મુંબઈમાં શુક્રવાર બપોર સુધીમાં ૩૯,૦૦૦થી વધુ ગણેશમૂર્તિનું વિસર્જન
આખરી સલામી: અનંતચૌદશના દિને શહેરના ગણપતિ ભગવાનનાં વિસર્જનની વેળાએ ગુરુવારે શહેરીજનોએ ભાવભીની વિદાય આપી હતી. મુંબઈના પ્રખ્યાત લાલબાગના ગણપતિનું વિસર્જન અંદાજે ૨૩ કલાક બાદ શુક્રવારે સવારે સાડાનવની આસપાસ થયું હતું. ગુરુવારે નીકળેલા લાલબાગના રાજાને બીજે દિવસે વિસર્જિત કરવામાં આવ્યા ત્યારે હજારોની સંખ્યામાં ભક્તોએ તેમનાં આખરી દર્શન કર્યાં હતાં અને સુખકર્તા, દુ:ખહર્તા બાપ્પા પુઢચ્યા વરસી લવકર યાનો ગુંજારવ કર્યો હતો. (તસવીર: અમય ખરાડે)
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ‘ગણપતિ બાપ્પા મોરયા, પુઢચા વર્ષી લવકર યા’ના ગગનભેદી નારા વચ્ચે ગણેશભક્તોએ પોતાના લાડલા ગણપતિબાપ્પાને ગુરુવારે અનંત ચતુર્દશીના વિદાય આપી હતી. મુંબઈમાં શુક્રવાર બપોર સુધી જુદા જુદા વિસર્જન સ્થળોએ ગણેશમૂર્તિના વિસર્જન ચાલુ રહ્યા હતા. બપોર સુધીમાં ૩૯,૦૦૦થી વધુ ગણેશમૂર્તિના નૈસર્ગિક તેમ જ કૃત્રિમ વિસર્જન સ્થળોએ વિસર્જન કરવામાં આવ્યા હતા.
દસ દિવસના ગણેશોત્સવના તહેવારની સમાપ્તી ગુરુવારે અનંત ચતુર્દશીના ગણપતિબાપ્પાની વિરાટકાય મૂર્તિઓના વિસર્જન સાથે થઈ હતી. ગુરુવાર બપોરથી મુંબઈના જુદા જુદા નાના-મોટા સાર્વજનિક ગણેશમંડળોએ ઢોલ-તાશા સાથે શોભાયાત્રા કાઢીને લાડલા ગણપતિબાપ્પાને વિદાય આપી હતી. મુંબઈમાં ગુરુવાર બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સાંજ બાદ વીજળીના ગડગડાટ સાથે અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદ વચ્ચે પણ ભક્તોએ નાચતા-ગાતા ધૂમધામથી ગણેશમૂર્તિનું વિસર્જન કર્યું હતું.
ભારે વરસાદ અને વીજળીના કડાકા વચ્ચે પણ ભક્તો મુંબઈના પ્રખ્યાત વિસર્જન સ્થળ ગણાતા ગિરગાંવ ચોપાટી સહિતના વિસર્જન સ્થળોએ પોતાના લાડલા ગણપતિબાપ્પાને વિદાય આપવા ઉમટી પડ્યા હતા. ગુરુવાર બપોરથી મુંબઈના જુદા જુદા નૈસર્ગિક અને કૃત્રિમ તળાવોમાં વિસર્જન માટે ભક્તોની ભીડ લાગી હતી. મુંબઈ મહાનગરપાલિકા દ્વારા સ્થાપિત કૃત્રિમ તળાવો, ગિરગાંવ ચોપાટી સહિતના પ્રખ્યાત નૈસિર્ગક વિસર્જન સ્થળોએ શુક્રવાર બપોર સુધી વિસર્જન ચાલ્યા હતા. શુક્રવાર બપોર સુધીમાં ૩૯,૦૦૦થી વધુ ગણેશમૂર્તિના વિસર્જન કરવામાં આવ્યા હતા.
મુંબઈ જ નહીં પણ સમગ્ર વિશ્ર્વમાં પ્રખ્યાત રહેલા લાલબાગચા રાજાની મૂર્તિની શોભાયાત્રા ગુરુવારે સવારે ૧૧.૩૦ વાગે શરૂ થઈ હતી. શુક્રવારે સવારના ૯.૧૫ વાગ્યાની આસપાસ ગિરગાંવ ચોપાટી પર અરબી સમુદ્રમાં તેમની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
ગણેશવિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો. પરંતુ જુહૂ બીચ પર ગુુરુવારે સાંજે ૪.૧૫ વાગ્યાની આસપાસ ૧૬ વર્ષના કિશોરનું વીજળી પડવાને કારણે દાઝી જવાથી મૃત્યુ થયું હતું.
આ દરમિયાન શુક્રવાર બપોર સુધીમાં કુલ ૩૯,૭૫૮ ગણેશમૂર્તિના વિસર્જન કરવામાં આવ્યા હતા, જેમાં ૩૨,૩૪૫ ઘરની મૂર્તિઓ હતી. તો ૬,૯૫૧ સાર્વજનિક ગણેશ મંડળોની મૂર્તિનો સમાવેશ થાય છે. કુલ ગણેશમૂર્તિના વિસર્જનમાંથી કૃત્રિમ તળાવમાં ૧૧,૧૦૭ ગણેશમૂર્તિના વિસર્જન કરવામાં આવ્યા હતા, જેમાં ઘરના ૧૦,૨૦૭, સાર્વજનિક ગણેશ મંડળના ૭૪૦ અને ૧૬૦ ગૌરી મૂર્તિના વિર્સજન કરવામાં આવ્યા હતા.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વગર વિધ્ને વિસર્જન પાર પડયું હતું, તે માટે શહેરમાં ૧૯,૦૦૦થી વધુ પોલીસ કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા હતા. તો શોભાયાત્રા પર નજર રાખવા માટે અલગ અલગ જગ્યાએ કંટ્રોલરૂમ ઊભા કરવામાં આવ્યા હતા.
મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈના જુદા જુદા નૈસર્ગિક વિસર્જન સ્થળો પર ૧,૩૩૭ લાઈફગાર્ડ તહેનાત કર્યા હતા, જેમાં ૬૯ નૈસિર્ગક વિસર્જન સ્થળો પર ૧,૦૩૫ લાઈફગાર્ડ અને ૨૦૦ કૃત્રિમ વિસર્જન સ્થળ પર ૩૦૨ લાઈફગાર્ડ તહેનાત કરવામાં આવ્યા હતા. તો નૈસર્ગિક સ્થળોએ ૫૩ મોટરબોટની વ્યવસ્થા કરી હતી.