હવે ‘જુનિયર નીરજ ચોપડા’ ભારતને મેડલ અપાવવા તત્પર છે
લિમા (પેરુ): દક્ષિણ અમેરિકાના પેરુ દેશના લિમામાં મંગળવાર, 27મી ઑગસ્ટે અન્ડર-20 વર્લ્ડ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ શરૂ થઈ રહી છે અને એમાં ભારતનો રોહન યાદવ નામનો ઍથ્લીટ ભાલાફેંકની હરીફાઈમાં ભાગ લેશે.
રોહન ખૂબ જ ટૅલન્ટેડ છે અને તેની ગણના ‘ભાવિ નીરજ ચોપડા’ તરીકે થઈ રહી છે. તેના વિદેશી કોચે કહ્યું છે કે રોહન ભવિષ્યમાં બીજો નીરજ ચોપડા બની શકે.
નીરજ ચોપડા 2021ની ટોક્યો ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને 2024ની પૅરિસ ઑલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીત્યો છે.
રોહન 18 વર્ષનો છે અને 2022ની સાલમાં તે 16 વર્ષનો હતો ત્યારે ઉત્તર પ્રદેશના જૌનપુરના મેદાનમાં ભાલાફેંકની પ્રૅક્ટિસ કરી રહ્યો હતો ત્યારે તેનો વીડિયો પહેલી વાર વાઇરલ થતાં ચર્ચામાં આવ્યો હતો. તે લિમાની વિશ્ર્વ સ્પર્ધામાં ભારતને મેડલ અપાવવાની દૃઢતા સાથે ભાગ લઈ રહ્યો છે.
ભારતીય લશ્કરના સુબેદાર મેજર નીરજ ચોપડાનો બેસ્ટ થ્રો 89.94 મીટર છે. રોહન યાદવ હજી જુનિયર જવેલિન થ્રોઅર છે અને 70-પ્લસ મીટર તેનો બેસ્ટ થ્રો છે. જોકે અન્ડર-18 ઍથ્લીટ્સમાં રોહન વર્લ્ડ નંબર-થ્રી છે.
આ પણ વાંચો: મનુ ભાકર અને નીરજ ચોપડા પણ શું કામ પાછળ રહી જાય!
મધ્યમ વર્ગના પરિવારના રોહનને તેના પિતા અને મોટા ભાઈ પાસેથી ઍથ્લેટિક્સમાં કરીઅર બનાવવાની પ્રેરણા મળી છે.
રોહનના પિતા ખેડૂત છે તેમ જ મૅરેથોનમાં ભાગ લઈ ચૂક્યા છે. રોહનનો મોટો ભાઈ રોહિત યાદવ ભાલાફેંકની આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઈ ચૂક્યો છે.
રોહનની ભાલાફેંક (જેવલિન)ની ક્ષમતાને પેરુના જેવલિન કોચ માઇકલ મસલમૅને ઓળખી ત્યારે તેને મફતમાં ઓનલાઇન કોચિંગ આપવાની ઑફર કરી હતી. તેઓ રોહનને વિનામૂલ્યા તાલીમ આપી રહ્યા છે.
રોહને તેમને જૌનપુરમાં ભાલાફેંકની કરેલી પ્રૅક્ટિસના વીડિયો મોકલ્યા ત્યારે મસલમૅને તેને તાલીમ આપવાનું નક્કી કરી લીધું હતું. મસલમૅન એ પહેલાં રોહનના ભોટા ભાઈ રોહિત યાદવને તાલીમ આપી ચૂક્યા હતા એટલે યાદવ પરિવારના સતત સંપર્કમાં રહેવું તેમના માટે બહુ મુશ્કેલ નહોતું.
રોહન આવતા ચારથી છ વર્ષમાં ભારતનો બીજો નીરજ ચોપડા બની શકે એવું વિધાન તાજેતરમાં મસલમૅને કર્યું એને કારણે રોહન વિશે ખેલકૂદપ્રેમીઓની ઉત્સુકતા વધી ગઈ છે.