આમચી મુંબઈ

મુંબઈના ટવિન ટનલ પ્રોજેક્ટ માટે રોજના 7 લાખ લિટર પાણીની આવશ્યક્તાઃ MMRDA

મુંબઈઃ મુંબઈ શહેરના મહત્વાકાંક્ષી પ્રકલ્પ થાણે-બોરીવલી ટ્વીન-ટનલ રોડ પ્રોજેક્ટ માટે રોજના અંદાજે ૭ લાખ લિટર પાણીની માંગ છે, જેમાં પરિવહન માટે સમર્પિત માર્ગ અને બાંધકામના સ્થળ પરથી દરરોજ ૧૦૦ ટ્રક લોડ માટી ખોદવામાં આવે છે, એમ એમએમઆરડીએએ જણાવ્યું હતું.

ગયા અઠવાડિયે એમએમઆરડીએ અને થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચેની પ્રાથમિક સંકલન બેઠક દરમિયાન એજન્સીએ આ જરૂરિયાતો રજૂ કરી હતી, જે શહેરના હાલના સંસાધનો પર સંભવિતપણે ભારે પડી શકે છે.

નોંધનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આ આશરે ૧૩ કિમી લાંબા રોડ પ્રોજેક્ટના કામને લીલી ઝંડી આપી હતી, જે થાણે અને બોરીવલી વચ્ચેનો પ્રવાસ સમય વર્તમાન સરેરાશ ૧૦૦ મિનિટથી ઘટાડીને માત્ર ૧૨ મિનિટ કરે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચો : મુંબઈગરાને મળશે મબલખ પાણી અંડર ગ્રાઉન્ડ ટનલથી પાણીનું ગળતર, ઓછા દબાણ સાથે પાણીપુરવઠો સહિત દૂષિત પાણીની સમસ્યા દૂર થશે

એક અધિકારીએ કહ્યું છે કે એમએમઆરડીએ એ કામ શરૂ કરવા માટે ઘણી જરૂરિયાતો પુરી કરવાની માંગ કરી છે, જેમાં નોંધપાત્ર પ્રમાણમાં પાણી, તેના પરિવહન માટેના રસ્તાઓ, ખોદવામાં આવેલી માટીને ડમ્પ કરવા માટેના સ્થળો અને પાઈપલાઈનનું સ્થાનાંતરણ, પ્રોજેક્ટ માટે જમીનના સમયસર ટ્રાન્સફરની ખાતરી કરવી વગેરેનો સમાવેશ થાય છે.
નિષ્ણાતોએ આશંકા વ્યક્ત કરી છે કે પહેલાથી જ પાણીની તીવ્ર તંગી અનુભવી રહેલા શહેરમાંથી જો દરરોજ વધારાનું પાણી આપવામાં આવે તો તેના પાણી પુરવઠા પર વધુ તાણ આવી શકે છે.તેઓએ પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના દરરોજ ટનલના કામમાંથી ઉત્પન્ન થતી માટીના મોટા જથ્થાને સમાવવા માટે ઉપલબ્ધ ખુલ્લી જગ્યાના અભાવ પર પણ પ્રકાશ પાડ્યો.

તદુપરાંત, તેઓએ ચેતવણી આપી હતી કે થાણેના પહેલાથી જ ગીચ રસ્તાઓ ટ્રક અને ટેન્કરની હાજરીથી વધુ ભીડવાળા બની શકે છે. મ્યુનિસિપલ કમિશનર સૌરભ રાવે પ્રોજેક્ટને ઝડપી બનાવવા માટે જરૂરી માંગણીઓને સમર્થન આપ્યું હતું અને ખાતરી આપી હતી કે સક્ષમ ઉકેલો શોધી કાઢવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button