ટોપ ન્યૂઝનેશનલ

ભારતમાં વિદ્યાર્થીઓના વધતા આત્મહત્યાના બનાવો અંગે NCRBએ આપ્યો ચોંકાવનારો રિપોર્ટ

નવી દિલ્હી: ભારતમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના કેસમાં દર વર્ષે ચિંતાજનક રીતે વધારો (Student Suicide Rate in India) થઇ રહ્યો છે. તાજેતરમાં જાહેર થયેલા એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનો દર વસ્તી વૃદ્ધિ દર કરતા વધી ગયો છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB)ના ડેટાના આધારે તૈયાર કરવામાં આવેલો “વિદ્યાર્થી આત્મહત્યા: ભારતમાં ફેલાયેલી એપીડેમિક” (Student suicides: An epidemic sweeping India) રીપોર્ટ વાર્ષિક IC3 કોન્ફરન્સ અને એક્સ્પો 2024માં બુધવારે જાહેર કરવામાં આવ્યો હતો.

આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં એકંદરે આત્મહત્યાની ઘટનાઓમાં વાર્ષિક બે ટકાનો વધારો થયો છે, ત્યારે વિદ્યાર્થીઓના આત્મહત્યાના કેસોમાં 4 ટકાનો વધારો નોંધાયો છે. અહેવાલ મુજબ વિદ્યાર્થીઓની આત્મહત્યાનું ‘અંડર રિપોર્ટિંગ’ થતું હોવા છતાં, 4 ટકાનો વધારો ચિંતાજનક છે.

આ પણ વાંચો : કલ્યાણમાં શાળાની શિક્ષિકાના ત્રાસથી કંટાળીને વિદ્યાર્થીની આત્મહત્યા

IC3 સંસ્થા દ્વારા સંકલિત અહેવાલમાં જણાવવામાં આવ્યું કે “છેલ્લા બે દાયકાઓમાં, વિદ્યાર્થીઓની આત્મહત્યા 4 ટકાના ચિંતાજનક વાર્ષિક દરે વધી છે, જે આત્મહત્યાના રાષ્ટ્રીય સરેરાશ કરતાં બમણી છે. 2022 માં, કુલ વિદ્યાર્થીઓની આત્મહત્યાઓમાં મેલ વિદ્યાર્થીઓના કેસ 53 ટકા હતા. 2021 અને 2022 ની વચ્ચે, મેલ વિદ્યાર્થીની આત્મહત્યાના કેસની સંખ્યામાં 6 ટકાનો ઘટાડો થયો છે જ્યારે મહિલા વિદ્યાર્થીની આત્મહત્યામાં 7 ટકાનો વધારો થયો હતો.”

રીપોર્ટ મુજબ વિદ્યાર્થીઓની આત્મહત્યાની ઘટનાઓ વધવાનો દર વસ્તી વૃદ્ધિ દર અને એકંદર આત્મહત્યાના વધારાના દરને વટાવી ગયો છે. છેલ્લા એક દાયકામાં, જ્યારે 0-24 વર્ષની વયના લોકોની વસ્તી 58.2 કરોડથી ઘટીને 58.1 કરોડ થઈ છે, ત્યારે વિદ્યાર્થીઓની આત્મહત્યાની વાર્ષિક સંખ્યા 6,654 થી વધી છે, 13,044 થઈ ગઈ છે.

અહેવાલ મુજબ, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને મધ્યપ્રદેશને રાજ્યોમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાની સૌથી વધુ કેસ નોંધાયા છે, આ ત્રણ રાજ્યોમાં દેશના કુલ તૃતીયાંશ કેસ નોંધાયા છે. કુલ કેસોના 29 ટકા કેસ દક્ષિણના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નોંધાયા છે. જ્યારે રાજસ્થાનમાં કોટા જેવા કોચિંગ હબ હોવા છતાં 10મા ક્રમે છે.

“NCRB દ્વારા સંકલિત કરવામાં આવેલ ડેટા પોલીસ-રેકોર્ડેડ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ્સ (FIRs) પર આધારિત છે. જો કે, એ નોંધવું અગત્યનું છે કે વિદ્યાર્થીઓની આત્મહત્યાની વાસ્તવિક સંખ્યા વધુ હોઈ શકે છે. આવા કેસોનું અન્ડર-રિપોર્ટિંગ કરવામાં આવે છે.”

આઈસી3 સંસ્થા એક NGO છે, જે વિશ્વભરમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને શિક્ષકો, સંચાલકો અને સલાહકારોને પોલિસી બનાવવા માર્ગદર્શન પૂરું પાડે છે.

[આત્મહત્યાએ સમસ્યાનું સમાધાન નથી. જો તમને મદદની જરૂર હોય અથવા એવી કોઈ વ્યક્તિને ઓળખતા હો, તો તમારી નજીકના માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતની સલાહ લો. અથવા સંપર્ક કરો

વંદ્રેવાલા ફાઉન્ડેશન: 9999666555 અથવા help@vandrevalafoundation.com
TISS iCall 022-25521111 (સોમવારથી શનિવાર સુધી – સવારે 8:00 થી રાત્રે 10:00 સુધી ઉપલબ્ધ)]

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button