અર્ધનારેશ્વરના દર્શન કરો,મહિલાઓનું માન જાળવો
શિવવિજ્ઞાન -મુકેશ પંડ્યા
તમે સહુએ શિવ અને શક્તિના સમન્વય સ્વરૂપ અર્ધનારેશ્ર્વરના દર્શન કર્યા હશે . પણ દર્શન માત્ર જ નહીં દરેક પુરુષ અને સ્ત્રીઓએ શ્રાવણ મહિનામાં સંકલ્પ લેવો જોઈએ કે તેઓ એકમેકનું સન્માન જાળવશે. દેવી પાર્વતીજીને ઈચ્છા થઈ કે શિવ એક પુરુષ તરીકે શું વિચારતા હશે . પુરુષ હોવું એ શું એ એમને પુરુષમાં પ્રવેશીને અનુભવવું હતું અને શિવજીએ એમની ઇચ્છા પૂરી કરી . પાર્વતીજીને પોતાના અંગમાં અડધો અડધ સ્થાન આપી દીધું . ત્યારથી તેઓ અર્ધનારેશ્ર્વર તરીકે પૂજાય છે. આ કાર્ય માટે તેમને પોતાના અડધા અંગનો ત્યાગ અને સ્ત્રીના અડધા અંગનો સ્વીકાર કરવો પડ્યો .
કોને ખબર હજી આજે પણ એવા પુરુષ છે જે સ્ત્રીને આવું ઉચ્ચ સ્થાન આપવાથી તો દૂર પણ મહિલાને એક રમકડું જ સમજે છે. આજે કૃષ્ણજન્મ ઠેરઠેર ઉજવાઈ રહ્યો છે તેની સાથે સાથે રોજ સમાચારોમાં વાંચીએ છીએ કે કેટલાક નરાધમો ક્યાંકને ક્યાંક મહિલાઓ પર તેમની ઈચ્છા વિરુદ્ધનાં કૃત્યો કરી રહ્યાં છે. સામૂહિક બળાત્કાર અને અત્યાચાર કરી રહ્યા છે. સ્ત્રીની રીબાવી રીબાવીને હત્યા કરી રહ્યા છે. માનભંગ અને મર્યાદા ભંગ કરી રહ્યા છે. નાની બાળકીઓથી લઈ પ્રૌઢાઓ આ આગમાં હોમાઈ રહી છે. પોલીસ સમયસર ફરિયાદ નથી લઈ રહી ત્યારે કૃષ્ણને વિનંતી કે તેઓ ફરીથી જન્મ લે અને દ્રૌપદીના ચીરહરણ અટકાવે. શિવશક્તિ જેવું મોહક સ્વરૂપ રાધાકૃષ્ણનું પણ છે તે બન્ને પણ એક જ છે.
મનુષ્યે આ બન્નેના શ્રાવણ મહિનામાં દર્શન કરી તેમના જેવા બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. પુરુષે પશુતા મૂકીને પોતાના હૈયામાં નારીત્વ અર્થાત્ ઋજુતા અને કરુણાભાવ રાખવાની પ્રેકટિસ કરવી જોઈએ. કરુણ પ્રસંગે મહિલાઓની જેમ રડવું જોઈએ . ‘મર્દ ન રડે, માત્ર બાયલાઓ જ રડે’ એવું કહી કહીને આપણે પુરુષોને એવા કઠોર અને નિર્દયી બનાવી દીધા છે કે તેમને સ્ત્રીઓ પર જરાય દયાભાવ નથી ઊપજતો. પોતાની મર્દાનગી તેઓ સ્ત્રીઓ પર અત્યાચાર કરીને દેખાડે છે. ખરો મર્દ સ્ત્રીનું શોષણ નહી પણ સંરક્ષણ કરે છે . ‘મર્દ કો દર્દ નહીં હોતા હૈ ’ એવું કહેવાનું હવે બંધ કરો. પુરુષોને પણ દર્દ મહેસૂસ થવું જોઈએ . જે પુરુષ કોઈના દુ:ખે રડી શકે છે એ મહિલા ને રડાવી નથી શકતો. રીબાવી નથી શકતો. જેમ શક્તિ શિવમાં વિલીન થયા, જેમ રાધા કૃષ્ણમાં વિલિન થયા એ જ રીતે નારી સ્વભાવ પુરુષમાં વિલિન થશે ત્યારે જ નારીને સાચું સ્થાન મળશે. ત્યારે જ નારી પરના અત્યાચાર ઘટશે. ત્યારે જ નારીનું સાચું સન્માન થયું ગણાશે. સનાતન ધર્મમાં નારીને ઉચ્ચ સ્થાન અપાયું છે .
રામ સાથે સીતા પૂજાય છે. કૃષ્ણ સાથે રાધા પૂજાય છે. શંકર સાથે પાર્વતી પૂજાય છે. જ્યાં નારી પૂજાય છે. જ્યાં નારીને આદર મળે છે ત્યાં જ શિવ સહિત દરેક દેવો પ્રસન્ન રહે છે.
આજે શ્રાવણના પવિત્ર મહિનામાં અર્ધનારેશ્ર્વર રૂપી શિવજીના માત્ર દર્શન જ નહીં તેમના ગુણને પણ જીવનમાં ઉતારવાની ખૂબ જ જરૂર છે. ઉ