જો તમે જગતના સંચાલનમાં ખરેખર સમર્થ હો તો…આ તણખલું મૂકયું છે એ તમારી ઇચ્છાનુસાર હલાવીને બતાવો
માતા પાર્વતીએ લાલ સાડી પહેરી હતી, લાલ ફૂલોની માળા ધારણ કરી હતી, લાલ ચંદનથી શણગાર કર્યો હતો, ચારેય હાથમાં વર, પાશ, અંકુશ અને અભય ધારણ કર્યા હતાં. પાર્વતીએ કહ્યું: ‘હું જ પરબ્રહ્મ, પરમ જ્યોતિ છું, મારાથી ભિન્ન કોઈ પદાર્થ નથી, હું નિરાકાર હોવા છતાં સાકાર છું.’

શિવ રહસ્ય -ભરત પટેલ
(ગતાંકથી ચાલુ)
વરદાન મળ્યા બાદ શરૂઆતમાં વિદલ અને ઉત્પલ ધર્મનું આચરણ કરી રહ્યા હતા, પણ જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ તેમનામાં અસુરી વૃત્તિનું ઉત્થાન થવા લાગ્યું, પોતાની શક્તિઓ અજય છે તેવું સમજાતા તેઓએ પૃથ્વીલોક પર અત્યાચાર કરવાનું શરૂ કર્યું, અસુર માતા દિતિ જાણતી હતી કે વિદલ અને ઉત્પલનો કોઈ પુરુષ દેવગણ વધ નહીં કરી શકે, એટલે તેમણે પોતાની અસુરીવૃત્તિને ફલિત કરવાનું વિદલ અને ઉત્પલને સમજાવ્યું. પ્રથમ તેમણે સ્વર્ગલોક પર આક્રમણ કરી દેવરાજ ઇન્દ્રને બંદી બનાવ્યા. દેવરાજને બંદી બનેલા જોઈ અન્ય દેવગણ ત્યાંથી પલાયન થઈ જાય છે. સ્વર્ગલોક વિજેતા વિદલ અને ઉત્પલને અસુર માતા દિતિ કહે છે કે, ‘હે અસુર શિરોમણીઓ આ સ્વર્ગલોક તમારી રાણીઓ વગર સૂનું છે, તમારે સંસારની સુંદર ક્ધયા શોધીને તમારી રાણી બનાવવી જોઈએ.’ માતા દિતિની આવી વાત સાંભળ્યા બાદ વિદલ અને ઉત્પલ સુંદર ક્ધયા શોધવા લાગ્યા. એક વખત તેમની બાજુમાંથી પસાર થતાં દેવર્ષિ નારદને તેમણે પૂછયું, ‘દેવર્ષિ તમે તો સમગ્ર સંસારમાં વિહરતા હોવ છો, તો શું તમે અમને જણાવી શકો કે સંસારમાં સૌથી સુંદર સ્ત્રી કોણ છે?’ અસુરોની મંછાથી અજાણ દેવર્ષિ નારદ તેમને જણાવે છે કે ‘સમગ્ર સંસારમાં તો સૌથી સુંદર માતા પાર્વતી છે.’ દેવર્ષિ નારદની વિદાય બાદ વિદલ અને ઉત્પલ માતા પાર્વતીના વિચારોમાં ખોવાઈ જાય છે અને કૈલાસના આકાશમાં વિચરવા લાગે છે. તેઓ શિવગણોનું રૂપ ધારણ કરતાં ભગવાન શિવ તેમને ઓળખી જાય છે. ભગવાન શિવ માતા પાર્વતીને કટાક્ષ દ્વારા સૂચિત કરે છે કે ‘આ બંને દૈત્ય છે, ગણ નથી.’ માતા પાર્વતી એ સંકેતને સમજીને એ દડાથી એકીસાથે એ બંને પર ઘા કરે છે. માતા પાર્વતીના દડાના પ્રહારથી આહન થઈ બંને મહાબલી દુષ્ટ દૈત્યો ચક્કર ફરતાં ફરતાં ભૂતલ (જમીન) પર પડી જાય છે. બંને દૈત્યોનો વધ થતાં દેવગણો માતા પાર્વતીનો જયજયકાર કરે છે. બંને મહાબલી દૈત્યને ઘા કરનારો દડો લિંગરૂપે પરિવર્તિત થાય છે અને કુન્દુકેશ્ર્વર નામે પ્રખ્યાત થાય છે. કાશી સ્થિત કુન્દુકેશ્ર્વર લિંગ દુષ્ટોનું વિનાશક, ભોગ-મોક્ષનું પ્રદાન અને સર્વદા સત્પુરૂષોની સમસ્ત કામનાઓને પૂર્ણ કરનારું છે. જે મનુષ્ય કુન્દુકેશ્ર્વર લિંગના મહિમા-આખ્યાનને હર્ષપૂર્વક સાંભળે, સંભળાવે અથવા વાંચે છે એને ભયનું દુ:ખ રહેતું નથી, તે આ લોકમાં વિવિધ પ્રકારનાં સંપૂર્ણ ઉત્તમોત્તમ સુખ ભોગવીને દેવદુર્લભ દિવ્ય ગતિને પ્રાપ્ત કરે છે.
વિદલ અને ઉત્પલના વધ બાદ દેવતાઓ પોતપોતાના લોક ચાલ્યા જાય છે. નાના નાના અસુરો પોતાનું પ્રભુત્વ પ્રાપ્ત કરવા દેવગણો પર આક્રમણ કરતા રહે છે પણ તેઓ સ્વર્ગલોક પર વિજયી થઈ શકતાં નથી, આથી દેવતાઓને પોતાની શૂરવીરતા પર બહુ ગર્વ થવા લાગ્યો. તેઓ આત્મપ્રશંસા કરતાં કરતાં પ્રચાર કરવા લાગ્યાં.
દેવરાજ ઇન્દ્ર: ‘અમે લોકો ધન્ય છીએ, ધન્યવાદને યોગ્ય છીએ, અમારું બળ અદ્ભુત અને દૈત્યકુળનો વિનાશ કરવામાં સમર્થ છે, અસુરો શું કરી લેવાના છે. તેઓ તો અમારા દુસ્સહ પ્રભાવ જોઈને ભયભીત થઈ પાતાળ લોક ભાગી ગયા છે.’
આવી વાતો સાંભળી દેવર્ષિ નારદ દુ:ખી થાય છે અને તેઓ કૈલાસ પહોંચે છે, તેઓ જુએ છે કે ભગવાન શિવ આરાધનામાં લીન છે, માતા પાર્વતી શિવગણો સાથે ભગવાન શિવની પૂજા-અર્ચના કરી રહ્યાં છે.
દેવર્ષિ નારદ: ‘પ્રણામ માતા.’
માતા પાર્વતી: ‘પધારો દેવર્ષિ, તમારા આગમનનું કારણ બતાવો તો યોગ્ય થશે.’
દેવર્ષિ નારદ: ‘માતા હું છેલ્લા કેટલાક સમયથી જોઈ રહ્યો છું કે દેવરાજ ઇન્દ્ર સહિત દેવગણો ગર્વિષ્ટ થઈ ગયા છે, તેઓ કહેવા માંડયા છે કે, અમારું બળ અદ્ભુત અને દૈત્યકુળનો વિનાશ કરવામાં સમર્થ છે, અસુરો શું કરી લેવાના છે. તો ભગવતી તમે એમની પરીક્ષા લો, જેથી તેઓની સાન ઠેકાણે આવે.’
માતા પાર્વતી: ‘જેવી તમારી ઇચ્છા દેવર્ષિ.’
એ જ સમયે દેવતાઓની સામે તેજનો એક મહાન પૂંજ પ્રગટ થયો, જે પહેલા ક્યારેય કોઈના જોવામાં આવ્યો ન હતો, એને જોઈને બધા દેવતાઓ વિસ્મયમાં પડી ગયા. તેમના ગળાં રુંધાઈ ગયાં અને પરસ્પર પૂછવાં લાગ્યાં – ‘આ શું છે? આ શું છે?’ એમને ખબર જ ન પડી કે આ માતા પાર્વતીનો જ ઉત્કૃષ્ટ પ્રભાવ છે, જે દેવતાઓના અભિમાનનો ચૂરેચૂરા કરનારો છે. દેવરાજ ઇન્દ્ર સહિત દેવગણો વિસ્મય પામ્યા આ તેજપૂંજ શાનો છે એ જાણવા દેવરાજ ઇન્દ્રએ આદેશ આપ્યો કે, ‘દેવગણો જાઓ અને યથાર્થરૂપે જાણો કે આ તેજપૂંજ કોણ છે.’
પ્રથમ પવનદેવ તેજપૂંજ પાસે ગયા અને અભિમાનપૂર્વક જોઈ રહ્યા એ જોઈ પ્રકાશમાન તેજપૂંજે પૂછયું, ‘હે દિવ્ય પુરુષ તમે કોણ છો?’
તેજપૂંજ દ્વારા આ પ્રકારના પ્રશ્ર્ન પર વાયુદેવતા અભિમાનપૂર્વક બોલ્યા: ‘હું વાયું છું, પવન દેવ છું, સંપૂર્ણ જગતનો પ્રાણ છું, મુજ વગર આ સૃષ્ટિ નિ:શ્ચેતન છે, હું જ સમસ્ત જગતનું સંચાલન કરું છું.’
તેજપૂંજ: ‘હે વાયુ! જો તમે જગતના સંચાલનમાં ખરેખર સમર્થ હો તો આ તણખલું મૂકયું છે એ તમારી ઇચ્છાનુસાર હલાવીને બતાવો.’
પવનદેવે પોતાની સમગ્ર શક્તિ લગાવી દીધી પણ એ તણખલુંને તસુભર પણ ખસેડી ન શક્યાં. પવનદેવ લજ્જિત થઈ ગયા. તે ચૂપચાપ દેવરાજ ઇન્દ્રની સભામાં પરત આવ્યા અને પોતાના પરાજયની સાથે ત્યાંનો બધો વૃત્તાંત કહી સંભળાવ્યો. એ બોલ્યા: ‘હે દેવરાજ ઇન્દ્ર! આપણે બધા મિથ્યા જ પોતાને સર્વેશ્ર્વર માની અભિમાન રાખીએ છીએ, આપણે નાનામાં નાની વસ્તુને પણ કશું કરી શકતા નથી.’ ત્યારબાદ એક પછી એક દેવગણો પોતાની શક્તિ દાખવવાની કોશિષ કરે છે પણ એ શક્તિપૂંજ સમક્ષ તેઓ નિ:સ્તેજ પૂરવાર થાય છે.
દેવરાજ ઇન્દ્ર: ‘જેનું આવું ચરિત્ર છે એ સર્વેશ્ર્વરના હું શરણે છું, અમે લજ્જિત છીએ, તમે દર્શન આપો.’
એ જ સમયે નિશ્ર્ચલ કરુણામય શરીર ધારણ કરનારાં સચ્ચિદાનંદસ્વરૂપિણી શિવપ્રિયા માતા પાર્વતી એ દેવતાઓ પર દયા કરવા અને એમનો ગર્વ હરવા પ્રગટ થયા, એ દિવસ ચૈત્ર સુદ નોમનો દિવસ હતો. એ તેજપૂંજની મધ્યમાં બિરાજમાન થયાં, પોતાની કાન્તિથી દસેય દિશાઓને પ્રકાશિત કરી રહ્યાં હતાં અને સમસ્ત દેવતાઓને જણાવી રહ્યાં હતાં કે ‘હું સાક્ષાત પરબ્રહ્મ છું, તેમણે લાલ સાડી પહેરી હતી, લાલ ફૂલોની માળા ધારણ કરી હતી, લાલ ચંદનથી શણગાર કર્યો હતો, ચારેય હાથમાં વર, પાશ, અંકુશ અને અભય ધારણ કર્યા હતાં. કોટી કોટી કંદર્પ સમાન અને કરોડો ચંદ્રમા સમાન છટાદાર ચાંદનીથી સુશોભિત હતા. પરબ્રહ્મસ્વરૂપિણી માતા પાર્વતીએ કહ્યું: ‘હું જ પરબ્રહ્મ, પરમ જ્યોતિ છું, મારાથી ભિન્ન કોઈ પદાર્થ નથી, હું નિરાકાર હોવા છતાં સાકાર છું.’
દેવીનું આ કરુણાયુક્ત વચન સાંભળીને દેવરાજ ઇન્દ્ર સહિત સમગ્ર દેવગણ ભક્તિભાવથી મસ્તક નમાવીને પરમેશ્ર્વરીની સ્તુતિ કરવા લાગ્યા, ‘હે પરમેશ્ર્વરી પ્રસન્ન થાઓ. હે માતા! એવી કૃપા કરો જેથી ફરી ક્યારેય અમને ગર્વ ન થાય.’
ત્યારથી સમગ્ર દેવતાગણે ગર્વ છોડીને એકાગ્રચિત્ત થઇને વિધિપૂર્વક માતા પાર્વતીની આરાધના કરવા લાગ્યા. (ક્રમશ:)