જમ્મુ, કાશ્મીરમાં ભાજપની જીત કેમ જરૂરી છે?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
જમ્મુ-કાશ્મીરમાં ૧૦ વર્ષ પછી યોજાનારી વિધાનસભા ચૂંટણીનો જંગ જામવા માંડ્યો છે. જમ્મુ-કાશ્મીરની ૯૦ બેઠકો માટે ૧૮ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર વચ્ચે ૩ તબક્કામાં મતદાન થવાનું અને પરિણામ ૪ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ જાહેર થવાનું છે, એ જોતાં હજુ મહિના કરતાં વધારે સમય બાકી છે પણ છેલ્લાં પાંચ વર્ષથી કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીઓ ના થઈ હોવાથી રાજકીય કાર્યકરો પણ ઉત્સાહમાં છે અને પ્રજા પણ ઉત્સાહમાં છે. આ કારણે અત્યારથી માહોલ જામી ગયો છે.
અત્યારે જે માહોલ છે તેમાં બહુપાંખિયો જંગ થશે એ નક્કી છે. જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લાં ૧૦ વર્ષમાં ભાજપ, કૉંગ્રેસ, નેશનલ કોન્ફરન્સ અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) એ ચાર પક્ષો વચ્ચે જંગ થાય છે. આ વખતે પણ એ જ સ્થિતિ છે કેમ કે કૉંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ વચ્ચે જોડાણ થઈ ગયું છે પણ મહેબૂબા મુફતીની પીડીપી અલગ લડવાની છે. બીજી તરફ ભાજપે પણ તમામ બેઠકો લડવાની જાહેરાત કરીને ઉમેદવારો જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરીને પૂરી તાકાતથી લડવાનો સંકેત આપી દીધો છે. આ સિવાય નાના નાના પક્ષો પણ છે તેથી બહુપાંખિયો જંગ થશે એ નક્કી છે.
જમ્મુ અને કાશ્મીર માટે આ ચૂંટણી અત્યંત મહત્ત્વની છે કેમ કે આ ચૂંટણી જમ્મુ અને કાશ્મીર કઈ દિશામાં જશે એ નક્કી કરશે. ભાજપની સરકારે જમ્મુ અને કાશમીરનું બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજન કર્યું અને ૩૭૦મી કલમની નાબૂદી કરીને કાશ્મીરને દેશના મુખ્ય પ્રવાહમાં લાવવાનું કામ કર્યું છે. ભાજપ વિરોધી પક્ષો ફરી કલમ ૩૭૦ને અમલી બનાવવાની ને એ બધી વાતો કરી રહ્યા છે. તેનો મતલબ કે, એ લોકો જમ્મુ અને કાશ્મીરને ફરી જૂના યુગમાં લઈ જવા માગે છે.
કાશ્મીર જૂના યુગમાં જાય તો શું થાય એ કહેવાની જરૂર નથી એ જોતાં જમ્મુ અને કાશ્મીરમાં ભાજપ જીતે એ મહત્ત્વનું છે. કાશ્મીરમાં ભાજપે ભૂલો કરી છે. મુફતી મોહમ્મદ સઈદને મુખ્યમંત્રી બનાવવાથી માંડીને મહેબૂબા મુફતીનાં ભારત વિરોધી પગલાં સામે મૌન રહેવા સુધીની ભૂલો ભાજપે કરી પણ એ છતાં નેશનલ કોન્ફરન્સ અને પીડીપી જેવા પક્ષો કરતાં ભાજપ બહેતર જ છે એ જોતાં કાશ્મીરમાં ભાજપની જીત જરૂરી છે. જમ્મુ અને કાશ્મીરને ફરી પથ્થરબાજોના હવાલે ના કરવું હોય અને આતંકવાદીઓ તરફ સોફ્ટ કોર્નર ધરાવતું સ્ટેટ ના બનાવવું હોય તો ભાજપનું શાસન જરૂરી છે.
ભાજપ આ ચૂંટણીમાં જીતી શકે તેમ પણ છે. જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની હાલની ચૂંટણી નવા સીમાંકન પ્રમાણે યોજાવાની છે કે જેમાં કાશ્મીર ખીણની ૪૭ અને જમ્મુની ૪૩ બેઠકો મળીને ૯૦ બેઠકો માટે મતદાન થવાનું છે. પહેલાં જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની કુલ સભ્યસંખ્યા ૧૧૧ ધારાસભ્યોની હતી ને તેમાંથી ૨૪ બેઠકો પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)ની ગણીને ખાલી રખાતી કેમ કે એ વિસ્તાર ભારતનો જ છે. બાકી રહેલી ૮૭ બેઠકોમાંથી જેને બહુમતી મળે તેની સરકાર રચાય એવી વ્યવસ્થા અત્યાર લગી હતી.
હવે આ બેઠકોની સંખ્યા ૯૦ થઈ છે ને તેના કારણે સમીકરણો બદલાયાં છે. પહેલાં લદ્દાખમાંથી વિધાનસભાની ચાર બેઠકો હતી જ્યારે કાશ્મીર ખીણમાંથી ૪૬ અને જમ્મુમાં ૩૭ બેઠકો હતી. કાશ્મીર ખીણમાં ૯૬ ટકા વસતી મુસ્લિમોની છે કે જે કોઈ કાળે ભાજપને મત આપે તેમ નથી. કૉંગ્રેસ, પીડીપી અને નેશનલ કોન્ફરન્સ એ ત્રણ મોટા પક્ષો કાશ્મીર ખીણમાં જીતતા તેથી ભાજપ પોતાના હાથે સરકાર રચી શકે એવી સ્થિતિમાં જ નહોતો. પહેલાં ૫૦ ટકાથી વધારે બેઠકો ભાજપનો જ્યાં કોઈ પ્રભાવ જ નથી એવી કાશ્મીર ખીણમાં હોવાથી ભાજપ લડ્યા પહેલાં જ હારી જતો હતો.
હવે સ્થિતિ અલગ છે તેથી ભાજપ માટે જીતવાની ને એકલા હાથે સરકાર રચવાની પણ તક છે. મોદી સરકારે ૩૭૦મી કલમ નાબૂદ કરીને જમ્મુ અને કાશ્મીરને જમ્મુ અને કાશ્મીર તથા લડાખ એમ બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દીધો. લડાખ કેન્દ્રશાસિત પ્રદેશ બનતાં તેની ૪ બેઠકો ઓછી થતાં ૮૭માંથી ૮૩ બેઠકો બચી હતી. મોદી સરકારે જમ્મુ અને કાશ્મીરના વિભાજનનો ખરડો પસાર કરીને ૭ બેઠકોનો વધારો કરતાં ૯૦ બેઠકો થઈ.
ચૂંટણી પંચે નવું સીમાંકન કર્યા પછી આ સાત બેઠકોમાંથી ૬ બેઠકો જમ્મુ અને ૧ બેઠક કાશ્મીર ખીણ વિસ્તારમાં વધારી છે. આ સાત બેઠકોના વધારા સાથે જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની નવી સભ્યસંખ્યા ૧૧૪ બેઠકોની થઈ છે. પીઓકેની ૨૪ બેઠકો ખાલી જ રહેવાની હોવાથી બાકીની ૯૦ બેઠકો પર મતદાન છે.
ભાજપ માટે સ્થિતિ ફાયદાકારક એ રીતે છે કે, ૪૩ બેઠકો ધરાવતા જમ્મુમાં વિભાગ હિંદુ અને સીખોની બહુમતી છે. આ કારણે ભાજપ જમ્મુ વિભાગની તમામ ૪૩ બેઠકો જીતી શકે તેમ છે. ભાજપ જમ્મુમાં સફાયો બોલાવી દે તો સરકાર રચવા માટે બીજા ૩ જ ધારાસભ્યો જોઈએ. ૪૩ બેઠકો જીત્યા પછી ૩ ધારાસભ્યોનો ટેકો મેળવવો ભાજપ માટે જરાય અઘરો નથી તેથી ભાજપ પોતાની તાકાત પર સરકાર રચીને ઈતિહાસ પણ રચી શકે.
ભાજપે લોકસભાની ચૂંટણીમાં જમ્મુ વિભાગની બંને બેઠકો જીતી હતી એ જોતાં ભાજપ માટે જમ્મુ વિભાગમાં સપાટો બોલાવવો જરાય મુશ્કેલ નથી. ભાજપે કલમ ૩૭૦ની નાબૂદી પછી જમ્મુ અને કાશ્મીરમાં સૌથી મોટા જનમત જેવી ડિસ્ટ્રિક્ટ ડેલવપમેન્ટ કમિટી (ડીડીસી)ની ચૂંટણી વખતે પોતાની તાકાત સાબિત કરી જ હતી. ૨૦૨૦ના ડિસેમ્બરમાં યોજાયેલી ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (ડીડીસી)ની ચૂંટણીમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભર્યો હતો. એ વખતે પીડીપી, નેશનલ કોન્ફરન્સ, કૉંગ્રેસ વગેરે ૬ પક્ષો એક થઈને જોડાણ બનાવીને ભાજપ સામે લડેલા. જમ્મુ અને કાશ્મીરમાં જમ્મુ ડિવિઝનના ૧૦ ને કાશ્મીર ડિવિઝનના ૧૦ મળીને કુલ ૨૦ જિલ્લા છે. દરેક જિલ્લાની ૧૪-૧૪ મળીને કુલ ૨૮૦ બેઠકોની ચૂંટણી હતી. ભાજપ સામે બધા પક્ષો એક થઈને લડેલા છતાં જોડાણને ૧૧૦ અને ભાજપને ૭૫ બેઠકો મળી હતી. ભાજપને કાશ્મીર ખીણમાં ૨ બેઠકો મળી હતી જ્યારે બાકીની બેઠકો જમ્મુમાં જ મળી હતી. જમ્મુમાં ભાજપના પ્રભાવનો આ પુરાવો હતો ને ભાજપે પોતાની તાકાત સાબિત કરી હતી એ જોતાં અત્યારે પણ ફરી જમ્મુમાં સપાટો બોલાવી શકે છે.