મહાયુતિ જ વિધાનસભાની હાંડી ફોડશે: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિરોધીઓ ગમે તેટલી ટીકા કરે તો પણ તમારા જોરે હું કામ કરતો જ રહીશ, એમ જણાવતાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મંગળવારે કહ્યું હતું કે આગામી વિધાનસભા ચૂંટણીની હાંડી મહાયુતિ જ ફોડશે.
થાણેના ટેંભીનાકા મિત્ર મંડળ દ્વારા મંગળવારે આનંદ દિઘેની પરંપરાગત માનની હાંડીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ હાજરી આપી હતી અને હાજર લોકો સાથે સંવાદ સાધ્યો હતો.
વિરોધીઓ ગમે તેટલા આરોપો કરે, ગમે તેટલી રોકકળ કરે તેમ છતાં વિધાનસભાની હાંડી મહાયુતિ જ ફોડશે એવો દાવો તેમણે કર્યો હતો.
અમારી સરકારે લાડકી બહેન, લાડકો ભાઈ, લાડકો ખેડૂત અને હવે લાડકા ગોવિંદાની યોજનાઓ અમલમાં મૂકી છે. અમારી આ બધી યોજનાને કારણે વિરોધીઓના પગ નીચેથી રેતી સરકી રહી છે. વિરોધીઓ ગમે તેટલા આરોપો કરે, પરંતુ આગામી વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિ જ્વલંત વિજય મેળવશે, એમ એકનાથ શિંદેએ કહ્યું હતું.
અમારી સરકાર આવ્યા પછી બધા જ તહેવારો, ઉત્સવોને નિયંત્રણોમાંથી મુક્ત કર્યા હતા. ગોવિંદા હવે પ્રો-ગોવિંદા બન્યા, તેમનો વીમો ઉતાર્યો. દરેક ગોવિંદાએ રમતી વખતે ધ્યાન રાખવું એવી અપીલ કરવાનું પણ તેઓ ભૂલ્યા નહોતા. આનંદ દિઘે દ્વારા શરૂ કરવામાં આવેલો આ ઉત્સવ હવે આખા રાજ્યમાં ભારે ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે એમ પણ તેમણે કહ્યું હતું.