મહિલાઓ પરના અત્યાચાર અક્ષમ્ય પાપ: વડા પ્રધાન મોદી
મહારાષ્ટ્ર વિકસિત ભારતનો તેજસ્વી તારો
જળગાંવ (મહારાષ્ટ્ર): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે ભારતમાં મહિલાઓની સુરક્ષા અત્યંત મહત્ત્વની છે અને તેમણે રાજ્ય સરકારોને વારંવાર કહ્યું છે કે ‘મહિલાઓ સામેના ગુનાઓ અક્ષમ્ય પાપ છે’.
મહારાષ્ટ્રના જલગાંવમાં ‘લખપતિ દીદી સંમેલન’માં બોલતા પીએમ મોદીએ કહ્યું હતું માતાઓ, બહેનો અને દીકરીઓની શક્તિ વધારવાની સાથે તેમની સુરક્ષા પણ દેશની પ્રાથમિકતા છે. મેં લાલ કિલ્લા પરથી વારંવાર આ મુદ્દો ઉઠાવ્યો છે. આજે દેશનું કોઈ પણ રાજ્ય હોય, હું મારી બહેનો અને દીકરીઓની પીડા અને ગુસ્સો સમજું છું. હું ફરી એકવાર દેશના દરેક રાજકીય પક્ષ, દરેક રાજ્ય સરકારને કહીશ કે મહિલાઓ વિરુદ્ધના અપરાધ એ અક્ષમ્ય પાપ છે.
વડા પ્રધાને જણાવ્યું હતું કે દોષિતોને બક્ષવામાં આવવા જોઈએ નહીં અને કોઈપણ રીતે તેમની મદદ કરનારને પણ છોડવા જોઈએ નહીં. ભલે તે હૉસ્પિટલ, શાળા, સરકાર અથવા પોલીસ તંત્રમાં હોય. કોઈપણ સ્તરે બેદરકારીને ચલાવી લેવી જોઈએ નહીં અને તેમાં સામેલ દરેક વ્યક્તિને જવાબદાર ઠેરવવા જોઈએ. ઉપરથી નીચેથી સ્પષ્ટ સંદેશ મોકલવો જોઈએ કે આ ગુનો અક્ષમ્ય છે.
મોદીની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે કોલકાતામાં 31 વર્ષની ડોક્ટરની ક્રૂર બળાત્કાર અને હત્યા માટે ન્યાયની માંગણી સાથે હજારો મહિલાઓ દેશભરમાં રસ્તા પર ઉતરી આવી હતી.
આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં BioE3 નીતિનાં પ્રસ્તાવને મંજૂરી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મહારાષ્ટ્રના જલગાંવમાં સ્વ-સહાય જૂથોની મહિલા સભ્યો જેઓ વાર્ષિક રૂ. 1 લાખ ‘લખપતિ દીદીઓ’ બની છે તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો.
વડા પ્રધાન તેમની સરકારના ત્રીજા કાર્યકાળ દરમિયાન આ સિદ્ધિ હાંસલ કરનાર 11 લાખ નવી લખપતિ દીદીઓને સન્માનિત કરવાના કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા હતા. જળગાંવમાં વડા પ્રધાને 4.3 લાખ સ્વ-સહાય જૂથના 48 લાખ સભ્યો માટે રૂ. 2,500 કરોડનું રિવોલ્વિંગ ફંડ રિલીઝ કર્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે મહારાષ્ટ્ર વિકસિત ભારતનો ઝળહળતો સિતારો છે. આ રાજ્યનું ભાવિ વધુ રોકાણો અને રોજગારના વિકાસમાં રહેલું છે.
મહિલાઓની સુરક્ષા અને નવા કાયદાઓ: વડા પ્રધાન
મહિલાઓની સુરક્ષા પર વાત કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તેમની સરકાર મહિલાઓ પર અત્યાચાર કરનારાઓને કડકમાં કડક સજા આપવા માટે સતત કાયદા બનાવી રહી છે.
આ પણ વાંચો: યુક્રેન પ્રવાસ બાદ નરેન્દ્ર મોદી આવી શકે છે માદરે વતન!
આજે દેશની આટલી મોટી સંખ્યામાં બહેનો અને દીકરીઓ અહીં છે. હું તમને આ ખાસ કહેવા માંગુ છું. અગાઉ એવી ફરિયાદો આવતી હતી કે એફઆઈઆર સમયસર નોંધાતી નથી, કોઈ સુનાવણી થતી નથી, કેસમાં વિલંબ થતો હતો. અમે ભારતીય ન્યાય સંહિતામાં આવા અનેક અવરોધો દૂર કર્યા છે.
તેમાં મહિલાઓ અને બાળકો પરના અત્યાચારને લઈને એક આખું પ્રકરણ રચવામાં આવ્યું છે. જો પીડિત મહિલાઓ પોલીસ સ્ટેશન જવા માંગતી નથી, તો તેઓ ઘરેથી ઈ-એફઆઈઆર નોંધાવી શકે છે, એમ વડા પ્રધાને જળગાંવમાં જણાવ્યું હતું.
અર્થવ્યવસ્થા બનવામાં મહિલાની ભૂમિકા: વડા પ્રધાન
જળગાંવમાં લખપતિ દીદી સંમેલનને સંબોધિત કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તમે સાંભળ્યું જ હશે કે ભારત વિશ્ર્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે. તેમાં મહિલાઓનો બહુ મોટો રોલ છે. જો કે થોડા વર્ષો પહેલા આવું નહોતું. મહિલાઓ દરેક ઘર અને દરેક પરિવારની સમૃદ્ધિની ખાતરી આપે છે.
આ પણ વાંચો: સળંગ 11મી વખત સ્વતંત્રતા દિને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાષણ આપશે
જો કે, મહિલાઓ માટે મદદની ખાતરી આપનાર કોઈ નહોતું. મહિલાઓના નામ પર પ્રોપર્ટી ન હતી અને જો તેમણે બેંકમાંથી લોન લેવી હોય તો તેઓ તેનો લાભ લઈ શકતા નહોતા.
આવી પરિસ્થિતિમાં, તેઓ પોતાનો નાનો વ્યવસાય બનાવવા માટે સક્ષમ નહોતા. અમે છેલ્લા દસ વર્ષમાં મહિલાઓના હિતમાં અનેક નિર્ણયો લીધા છે. અગાઉ દેશમાં કરોડો બહેનોના નામે કોઈ મિલકત નહોતી. બેંકમાંથી લોન લેવી હોય તો તેઓ મેળવી શક્યા ન હતા. આવી સ્થિતિમાં, તેઓ કોઈ નાનું કામ કરવા માંગતા હોય તો પણ તે કરી શકતા ન હતા.
એટલે તમારા આ ભાઈએ, તમારા દીકરાએ વ્રત લીધું. મેં નક્કી કર્યું કે ગમે તે થાય, હું મારા દેશની માતાઓ, બહેનો અને દીકરીઓને આવતી દરેક મુશ્કેલીને ઓછી કરીશ. તેથી, મોદી સરકારે મહિલાઓના હિતમાં એક પછી એક નિર્ણયો લીધા એમ વડા પ્રધાને જણાવ્યું હતું. (પીટીઆઈ)