ઘરમાં ઘૂસીને એક એકને મારીશ: નારાયણ રાણે
માલવણ: માલવણના રાજકોટ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણ કદની પ્રતિમા 26 ઓગસ્ટના રોજ ભારે પવનને કારણે તૂટી પડી હતી. આ મુદ્દે વિપક્ષે હોબાળો શરૂ કર્યો છે અને આદિત્ય ઠાકરેએ આજે રાજકોટ કિલ્લાની મુલાકાત લીધી હતી.
આ જ વખતે સાંસદ નારાયણ રાણે પણ ત્યાં પહોંચી ગયા હતા અને બંનેના સમર્થકો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. આદિત્ય ઠાકરે કિલ્લમાં હોવાથી નારાયણ રાણેને પોલીસે રોકી રાખ્યા હતા, પરિણામે રાણેના સમર્થકોએ ધમાલ ચાલુ કરી હતી. તેમજ નારાયણ રાણેએ પણ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ધરાશાયી થયા બાદ આદિત્ય ઠાકરેએ આજે માલવણ પહોંચ્યા હતા. આ પ્રતિમા બાંધતી વખતે આસપાસ કેટલો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તેનું નિરીક્ષણ કરવાનો તેમનો હેતુ હતો. નારાયણ રાણેએ પણ આજે કિલ્લાનું અવલોકન કર્યું હતું.
યોગાનુયોગ આ બંને નેતાઓ એક જ સમયે કિલ્લા પર પહોંચ્યા હતા જેના કારણે ધમાલ થઈ હતી. આદિત્ય ઠાકરે પહેલા પહોંચતા જ નારાયણ રાણેને રોકી રાખવામાં આવ્યા હતા જેથી કિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં. સંસદસભ્યને રોકવામાં આવતાં સમર્થકોએ પોલીસનો વિરોધ કર્યો હતો.
આ પણ વાંચો: ચૂંટણીમાં ગેરરીતિઃ હાઇ કોર્ટના નારાયણ રાણેને સમન્સ
તેમજ આદિત્ય ઠાકરે વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આદિત્ય ઠાકરેના સમર્થકોએ કહ્યું કે જો આગામી 15 મિનિટમાં મુખ્ય માર્ગ સાફ થઈ જશે તો અમે જઈશું. જોકે, નારાયણ રાણેએ મુખ્ય માર્ગ છોડવાની ના પાડી દીધી હતી. પરિણામે રાજકોટ કિલ્લામાં ભારે હોબાળો મચી ગયો હતો.
નારાયણ રાણે પોલીસ સાથે બાખડ્યા
નારાયણ રાણેએ આ સમયે પોલીસ સાથે ઝઘડો પણ કર્યો હતો. તેમણે પોલીસને કહ્યું હતું કે, જો પોલીસ તેમને (મહાવિકાસ અઘાડી) સાથે સહકાર કરવા માંગતી હોય તો તેમ કરો. પણ હવેથી અમારા જિલ્લામાં તમારો અસહકાર રહેશે. તમે તેમને આવવા દો. તમે તેમને અમારા કરતાં વધુ મહત્ત્વ આપી રહ્યા છો. હું પણ પછી જોઉં છું હું ઘરમાં ઘૂસીને આખી રાત એક – એકને મારીશ. નારાયણ રાણેએ ખુલ્લી ધમકી આપી હતી કે તેઓ કોઈને છોડશે નહીં.
આ પણ વાંચો: ભાજપ દ્વારા રત્નાગિરી-સિંધુદુર્ગમાંથી નારાયણ રાણેને ઉતારવાની જાહેરાત
માલવણમાં આજે સજ્જડ બંધ
માલવણમાં રાજકોટના કિલ્લા ખાતેની શિવ પ્રતિમા દુર્ઘટનાના પગલે આજે માલવણ શહેરમાં મહાવિકાસ આઘાડી વતી વિરોધ કૂચનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને માલવણ બંધનું પણ એલાન આપવામાં આવ્યું છે. માલવણમાં ઘણા વેપારીઓ, દુકાનદારો અને ધંધાર્થીઓએ આ બંધમાં પોતાની ભાગીદારી દર્શાવતા દુકાનો બંધ કરી દીધી હતી.
યુવા સેના પ્રમુખ આદિત્ય ઠાકરે, વિધાનસભા વિરોધ પક્ષના નેતા વિજય વડેટ્ટીવાર, વિધાન પરિષદના વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવે, જયંત પાટીલ, પૂર્વ સાંસદ વિનાયક રાઉત, વૈભવ નાઈક અને મહાવિકાસ અઘાડીના ઘણા નેતાઓ, કાર્યકર્તાઓ અને શિવપ્રેમીઓ વિરોધ કૂચમાં સહભાગી થયા હતા.