ભુજ

કચ્છમાં ‘આફત’નો વરસાદઃ 7 તાલુકામાં ૨૦થી ૪૦ ઇંચ મોસમનો કુલ વરસાદ નોંધાયો

ભુજનું ઐતિહાસિક હમીરસર તળાવ પૂરેપૂરું ઓગની જાય તેનું ‘કાઉન્ટ-ડાઉન’ શરૂ

ભુજઃ સમગ્ર ગુજરાતમાં બારે મેઘ ખાંગા થયા છે ત્યારે કચ્છ પણ બાકાત રહ્યું નથી. ટ્રોપિકલ મોન્સૂન ટ્રેક પ્રમાણે, સમગ્ર ગુજરાતમાં આફતનો વરસાદ વરસાવી રહેલું હવાનું હળવું દબાણ હજુ કચ્છ-સૌરાષ્ટ્ર સુધી પહોંચ્યું નહીં હોવા છતાં આજે પણ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો.

આજે થયેલા વરસાદને પગલે હવે ભુજનું ઐતિહાસિક હમીરસર તળાવ પૂરેપૂરું ઓગની જાય તેનું ‘કાઉન્ટ-ડાઉન’ શરૂ થઇ ચૂક્યું છે. આ પ્રતિનિધિએ જયારે હમીરસર તળાવના ઓગનની મુલાકાત લીધી ત્યારે તેને ઓગનવામાં માત્ર ત્રણ ફુટ જેટલું પાણી બાકી રહેતું હોવાનું જણાયું હતું. તેથી જો આગાહી મુજબ આગામી બે દિવસમાં વધુ વરસાદ થશે તો કચ્છની શાન સમું આ તળાવ ચોક્કસપણે ઓગની જશે.

દુષ્કાળગ્રસ્ત જિલ્લા ચેરાપુંજીમાં પરિવર્તિત

એક સમયે પ્રણાલીગત રીતે સૂકા અને દુષ્કાળગ્રસ્ત મનાતા આ જિલ્લાને મેઘરાજાએ જાણે આસામના ચેરાપુંજીમાં જાણે પરિવર્તિત કરી દીધો છે અને જિલ્લાના ત્રણ તાલુકાઓમાં ૪૦ ઇંચથી વધુ વરસાદ ખાબકી ચુક્યો છે જયારે બીજા ચાર તાલુકાઓમાં ૨૦ ઇંચથી વધારે વરસાદ ચાલુ ચોમાસા દરમ્યાન થઇ ચુક્યો છે.

જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ દ્વારા અપાયેલી સત્તાવાર માહિતી પ્રમાણે કચ્છમાં ચાલુ મોસમનો કુલ વરસાદ જોઈએ તો લખપતમાં ૩૭૨, રાપરમાં ૩૯૯, ભચાઉમાં ૩૬૨, અંજારમાં ૬૧૪, ભુજમાં ૫૧૫, નખત્રાણામાં ૮૬૮, અબડાસામાં ૫૨૭, માંડવીમાં ૧૦૨૧, મુંદરામાં ૯૭૪ અને ગાંધીધામમાં ૫૧૨ મિ.મિ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો: કચ્છમાં આફતનો વરસાદ: અતિવૃષ્ટિના એંધાણ

કલાકના 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે

છેલ્લામાં છેલ્લી માહિતી પ્રમાણે આ હવાનું હળવું દબાણ હાલે રાધનપુરની દક્ષિણ-પૂર્વ દિશામાં રાધનપુરથી ૮૦ કિલોમીટર દૂર હોવાનું જાણવા મળે છે અને જયારે આ સિસ્ટમ કચ્છ પર પહોંચશે ત્યારે કચ્છમાં પ્રતિ કલાકે ૬૦ કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાવવાની સાથે આ રણપ્રદેશને પખાળતો અરબી સમુદ્ર તોફાની બનવાની સંભાવનાની નજરે કચ્છના મુંદરા,કંડલા અને માંડવી બંદરો પર ભયસૂચક સંકેત નંબર ૩ ફરકાવી દેવાયા છે.

મચ્છુ નદીના પાણી માળિયાથી સુરાજબારી પુલ પહોંચ્યા

આજે મોરબીની મચ્છુ નદીના પાણી માળિયાથી શરૂ કરીને છેક સુરાજબારી પૂલ સુધી પહોંચતાં અને આ માર્ગ પર છ ફૂટ જેટલાં પાણી ભરાતા મોરબી-ભુજ વચ્ચેનો વાહનવ્યવહાર બંધ કરી દેવાયો છે અને વાહનોને કચ્છથી બહાર જવા માટે રાધનપુરવાળા હાઇ-વેનો ઉપયોગ કરવા જણાવાયું છે.

દરમિયાન આજે પણ કચ્છમાં દિવસભર સમયાંતરે એકથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ કચ્છના અબડાસા તાલુકામાં ૫૮ મિ.મિ, બંદરીય શહેર મુંદરા ખાતે ૫૬ મિ.મિ, ભચાઉ ખાતે ૩૫ મિ.મિ, અંજાર ૨૭ મિ.મિ, નખત્રાણા ૧૧ મિ.મિ, ગાંધીધામ ૩૧ મિ.મિ અને ભુજ ખાતે ૪૨ મિ.મિ જેટલો વરસાદ નોંધાયો છે.

વરસાદી સિસ્ટમને કચ્છ પહોંચવામાં હજુ સમય

દરમિયાન હવામાન ખાતાની આગાહી મુજબ આ કાતિલ વરસાદી સિસ્ટમને કચ્છ સુધી આવતાં હજુ સમય છે. હાલે તે પ્રતિ કલાકે માત્ર ૮ કિમીની ઝડપે આગળ વધી રહી છે, તેથી જયારે તે ખરેખરી કચ્છ પરથી પસાર થશે ત્યારે કચ્છમાં કેવો વરસાદ વરસાવશે તેની કલ્પના જ ધ્રુજાવી દે તેવી છે.

કચ્છમાં આજે વહેલી સવારના ઝાપટાં બાદ સવારના આઠ વાગ્યાથી વરસાદે પોરો ખાતાં લોકો બજારો તરફ દોડ્યા હતા અને જીવન જરૂરિયાત ચીજ-વસ્તુઓની ખરીદી કરવા પડાપડી કરી હતી. જિલ્લામાં શાકભાજી અને દૂધની અછત હવે વર્તાવી શરૂ થઇ છે.

Show More

Related Articles

Back to top button
Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન… આ બીજ ખાઇને તમારો બ્રેઇન પાવર વધારો વીક-એન્ડ પર આવી રહી છે એક્શન અને ક્રાઈમ થ્રિલર સીરિઝ, જોઈ લેજો નહીંતર… અનુલોમ વિલોમના ફાયદા એક નહીં અનેક છે