અન્ડર-19 વર્લ્ડ કપના ચૅમ્પિયન કૅપ્ટને હાર્ટ સર્જરી પછી રમવાનું શરૂ કરી દીધું!
નવી દિલ્હી: 2022માં વેસ્ટ ઇન્ડિઝથી અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપની ટ્રોફી જીતીને પાછી આવેલી ભારતીય ટીમનો કૅપ્ટન યશ ધુલ હજી માંડ 21 વર્ષનો છે ત્યાં તેણે જુલાઈ મહિનામાં નાની હાર્ટ-સર્જરી કરાવવી પડી હતી અને 10થી 15 દિવસમાં સાજા થયા બાદ તેણે ફરી રમવાનું શરૂ કરી દીધું છે. તે દિલ્હી પ્રીમિયર લીગ (ડીપીએલ)ની સૌપ્રથમ સીઝનમાં રમી રહ્યો છે.
મિડલ-ઑર્ડરના બૅટર યશ ધુલના સુકાનમાં ભારતે ફેબ્રુઆરી, 2022માં ઍન્ટિગામાં અન્ડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ઇંગ્લૅન્ડને રોમાંચક મુકાબલામાં ચાર વિકેટે હરાવીને ટ્રોફી જીતી લીધી હતી. એ સાથે યશ ધુલ અગાઉ ભારતને જુનિયર વર્લ્ડ કપ અપાવનાર સફળ કૅપ્ટનો મોહમ્મદ કૈફ, વિરાટ કોહલી, ઉનમુક્ત ચંદ અને પૃથ્વી શોની હરોળમાં આવી ગયો હતો. આઇપીએલમાં યશ દિલ્હી કૅપિટલ્સ વતી રમ્યો છે.
પીટીઆઇના અહેવાલ મુજબ યશ ધુલને એક દાયકાથી કોચિંગ આપનાર રાજેશ નાગરે બુધવારે કહ્યું હતું કે ‘યશે જુલાઈ મહિનામાં હૃદયનું નાનું ઑપરેશન કરાવ્યું હતું. તે બેન્ગલૂરુની નૅશનલ ક્રિકેટ ઍકેડેમી (એનસીએ)માં અન્ડર-23 હાઈ પર્ફોર્મન્સ કૅમ્પમાં હતો ત્યારે એક મેડિકલ ચેક-અપ દરમ્યાનના સ્કૅનમાં તેના હૃદયમાં નાનું છિદ્ર જણાયું હતું જેને પગલે ડૉક્ટરે તેને માઇનર હાર્ટ સર્જરી કરાવવાની સલાહ આપી હતી.
આ પણ વાંચો: વર્લ્ડ કપ માટેની અમેરિકાની ટીમમાં આઠ ભારતીય મૂળના ખેલાડી અને એમાં બે ગુજરાતી
કોચ નાગરે એવું પણ કહ્યું કે ‘યશની સર્જરી મોટી નહોતી. 10-15 દિવસમાં તે સાજો થઈ ગયો. ક્રિકેટ રમવાની બાબતમાં તેમ જ એકંદર ફિટનેસના સંદર્ભમાં તે હજી 100 ટકા ફિટ નથી. તે 80 ટકા ફિટ છે, પરંતુ તેની તબિયત ઘણી સારી છે.’
સામાન્ય રીતે કેટલાકને જન્મથી હૃદયમાં નાનાં છિદ્રની તકલીફ હોય છે. જોકે યશ ધુલ બે મહિના પહેલાં એનસીએના કૅમ્પમાં હતો ત્યારે તેના હૃદયમાં નાનું છિદ્ર હોવાનું જણાયું હતું. એ છિદ્ર જન્મથી હશે, પણ છેક હવે એ ધ્યાનમાં આવ્યું છે.’
યશ ધુલ ડીપીએલમાં સેન્ટ્રલ દિલ્હી કિંગ્સ વતી રમી રહ્યો છે. પાંચ ઇનિંગ્સમાં તેણે 113.41ના સ્ટ્રાઇક-રેટ સાથે કુલ 93 રન બનાવ્યા છે.
યશ ધુલે ફેબ્રુઆરી, 2022માં રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે બે મૅચમાં બે સેન્ચુરી ફટકારી હતી. ત્યારે જ તે દિલ્હીની ટીમનો કૅપ્ટન નિયુક્ત કરાયો હતો, પરંતુ તેનું ફૉર્મ નબળું હોવાથી અને દિલ્હી ક્રિકેટમાંના કથિત રાજકારણને કારણે આ વર્ષે પુડુચેરી સામેની મૅચમાંના પરાજયને પગલે તેને કૅપ્ટનપદેથી હટાવવામાં આવ્યો હતો.