવા ૦.૦૯ ટકા વધીને ૮૧,૭૮૫.૫૬ પર સેટલ થયો હતો. સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ટાટા મોટર્સ ૪.૧૯ ટકા, બજાજ ફાઈનાન્સ ૨.૪૧ ટકા, બજાજ ફિનસર્વ ૨.૪૧ ટકા, એચસીએલ ટેકનોલોજી ૧.૭૨ ટકા, આઈટીસી ૧.૫૭ ટકા, રિલાયન્સ ૧.૫૧ ટકા, ટેક મહિમ્દ્ર ૧.૩૯ ટકા, મારુતિ ૦.૮૩ ટકા, સ્ટેટ બેન્ક ૦.૬૪ ટકા અને હિંદુસ્તાન યુનિલીવર ૦.૬૩ ટકા વધ્યા હતા.

મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૧.૧૧ ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ ૧.૦૧ ટકા, સન ફાર્મા ૦.૮૫ ટકા, કોટક બેન્ક ૦.૭૪ ટકા, તાતા સ્ટીલ ૦.૪૬ ટકા, પાવર ગ્રીડ ૦.૩૬ ટકા, ઈન્ફોસિસ ૦.૩૫ ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૧૮ ટકા અને લાર્સન ૦.૧૭ ટકા ઘટ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button