Russia Vs Ukraine: યુક્રેનના ડ્રોન એટેકના જવાબમાં રશિયાનો હવાઈ હુમલો
કિવઃ રશિયા અને યુક્રેન વચ્ચેની લડાઇ વધુ તીવ્ર બને તેવા એંધાણ મળી રહ્યા છે. રશિયાની સેનાએ યુક્રેન પર ભીષણ હવાઇ હુમલો કર્યો છે. યુક્રેનના એક મીડિયા હાઉસે જણાવ્યું હતું કે રાજધાની કિવ સહિત અન્ય શહેરોમાં સોમવારે વહેલી સવારે મિસાઇલ અને ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે. કિવ શહેરમાં સોમવારે સવારે વિસ્ફોટોના અવાજો સાંભળવા મળ્યા હતા, જે મિસાઇલ હુમલાને કારણે હતા. કિવ ઉપરાંત યુક્રેનના અન્ય શહેરોમાં ભીષણ હુમલા કરવામાં આવી રહ્યા છે.
અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે સ્થાનિક સમય મુજબ સવારે સાડા આઠ વાગે કિવ શહેરમાં ભયાનક વિસ્ફોટોના અવાજ સંભળાયા હતા અને કેટલીક મિનિટો બાદ ફરીથી વિસ્ફોટોના અવાજ સંભળાયા હતા. ખાર્કિવમાં પણ કેટલાક વિસ્ફોટો થયા હોવાના અહેવાલ છે. કિવ ઉપરાંત ડેસા, વિન્નિત્સિયા, જાપોરિજિયા, ક્રેમેનચુક, ડીનિપ્રો, ખમેલનિત્સકી, ક્રોપિવ્નિત્સકી અને ક્રિવી રિહમાં પણ હુમલા થયા છે.
રશિયન સેના મોટા પાયે ડ્રોન અને મિસાઈલ છોડીને યુક્રેનની જમીનને નિશાન બનાવી છે, એવી માહિતી આપતા યુક્રેનિયન એરફોર્સે જણાવ્યું હતું કે રશિયન બોમ્બર તેમજ રશિયન કામિકાઝ ડ્રોન દ્વારા હુમલા કરવામાં આવ્યા હતા. તેમણે મિસાઇલો પણ છોડી હતી અને ભારે વિનાશ વેર્યો હતો.
નોંધનીય છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ફેબ્રુઆરી 2022 થી યુદ્ધ ચાલી રહ્યું છે, જે ખતમ થવાનું નામ જ નથી. ઉલ્ટું તાજેતરના સમયમાં તો આ યુદ્ધ વધુ ભીષણ બન્યું છે. યુક્રેને તાજેતરમાં રશિયાના મોટા વિસ્તારો કબજે કર્યા છે. યુક્રેનની સેનાએ તાજેતરમાં રશિયાના સારાટોવ શહેરમાં સૌથી મોટી ઈમારત પર ડ્રોન વડે 9/11 જેવો ભીષણ હુમલો કરીને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. આ હુમલા બાદ એમ અટકળો લગાવવામાં આવતી હતી કે યુક્રેનના હુમલા બાદ રશિયા પણ ચૂપ નહીં બેસે અને વળતો હુમલો કરી જડબાતોડ જવાબ આપશે. એવું જ થયું છે. આજે સવારે રશિયાએ યુક્રેન પર ડ્રોન અને મિસાઈલથી જોરદાર હુમલો કર્યો હતો, જેનાથી યુક્રેનના ઘણા શહેરો હચમચી ગયા હતા.
Also Read –