આમચી મુંબઈ

₹ 2,360 કરોડની FD પાલિકાએ મુદત પહેલાં તોડી; છેલ્લાં પાંચ વર્ષમાં છ વખત તો BESTને મદદ કરવા આવું કરાયું

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાનો કારભાર હાલ ફિક્સ ડિપોઝિટ (FD)ના પૈસા પર ચાલી રહ્યો હોવાનું જણાઈ રહ્યું છે. મુદત પૂરી થાય તે પહેલા જ છેલ્લાં પાંચ વર્ષમાં જુદા જુદા કામના નામે સુધરાઈએ ૨,૩૬૦ કરોડ રૂપિયાની એફડી ઉપાડી લીધી હોવાની માહિતી રાઈટ ટુ ઈન્ફોર્મેશનમાં જણાઈ છે, તેમાં પણ બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST)ને ગ્રાન્ટ આપવા માટે છ વખત એફડીને તોડવામાં આવી હતી.

રાઈટ ટુ ઈન્ફોર્મેશન ઍક્ટિવિસ્ટ (ITR) અનિલ ગલગલીએ છેલ્લાં પાંચ વર્ષમાં મુંબઈ મહાનગરપાલિકા પાસે ફિક્સ ડિપોઝિટને મુદત પહેલા ઉપાડી લેવા બાબતે માહિતી માગી હતી. પાલિકાના જણાવ્યા મુજબ આઠ એફડીને મુદત પહેલા ઉપાડી લેવામાં આવી હતી, જેની કુલ રકમ ૨,૩૬૦ કરોડ ૨૦ લાખ ૧૯ હજાર રૂપિયા થાય છે. પાલિકાના જણાવ્યા મુજબ જુદા જુદા કામ માટે આ એફડી તોડવામાં આવી હતી.

ગણેશોત્સવ પહેલા રિટાયર્ડ કર્મચારીઓના પેન્શન માટે ૨૯ ઑગસ્ટ, ૨૦૨૨ના યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયામાં રહેલી ૬૪૫.૨૦ કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા. એમએમઆરડીએને સબસિડી આપવા માટે ૧૫ માર્ચ, ૨૦૨૪ના ૯૪૯.૫૦ કરોડ રૂપિયાની એફડી ઉપાડી લેવામાં આવી હતી.

છેલ્લાં પાંચ વર્ષમાં બેસ્ટ ઉપક્રમ માટે છ વખત એફડી મુદત પહેલા ઉપાડી લેવામાં આવી હતી, જેમાં ૨૦૧૯માં ૨૫૦ કરોડ અને ૧૧૩ કરોડ રૂપિયાની એફડી બેસ્ટને સબસીડી આપવા માટે તોડી હતી. ૨૧ ઑગસ્ટ, ૨૦૧૯ના સબસિડી આપવા માટે ૧૧૫ કરોડ રૂપિયાની એફડી ઉપાડવામાં આવી હતી. આ તમામ એફડી સ્ટેટ બેન્કમાં હતી. ૨૦૨૨-૨૩ના માર્ચમાં ૧૦૦ કરોડ, ૯૨.૦૬ કરોડ અને ૮૭.૦૬ કરોડની એમ ત્રણ એફડી એક જ દિવસમાં ઉપાડી લેવામાં આવી હતી. આ ત્રણેય એફડી પણ સ્ટેટ બેન્કમાં હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button