તરોતાઝા

શું તમને બ્રેડની એલર્જી છે?

સ્વાસ્થ્ય -પ્રથમેશ મહેતા

૩૭ વર્ષનો એક યુવાન રમત રમતો હતો ત્યાં અચાનક એના શરીર પર લાલ ચાઠાં ઊપસી આવ્યાં અને કશું કરડી ગયું હશે એવો વિચાર કરતો હતો ત્યાં તો બેભાન થઈ ગયો. હાર્ટએટેક આવ્યાની શંકાથી મિત્રો તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા. હોસ્પિટલમાં ડોક્ટરોને એવી શંકા ગઈ કે આ યુવાનને એલર્જીનો તીવ્ર ઊથલો આવ્યો હોઈ શકે અને તેથી તેને એનેફિલેક્ટિક શોક લાગ્યો હોઇ શકે, આ એવી સ્થિતિ છે જેમાં શરીરની રોગ પ્રતિકારક શક્તિ એલર્જન (એલર્જી કરનારો પદાર્થ) કે પછી શત્રુ જંતુઓના નાશ માટે મોટા પ્રમાણમાં કેમિકલનું ઉત્પાદન શરૂ કરી નાખે છે અને તેને કારણે બ્લડપ્રેશરમાં ઘટાડો થયો અને શ્ર્વાસ લેવામાં તકલીફ થતાં તે ઢળી પડ્યો. ડોક્ટરો દ્વારા એપીનેફ્રાઈન નામના હોર્મોનનું ઈન્જેક્શન આપવામાં આવ્યું જેનાથી તેને બચાવી શકાયો હતો. તપાસ બાદ જાણકારી મળી હતી કે તે યુવાને સવારે ટોસ્ટ બ્રેડ નાસ્તામાં ખાધું હતું તેને કારણે આ સમસ્યા નિર્માણ થઈ હતી. વાસ્તવમાં આ યુવાનને ઘઉંમાં રહેલા ઓમેગા-૫ ગ્લાયાડીન પ્રોટીનની એલર્જી છે. વાસ્તવમાં આ અત્યંત દુર્લભ એલર્જી છે અને બ્રેડની ઉપર ભારે કસરત કરવાથી અથવા તો દારૂનું સેવન કરવાથી વકરે છે. આ યુવાન બચી શક્યો અને હવે તે સ્વસ્થ રીતે જીવી શકે છે, કેમ કે તેની એલર્જીનું યોગ્ય નિદાન થયું અને હવે આ બાબતની જાણકારી હોવાથી તે કાયમ જ આવી સ્થિતિમાંથી બચી જશે.

સામાન્ય રીતે એલર્જીની ટેસ્ટ કરવા માટે સ્કિન પ્રિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં ખાદ્ય પદાર્થ, ધૂળ કે અન્ય એલર્જન (જેની એલર્જી હોઈ શકે)ને ચામડીના થરની નીચે નળી દ્વારા નાખવામાં આવે છે અને પછી ડૉક્ટર પ્રતિક્રિયાની રાહ જોતા હોય છે. આ પ્રક્રિયા ઘણી પીડાજનક હોય છે. જોકે, ઉપરોક્ત યુવાનના કિસ્સામાં કોમ્પોનન્ટ રિઝોલ્વડ ડાયાગ્નોસિસ (સીઆરડી) ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સામાન્ય એલર્જી ટેસ્ટની સરખામણીએ સીઆરડી વધુ ફાયદાકારક એટલા માટે છે કેમ કે તેમાં ઓછી પીડા ઉપરાંત એલર્જનના ચોક્કસ પદાર્થને શોધી શકે છે. આ કિસ્સામાં ખાદ્ય પદાર્થને કારણે એલર્જી થઈ હતી અને આ ખાદ્ય પદાર્થ ભવિષ્યમાં પણ તકલીફ આપી શકે છે કે તેની અસર ઘટી જશે તેની પણ જાણકારી આ ટેસ્ટમાં મળી શકે છે. આવી જ રીતે આ ખાદ્ય પદાર્થ તમે કાચો કે રાંધેલો ખાઈ શકો કે નહીં તે પણ જણાવી શકે છે.

મૂળમાં ફરક એવો છે કે સ્કિન પ્રિક ટેસ્ટમાં તમને શેનાથી સમસ્યા થઈ શકે છે તેની જાણકારી મળે છે, જ્યારે સીઆરડીમાં તમને શા માટે અને કેવી રીતે આવું થાય છે તેની જાણકારી મળે છે, એમ એક જાણીતા ડોક્ટરે જણાવ્યું હતું જેમણે આ યુવાનની ૩૦૦ જેટલા પદાર્થ માટેની સંવેદનશીલતાની ચકાસણી કરી હતી.

એલર્જીની તપાસ કરવા માટે જેવી રીતે સીઆરડી છે, તેવી જ રીતે હોલ એલર્જન ટેસ્ટ પણ છે, જેમાં ઈમ્યુનોગ્લોબ્યુલીન ઈના સ્તરની ગણતરી કરવામાં આવે છે. શરીરમાં જર્મ્સને મારવા માટે ઉત્પાદન કરવામાં આવતા આ એક પ્રકારના એન્ટી બોડી હોય છે. ઘણા લોકોને પીનટ બટરની એલર્જી હોય છે તો આ ટેસ્ટમાં તમને જાણવા મળી શકે છે કે પીનટ બટરના ક્યા પ્રોટીનથી રિએક્શન આવે છે અને ડોક્ટર આ રિએક્શનને રોકવા માટે યોગ્ય સારવાર આપી શકે છે. આને સિરમ-સ્પેસિફિક આઈજીઈ ઈમ્યુનોકેપ ટેસ્ટ કહેવામાં આવે છે.

અનેક વખત ડોક્ટરો કે દર્દીઓ એલર્જીનાં લક્ષણો સમજવા માટે અક્ષમ હોય છે અને દર્દી વર્ષો સુધી નિદાન વગર રહેતો હોય છે. આજે આ સ્થિતિને વધુ સારી રીતે સંભાળી શકાય તે માટેની પદ્ધતિઓ ઉપલબ્ધ છે. વાસ્તવમાં આ એડવાન્સ ટેસ્ટને કારણે હવે જાણકારી મળી શકે છે કે ઘઉંમાં રહેલા અમુક પદાર્થ હાનિકારક છે, પરંતુ કેટલીક દવાઓ કે પછી શારીરિક કસરતને કારણે રિએક્શન વકરી શકે છે.
આ ટેસ્ટ દ્વારા ક્યા પદાર્થની એલર્જી વર્ષોથી પરેશાન કરે છે તે જાણી શકાય છે, પરંતુ તેની માટે રૂ. ૨૫,૦૦૦થી રૂ. ૩૦,૦૦૦ સુધીનો ખર્ચ થઈ શકે છે. આથી જ સામાન્ય રીતે સ્કિન પ્રિક ટેસ્ટની ભલામણ કરવામાં આવતી હોય છે, પરંતુ આ ટેસ્ટ પણ રૂ. ૧૦,૦૦૦ અને રૂ. ૧૨,૦૦૦ના ખર્ચે સસ્તા તો ન જ કહેવાય. આ ટેસ્ટનાં પરિણામો અસ્પષ્ટ હોય છે. પેશન્ટને ગંભીર રિએક્શન આવવાનું ચાલુ રહી શકે છે. આથી જ હવે ચડિયાતા ટેસ્ટ કરવાનું પસંદ કરવામાં આવે છે.

સીઆરડી ટેસ્ટ મોંઘા હોવાનું કારણ આપતા એક ડૉક્ટરે જણાવ્યું હતું કે આ ટેસ્ટ માટેની કિટ ઈમ્પોર્ટેડ હોય છે અને બીજું તેમાં એઆઈ (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)નો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને એનેફિલેક્ટિક શોકના કિસ્સામાં આ ટેસ્ટ જીવન બચાવી શકે છે.

ડોક્ટરના જણાવ્યા મુજબ ભારતમાં પર્યાવરણમાં અને ખાદ્ય પદાર્થમાં હજારોની સંખ્યામાં એલર્જન હોય છે. ઘણી વખત ડોક્ટરો પણ ચોક્કસ એલર્જનને શોધી શકવામાં અક્ષમ હોવાથી બહોળી વ્યાખ્યા કરીને ઘણા પદાર્થોથી દૂર રહેવાની ભલામણ કરી નાખતા હોય છે, પરંતુ સીઆરડી જેવા ચોક્સાઈપૂર્ણ ટેસ્ટ બાદ ક્યા પદાર્થને કાચો કે કેવી રીતે રાંધીને ખાવાથી સમસ્યા નિર્માણ થઈ શકે એટલી ચોક્સાઈપૂર્ણ માહિતી મળતી હોવાથી ચોક્કસ ખાદ્યપદાર્થને ડાયટમાંથી સંપૂર્ણ રીતે બંધ કરવાની આવશ્યકતા રહેતી નથી.

સામાન્ય રીતે વાતાવરણમાં રહેલા એલર્જનની અસર શરદી-સળેખમ, શ્ર્વાસ રૂંધાવો, ખંજવાળ આવવો અથવા આંખમાંથી પાણી આવવા, નાક ગળવું વગેરે સ્વરૂપમાં જોવા મળે છે, જ્યારે ખાદ્ય પદાર્થને કારણે થતી એલર્જીનાં લક્ષણોમાં શરીર પર ચાઠાં પડવા, ફોલ્લા થવા, હોઠ સોજી જવા, આંખ, ચહેરો સોજી જવા અથવા કેટલાક કિસ્સામાં ગભરામણ, શ્ર્વાસ રૂંધાવો, ઊલટી, જુલાબ અને ચક્કર આવવાનાં લક્ષણો પણ જોવા મળી શકે છે.

આપણા દેશમાં એલર્જી થનારા પદાર્થો વધી રહ્યા છે તેનું સૌથી પહેલું કારણ છે, આપણી લાઈફસ્ટાઈલની નબળી ગુણવત્તા. આ ઉપરાંત કોરોના પછીના સમયગાળામાં શ્ર્વસન સંબંધી અને ચામડીઓ સંબંધી એલર્જીમાં ઘણો વધારો જોવા મળ્યો છે.

જે બાળકોને નાનપણમાં માતાના દૂધનું સેવન ઓછું કે ન કર્યું હોય તેમને એલર્જી થવાની સંભાવનાઓ ઘણી વધારે હોય છે. ફાસ્ટ ફૂડ, પ્રિઝર્વ કરેલા (ડબ્બાબંધ) ખાદ્ય પદાર્થ, રેડી-ટુ-કુક, કલર અને ફ્લેવરિંગ એજન્ટનો ઉપયોગ કરેલા પદાર્થોના સેવનથી પણ એલર્જીની સમસ્યા વકરી શકે છે.

Show More

Related Articles

Back to top button
વીક-એન્ડ પર આવી રહી છે એક્શન અને ક્રાઈમ થ્રિલર સીરિઝ, જોઈ લેજો નહીંતર… અનુલોમ વિલોમના ફાયદા એક નહીં અનેક છે સોમવારે કરો આ વસ્તુઓનું દાન, તમને મળશે ભગવાન શિવજીના આશિર્વાદ જન્માષ્ટમી પર બનશે મહાસંયોગ, આ રાશિના જાતકોની ચાંદી જ ચાંદી…