એકનાથ શિંદેને લુટિયન્સ ઝોનમાં ફાળવાયો બંગલો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને હવે દેશની રાજધાની દિલ્હીમાં મળી શકાશે. કેન્દ્ર સરકારના નગર વિકાસ મંત્રાલયે શિંદેને પંડિત પંત માર્ગ પર એક બંગલો ફાળવ્યો છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો મુંબઈમાં વર્ષા નામનો સરકારી બંગલો છે. વર્ષા બંગલો મુખ્ય પ્રધાન માટે આરક્ષિત છે, પરંતુ શિંદેને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના ભદ્ર વિસ્તાર લુટિયન્સ ઝોનમાં પણ સરકારી બંગલો મળ્યો છે.
કેન્દ્ર સરકારના નગર વિકાસ મંત્રાલય દ્વારા દરેક રાજ્યને છ ફ્લેટ ફાળવવામાં આવે છે. આ ફ્લેટ કોને આપવો તે રાજ્ય સરકાર એટલે કે દિલ્હીના રેસિડેન્ટ કમિશનરેટે નક્કી કરવાનું છે. દિલ્હીની મહારાષ્ટ્ર કમિશનરની ઓફિસે અધિકારીઓ અને કર્મચારીઓને તેમના ક્વોટામાંથી કેટલાક ફ્લેટ ફાળવ્યા છે.
કેન્દ્ર સરકારના નિયમો અનુસાર કોઈપણ રાજ્યના મુખ્ય પ્રધાન કે રાજ્યપાલ પોતાના રાજ્યના ક્વોટામાંથી પોતાના માટે ઘરની માગણી કરી શકે છે. દિલ્હીમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને જે બંગલો મળ્યો છે તેના સ્થાને બે ફ્લેટ પાછા આપવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારને બે ફ્લેટ પાછા આપવામાં આવ્યા છે અને તેના બદલામાં એક બંગલો લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો : મહાયુતિ જ વિધાનસભાની હાંડી ફોડશે: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે
હાલમાં વિવિધ રાજ્યોના મુખ્ય પ્રધાનોએ દિલ્હીમાં બંગલા લીધા છે. આ યાદીમાં હવે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનું નામ પણ જોડાઈ ગયું છે. તેલંગણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવે આ બંગલો લીધો હતો. હવે આ બંગલો વર્તમાન મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને આપવામાં આવ્યો છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશ, ઉત્તરાખંડ અને બિહારના મુખ્ય પ્રધાનોએ પણ દિલ્હીમાં બંગલા લીધા છે