સંવાદો અને સીનજાણીતા અને પરિચિત
કેટલાક સંવાદો અથવા સીન સદાબહાર હોય છે, જે હજારો ફિલ્મોમાં સેંકડો વખત વાપરવામાં આવતા હોય છે. આ સંવાદો એટલા જાણીતા અને પરિચિત થઈ જતા હોય છે કે દર્શકોને પહેલેથી જ ખબર પડી જતી હોય છે કે હવે આ પૂછશે એટલે એનો જવાબ આ આવશે. આવો આપણે આજે જોઈ લઈએ આવા જ પરિચિત સંવાદો.
સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ
અત્યારે હું એક પોલીસ અધિકારીની રૂએ આવ્યો છું
ઘણા વખત પહેલાં એક ફિલ્મ આવી હતી, જેમાં એક પોલીસ ઈન્સ્પેક્ટર પોતાના એક મિત્રની ધરપકડ કરવા માટે જાય છે. મિત્ર નિર્દોષ છે. તો પોતાના ઈન્સ્પેક્ટર મિત્રને સહાય કરવા માટે આજીજી કરી રહ્યો છે, પરતું તે ઈન્સ્પેક્ટર પોતાની ફરજ અને કાયદાના રક્ષણ માટે દોસ્તીને દાવ પર લગાવી રહ્યો છે અને પોતાના મિત્રને કહે છે કે ‘ઈસ વક્ત મૈં એક દોસ્ત નહીં, પુલિસ ઈન્સ્પેક્ટર કી હેસિયત સે યહાં આયા હું.’ (અત્યારે હું એક મિત્ર તરીકે નહીં, પોલીસ ઈન્સ્પેક્ટરની રૂએ અહીં આવ્યો છું.) આટલા માટે જ કદાચ કહેવાય છે કે પોલીસવાળાઓ ક્યારેય કોઈના સગા હોતા નથી. ખબર નહીં કેવી રીતે અને શા માટે તે ફિલ્મ હિટ થઈ ગઈ? તે દિવસ અને આજનો દિવસ, કોઈ ફિલ્મમાં કોઈ ઈન્સ્પેક્ટરે ક્યારેય પોતાના મિત્રની મદદ કરી નથી. દરેક વખતે નિર્દોષ દોસ્ત આજીજી કરતો હોય છે અને દર વખતે તેનો મિત્ર એક જ ચિર-પરિચિત સંવાદ બોલતો હોય છે કે ‘અત્યારે હું અહીં એક મિત્ર તરીકે નહીં, પોલીસ ઈન્સ્પેક્ટરની હેસિયતથી અહીં આવ્યો છું. પછી દરેક વખત દર્શકો તે ફિલ્મને તેની ઓકાત દેખાડી દેતા હોય છે.
કાયદો હાથમાં લેતો નહીં
એક દૃશ્ય ફિલ્મમાં અનેક વખત ઉપયોગમાં લેવામાં આવ્યું છે. ખલનાયક આખી ફિલ્મમાં ગમે તેટલો ખૂન-ખરાબો કરે તેનાથી કશો વાંધો નથી, પરંતુ જેવો નાયક આ ખલનાયકને મારવા લાગે કે તરત જ પોલીસ ઈન્સ્પેક્ટર કે પછી કોઈ ઉપદેશક પ્રગટ થઈ જાય છે અને નાયકને રોકી પાડે છે. આ વખતે એક જ સંવાદ સાંભળવા મળે છે કે ‘કાનૂન કો અપને હાથમેં મત લો.’ (કાયદાને પોતાના હાથમાં લેતો નહીં.)
કેમ ભાઈ? આ ખલનાયક મહા મહેનતે હાથમાં આવ્યો છે. તેણે નાયકની જિંદગી બરબાદ કરી નાખી છે. તેની બહેનના લગ્ન તોડાવી નાખ્યા છે, પિતાની નોકરી છોડાવી દીધી, નાયકને બે-ત્રણ વર્ષ માટે જેલમાં મોકલાવી દીધો હતો. હવે માંડ તે હાથમાં આવ્યો છે, તો નાયકને પોતાની ભડાસ કાઢી નાખવા દો. ખલનાયક મન ફાવે ત્યારે કાયદો પોતાના હાથમાં લઈ શકે છે, નાયકને એક વખત તો કાયદો પોતાના હાથમાં લેવા દો. જ્યારે કાયદો બધા માટે સરખો છે તો પછી નાયક પર આવી રોક-ટોક શા માટે હોવી જોઈએ? તેને પણ કાયદો હાથમાં લેવાની પૂરી છૂટ હોવી જોઈએ. (શબ્દાંકન: વિપુલ વૈદ્ય)