ઘરકામ માટે મોડા આવેલા કિશોરને માલિકે બેરહેમીથી ફટકાર્યો
પાલઘર: ઘરકામ માટે ૧૩ વર્ષનો કિશોર મોડો આવતાં માલિકે તેને બેરહેમીથી ફટકાર્યો હોવાની ઘટના મનોર નજીક બની હતી. પોલીસે આરોપી માલિક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મનોર પોલીસના જણાવ્યા મુજબ ઘટના સોમવારે ખામલોલી વિલેજ ખાતે બની હતી. આરોપી રાજેન્દ્ર સીતારામ પાટીલ વિરુદ્ધ ચાઈલ્ડ લેબર ઍક્ટ, ધ બોન્ડેડ લેબર સિસ્ટમ ઍક્ટ, એસસીએસટી ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. એ સિવાય ભારતીય દંડ સંહિતાની કલમ ૩૨૩, ૫૦૬ અને ૫૦૪ હેઠળ પણ એફઆઈઆર નોંધાયો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર પાટીલ અને કિશોર એક જ ગામમાં રહે છે. અમુક વર્ષ પહેલાં કિશોરની માતાનું નિધન થયું હતું, જ્યારે તેના પિતા માંદગીથી પીડાય છે. કિશોર પાટીલના જ ઘરમાં રહેતો હતો અને તેને મહિને ૧,૧૦૦ રૂપિયાનું વેતન આપવામાં આવતું હતું.
૨૫ સપ્ટેમ્બરની સવારે કિશોર ગામમાં ગણપતિ દર્શન માટે ગયો હતો. માલિકના ઘરે તે પાછો ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં મિત્રો સાથે રમવા જોડાયો હતો, જેને કારણે તેને ઘરે પહોંચતાં મોડું થઈ ગયું હતું. આ વાતે રોષે ભરાયેલા પાટીલે તેને બેરહેમીથી ફટકાર્યો હતો. કિશોરે આ બાબતે પિતાને જાણ કરતાં પોલીસમાં ફરિયાદ
કરાઈ હતી. (પીટીઆઈ)