ડૉલર સામે રૂપિયો ત્રણ પૈસા નરમ
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હોવાના અહેવાલ ઉપરાંત માસાન્તને કારણે તેલ આયાતકારોની ડૉલરમાં વ્યાપક લેવાલી નીકળતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ત્રણ પૈસાના ઘટાડા સાથે ૮૩.૯૬ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં લેવાલી જળવાઈ રહી હોવાથી રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું. સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૯૩ના બંધ સામે સાધારણ નરમાઈના અન્ડરટોને ૮૩.૯૪ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૯૭ અને ઉપરમાં ૮૩.૯૪ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ત્રણ પૈસાના ઘટાડા સાથે ૮૩.૯૬ની સપાટીએ બંધ રહ્યો હતો. ગઈકાલે રૂપિયામાં છ પૈસાનો ઘટાડો નોંધાયો હતો. તાજેતરમાં મહિનાના આખરના દિવસો ચાલી રહ્યા હોવાથી તેલ માર્કેટિંગ કંપનીઓની ડૉલરમાં લેવાલીનું દબાણ રહેતાં આગામી થોડા સત્રમાં ડૉલર સામે રૂપિયામાં નકારાત્મક વલણ જોવા મળે તેવી શક્યતા વ્યકત બીએનપી પારિબાસના વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા હોવાથી જો ડૉલર ઈન્ડેક્સ દબાણ હેઠળ રહે તો રૂપિયાને અમુક અંશે ટેકો મળશે. આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૭૩.૮૦ પૉઈન્ટનો અને ૩૪.૬૦ પૉઈન્ટનો સુધારો આવ્યો હતો. તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૧૫૦૩.૭૬ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવા છતાં આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૩૬ ટકા વધીને ૧૦૦.૯૧ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી તેમ જ આયાતકારોની ડૉલરમાં લેવાલી નીકળતાં રૂપિયો દબાણ હેઠળ રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.