ધર્મતેજ
શું તમે ઈશ્ર્વરની ઈચ્છાને પડકારો છો?આ રહ્યા માનસિક શાંતિના સચોટ ઉપાયો
આચમન -અનવર વલિયાણી
સામાન્ય માન્યતા એવી છે કે માનસિક શાંતિ માટે તંદુરસ્ત શરીર અને આર્થિક સદ્ધરતા અનિવાર્ય છે, પરંતુ હકીકતમાં આ બંને હોવા છતાં પણ, ઘણા મનુષ્યો સતત માનસિક અશાંતિમાં જ જીવન જીવતા જણાય છે.
- શું તમે આ કક્ષામાં આવો છો?
- જો આવતા હો તો આ લેખ ધ્યાનથી વાંચો.
- કદાચ તમારી અશાંતિનું કારણ તમે જાતે જ હો!
- તેથી તમારી અશાંતિ તમે જાતે જ દૂર કરવા શક્તિમાન છો.
- કેવી રીતે?
- ચાલો આપણે જોઈએ.
- પારકી પંચાત કરશો નહીં.
- તમે વારંવાર બીજાના કામમાં માથું મારો છો?
- કદાચ બીજા ખોટા હોય પણ તેથી તમારે અશાંત અને અસ્વસ્થ થવાની શી જરૂર છે?
- કોઈની પણ ટીકા કરશો નહીં.
- બીજાના કાર્યોનો ન્યાય તોળવાનો ઈશ્ર્વરે તમને અધિકાર આપ્યો નથી.
- આમ બધા જ મનુષ્યો, તેમના હૃદય-સિંહાસન પર બિરાજેલા ભગવાનની પ્રેરણા અને દોરવણી મુજબ જ કાર્ય કરતા હોય છે. તેથી સુવર્ણ નિયમ તો એ જ છે કે કોઈ પણ વ્યક્તિની કે કોઈ પણ કાર્યની કદી ટીકા કરવી નહીં.
- આપણે આપણું સંભાળવું.
- પારકી પંચાત કરવી નહીં.
- બીજાના કામમાં માથું મારવું નહીં.
- માનસિક શાંતિ માટે આ નિયમનું ચુસ્તપણે પાલન કરવું ખૂબ જરૂરી છે.
- જે વ્યક્તિને મન, દુનિયાની તમામ વસ્તુઓ કરતાં માનસિક શાંતિની કિંમત વધારે છે, તેને માટે આ ઉત્તમોત્તમ નિયમ છે.
- દુનિયાની કોઈ પણ વસ્તુ પર તમે ધ્યાન રાખો એ જરૂરી નથી;
- દરેક વસ્તુનું ઈશ્ર્વર ધ્યાન રાખે જ છે.
- હકીકતમાં ઈશ્ર્વર આપણી સંભાળ લે છે જ.
- આ નક્કર સત્ય કદી ભૂલશો નહીં.
‘જગત કાજી થઈને તું વહોરી ના પીડા લેજે.’ - ફરીથી કહેવા દો કે તમે તમારું સંભાળો. કોઈ વ્યક્તિની કે કાર્યની કદી પણ ટીકા કરશો નહીં.
- ટીકા એ ઈર્ષા – નિંદા જ છે. કારણ કે જે કાંઈ થાય છે, બને છે, તે ઈશ્ર્વરચ્છાથી જ બને છે.
- કોઈ પણ વસ્તુ ઈશ્ર્વરની ઈચ્છા, સંમતિ કે અનુમતિ સિવાય બની શકે જ નહીં.
- ઝાડનું એક પાંદડું પણ ઈશ્ર્વર ઈચ્છા વગર હાલી શકતું નથી.
- ધારો કે કોઈ ઘટના બની છે.
- તમારી દૃષ્ટિએ એ ઘટના સારી પણ હોય કે ખરાબ પણ હોય, પણ એ તો નક્કર હકીકત છે કે એ ઘટના ઈશ્ર્વરની સંમતિ વગર તો બની નથી જ. તેથી તમે એ ઘટનાની ટીકા કરો તો એનો અર્થ એ થાય કે તમે ઈશ્ર્વરની ઈચ્છાને પડકારો છો;
- તમે ઈશ્ર્વરના શાણપણની,
- તેમની ન્યાયબુદ્ધિની જ ટીકા કરો છો.
- જો તમે માનસિક શાંતિ ઈચ્છતા હો તો જે થાય છે તે ઈશ્ર્વરની ઈચ્છાથી જ થાય છે તે માટે તેની કદી પણ ટીકા કરશો નહીં.
સનાતન સત્ય:
દર્પણ જૂઠ કદી ના બોલે, દર્પણ ભેદ હૃદયના ખોલે
દર્પણ સત્ય ત્રાજવે તોલે, દર્પણ ભ્રમણા સૌની ખોલે
દર્પણ કાંચ થકી સરજાયે, દર્પણ મહેલ કૂબામાં હોતું
દર્પણ ચરિત્ર સૌનું જોતું, દર્પણ અબાલ-વૃદ્ધ ચહેતું
સમરસ થઈને સૌને સહેતું.
બોધ: – ‘ઉતાવળા સો બહાવરા’ એ ઉક્તિ અનુસાર ઉતાવળ કરી બહાવરો બનીને જે માણસ જેની તેની સાથે ઝઘડી પડે છે એના જીવનમાં કદી શાંતિ કે સુખ હોતાં નથી.
- ઊંચા જીવે જીવવું ન હોય તો ધીરજ અનિવાર્ય છે. માનવીની માનસિક શાંતિનો એ પણ એક સચોટ ઉપાય છે.