ઉત્સવ

કોઈ અજાણ્યો તમારી વ્યથા ઉકેલી શકે ખરો?

સુખનો પાસવર્ડ -આશુ પટેલ

હમણાં એક હૃદયસ્પર્શી હિન્દી શોર્ટ ફિલ્મ એક મિત્રએ વોટ્સએપ પર મોકલાવી. પોતે તકલીફોમાંથી પસાર થઈ રહ્યો હોય એવો કોઈ સંવેદનશીલ માણસ અજાણી વ્યક્તિ માટે સુખના પાસવર્ડ સમો બની શકે એ મેસેજ પેલી ટૂંકી ફિલ્મમાં હતો. એ ફિલ્મે સંવેદનાના તાર ઝણઝણાવી દીધા એટલે વાચકમિત્રો સાથે એના વિશે વાત કરવાનું મન થયું.

એ ફિલ્મની શરૂઆતમાં એક યુવતી અત્યંત બેચેની સાથે સિગરેટ ફૂંકી રહી છે. એનો હાથ ધ્રૂજી રહ્યો છે. એ વખતે એક ડિલિવરી બોય ડોરબેલ વગાડે છે. યુવતી દરવાજો ખોલે છે એટલે ડિલિવરી કરવા આવેલો યુવાન કહે છે: ‘મેમ, તમારું પાર્સલ.’
યુવતી કહે છે કે ‘ભાઈ, મારે આ નથી જોઈતું.’

ડિલિવરી બોય કહે છે: ‘મેમ, જો તમારે ન જોઈતું હોય તો તમે જ્યાંથી ઓર્ડર કર્યું છે ત્યાં રિટર્ન રિક્વેસ્ટ મોકલી દો. રિટર્ન થઈ જશે, પણ અત્યારે તમારે લેવું પડશે.’
યુવતી કહે છે, ‘ઠીક છે, આપો.’

ડિલિવરી કરવા આવેલો યુવાન જુએ છે કે પેલી યુવતી એકદમ વ્યથિત છે. એ તરત જ કશુંક વિચારીને યુવતીને કહે છે કે ‘મને એક ગ્લાસ પાણી આપશો, પ્લીઝ?’

યુવતી અકળાઈને કહે છે: ‘ભાઈ, તમે બીજે ક્યાંક પાણી પી લેજો. અત્યારે તમે અહીંથી જાઓ.’
યુવાન કહે છે: ‘મને સખત તરસ લાગી છે. પ્લીઝ, એક ગ્લાસ પાણી પીવડાવી દો ને.’
યુવતી અનિચ્છાએ પાણીનો ગ્લાસ લેવા જાય છે. એ વખતે તે યુવાનનું ધ્યાન પંખામાં લગાવેલા ગાળિયા તરફ જાય છે.
યુવતી પાણીનો ગ્લાસ લઈને આવે છે અને
કહે છે: ‘લો પાણી.’
ડિલિવરીવાળો યુવાન પૂછે છે : ‘મેમ, તમારે કોઈ તકલીફ છે?’

યુવતી વધુ અકળાઈને પૂછે છે: ‘મતલબ!’
યુવાન કહે છે: ‘મતલબ કે તમને કોઈ પરેશાની છે?’

યુવતી કહે છે કે, ‘ભાઈ, તમે પાણી પીને ગ્લાસ આપો અને જાઓ અહીંથી.’
યુવાન કહે છે: ‘મેમ, નાના મોઢે મોટી વાત કહું છું. જો તમને કોઈ તકલીફ હોય તો તમે મને કહી શકો છો!’
‘ભાઈ, તમે પાણી પીને રવાના થઈ જાઓ. સમાજસેવક ન બનો!’
‘યુવાન કહે છે: મેમ, દુ:ખ વેચવાથી ઓછું થાય છે.’
યુવતી પૂછે: ‘અચ્છા! તમને કોણે કહ્યું કે હું દુ:ખી છું?’

‘મેમ, જો તમે દુ:ખી નથી તો પછી ગળાફાંસો ખાવા માટે પેલો ગાળિયો કેમ લટકાવેલો છે? મેમ, મેં સાંભળ્યું છે કે સુખ વેચવાથી વધે છે અને દુ:ખ વેચવાથી ઓછું થાય છે. મોટામાં મોટું દુ:ખ ઓછું થઈ જાય છે જો તમારી પાસે કોઈ સાંભળવાવાળું હોય…’
આ સાંભળીને યુવતી રડવા લાગે છે.

‘પ્લીઝ, રડો નહીં. જુઓ મને એ તો ખબર નથી કે તમને શું તકલીફ છે? પણ જો મને તમારી તકલીફ વિશે કહો તો કદાચ હું કોઈ રસ્તો કાઢી શકું.’

યુવતી કહે છે: ‘ના, કોઈ મારા માટે કશું નહીં કરી શકે. મારી પાસે હવે મરવા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી.’

મેમ, રસ્તો તો શોધવાથી મળશે ને? તમે એકવાર મને કહો તો ખરા. કદાચ હું જીવવાનો કોઈ રસ્તો શોધી આપું તમારા માટે.’
શું કામ કહું તને! ‘શું કરી લઈશ તું? મેં કીધું ને કે મારી મદદ કોઈ નહીં કરી શકે!’

યુવાન કહે છે: ‘મેમ, જો તમે મને નહીં કહો તો હું આમ પણ તમારા માટે કશું નહીં કરી શકું, પણ જો તમે મને તમારી તકલીફ વિશે વાત કરશો તો કદાચ હું કોઈ રસ્તો કાઢી શકું. અને જો કોઈ રસ્તો ન નીકળે તો તમે આમ પણ આત્મહત્યા કરવાના જ છો તો જતા પહેલાં તમારું દુ:ખ મને કહેતા જાઓ ને, પ્લીઝ.’

યુવતી કહે છે: ‘હું ઈએમઆઈના (લોનના હપ્તાઓના) ચક્કરમાં ફસાઈ ગઈ છું.’

ડિલીવરી બોય પૂછે છે: મતલબ? મેમ.’
યુવતી કહે છે કે, ‘થોડા વર્ષ પહેલાં એક કોર્સ માટે મેં એક લોન લીધી હતી. પછી થોડા સમય બાદ એ લોન ભરવા માટે બીજી એક લોન લેવી પડી. અને આ લોનનો સિલસિલો એમ જ ચાલતો રહ્યો. આ મોંઘવારીના સમયમાં પૈસાની જરૂરત તો બધાને હોય છે. મને પણ હતી. મેં પ્રાઈવેટ કંપની પાસેથી પણ લોન લીધી. વધુ વ્યાજ પર. અને હવે હું એ લોનના હપ્તાઓ ચૂકવી નથી શકતી.’
‘કેમ, મેડમ? તમારી પાસે નોકરી તો હશે ને?’

હું નોકરી કરતી હતી, પણ હું જે કંપનીમાં નોકરી કરતી હતી એ કંપનીએ મને એવું કહીને કાઢી મૂકી કે આર્થિક તકલીફને કારણે કંપની મને અને બીજા કર્મચારીઓને સેલરી નહીં આપી શકે.’
‘ઓહ, મેમ, તમે બીજી કોઈ કંપનીમાં જોડાઈ જાવ. ઘણી બધી કંપનીઓ છે.’

‘તને શું લાગે છે? મેં બીજી નોકરી નહીં શોધી હોય? ઘણી કોશિશ કરી, પણ અત્યારના સમયમાં નોકરી મળવી કેટલી મુશ્કેલ છે એની તારા જેવા ડિલિવરી બોયને શું ખબર?’

‘આઈ એમ સોરી, મેમ. કદાચ તમે સાચું કહો છો. મને આ વિશે કોઈ જાણકારી નથી.’

યુવતી કહે છે: નોકરી ગુમાવ્યા પછી લોનના હપ્તાઓનું પ્રેશર મારાથી સહન નથી થઈ શકતું. બેન્કમાંથી રોજ કોલ આવે છે ઈએમઆઈ ભરવા માટે. અને પ્રાઈવેટ કંપનીવાળા ફોન કરીને મને ભયંકર ધમકીઓ આપી રહ્યા છે. હું લોનના વિષચક્રમાં ફસાઈ ગઈ છું. હવે મારી પાસે સુસાઈડ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.’
‘મેમ, ઓપ્શન કેમ નથી? તમે આ વાત તમારા ઘરમાં કહી શકો છો. તમારા પિતાને કહી શકો છો.’

‘નહીં, હું આ વાત મારા પિતાને નથી કહી શકતી.’
‘કેમ?’
‘કારણ કે મારા પિતા નિવૃત્ત થઈ ગયા છે. તેમના પર ઘરની ઘણી જવાબદારી છે. એ મારા લગ્ન માટે પૈસા પણ ભેગા કરી રહ્યા છે. હું કયા મોઢે પૈસા માગું? મને ભણવા માટે, બહાર મોકલવા માટે એમણે સગાં-સંબંધીઓ પાસેથી કેટલું સાંભળ્યું હશે. અને હવે હું એમને મારા કરજ વિશે કહીશ તો લોકો શું કહેશે?’

યુવાન સવાલ કરે છે: ‘મેમ, તમારે પૈસા પિતા પાસેથી માગવાના છે કે લોકો પાસેથી?’
‘યુવતી જવાબ આપે છે: પિતા પાસેથી.’
‘ડિલિવરી બોય કહે છે: તો પછી લોકોની પરવા શા માટે
કરો છો? લોકોનું તો કામ જ બોલવાનું છે. એ તો કહેતા
રહેશે!’

યુવતી કહે છે: ‘પણ હું કયા મોઢે મારા પિતા પાસે જઈને તેમને આ બધું કહું? એમની પાસેથી કઈ રીતે પૈસા માગું? જે ઉંમરમાં મારે એમનો બોજ ઉતારવો જોઈએ, એમને સહારો આપવો જોઈએ એ ઉંમરમાં હું એમના પર જ બોજ કઈ રીતે બનું?’

વાત થોડી લાંબી છે એટલે આવતા રવિવારે પૂરી કરીએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button