વેર-વિખેર – પ્રકરણ-૪૫
એનો પિત્તો જશે કે એ તો જમાઈને ગોળીએ દઈ દેશે. હા, પણ ગોળી મારશે કઈ રીતે? રિવોલ્વર તો ગાયબ છે…!
કિરણ રાયવડેરા
‘મમ્મી, મારે તારી સાથે વાત કરવી છે.’ રેવતીએ મમ્મીના બેડરૂમમાં પ્રવેશતાં કહ્યું.
‘અરે આવને બેટા, હું તો ખુદ તારી પાસે આવી હતી પણ તારો મૂડ બરાબર ન લાગ્યો એટલે પાછી આવી ગઈ.’ પ્રભાએ દીકરીને પલંગ પર બેસવા કહ્યું.
રેવતી પલંગની કોરે બેઠી. ક્યાંથી વાત શરૂ કરવી એની અવઢવમાં એ બેઠી રહી.
‘બેટા, તું મૂંઝાતી નહીં, માને તું બધું કહી શકે છે. ક્યારની મનમાં કોચવાયા કરે છે એના કરતાં કોઠો ખાલી કરી નાખ.’ માએ દીકરીની હિંમત વધારી.
‘મમ્મી, મને એક પ્રશ્નનો જવાબ આપીશ?’ રેવતીએ ડરતાં ડરતાં પૂછ્યું.
‘હા, હા,… બોલ બેટા…’
‘મમ્મી, પપ્પાએ વસિયતનામામાં અમારા બંનેનું નામ રાખ્યું છે?’
રેવતીએ ક્યારના હોઠ પર રમતા પ્રશ્નને બહાર ફગાવી દીધો.
પ્રભા સ્તબ્ધ થઈ ગઈ. આજે કરણે વસિયતનામા વિશે પૂછેલું.
વિક્રમે પણ પૂછી લીધું. હવે દીકરી પૂછતી હતી.
મજાની વાત તો એ હતી કે આજ સુધી પ્રભાને કોઈ દિવસ જગમોહનના વિલ બાબત વિચાર નહોતો આવ્યો. હવે દીકરીને જવાબ આપવામાં કાળજી લેવી પડશે. એક પણ આડોઅવળો શબ્દ બોલાશે કે હૈયું કાચની જેમ ફૂટી જશે.
‘રેવતી, સાચું પૂછ તો મેં પોતે વિલ જોયું નથી. તું જાણે છે તારા પપ્પાએ કોઈ દિવસ મને એ વિશે કહ્યું નથી.’ તારા પપ્પા આખા ગામની સાથે વાત કરશે પણ મારી વાત આવશે ત્યારે જૂની મૂક ફિલ્મના હીરો થઈ જશે. એકદમ ચૂપ. હું મોઢામાં આંગળાં નાખીને બોલાવીશ તો એકાક્ષરી ‘હા’ અથવા ‘ના’માં જવાબ આપ્યા કરશે.
પ્રભાએ ફરિયાદના સૂરમાં જણાવ્યું.
‘મમ્મી, તું મારા પ્રશ્નનો ઉડાઉ જવાબ આપે છે. તારે મને ન કહેવું હોય તો ના પાડી દે પણ આડીઅવળી વાત કરવાની જરૂર નથી.’
રેવતીને માઠું લાગી ગયું.
‘અરે ગાંડી, તું તારી મમ્મીને નથી ઓળખતી? હું કદી તારી સામે ખોટું બોલી શકું? સાચું કહું છું મને નથી ખબર. હા, પણ આજે અચાનક તને વસિયતનામું કેમ યાદ આવ્યું? તારા પપ્પા તારું નામ તો રાખે જ ને…’ પ્રભાએ દીકરીને સમજાવવાનો પ્રયાસ કર્યો.
‘મમ્મી, મને મારી ચિંતા નથી. પપ્પા મને ન ભૂલે એ મને ખબર છે પણ મને લાગે છે કે આપણે બધાએ મળીને એમને બહુ જ મોટો અન્યાય કર્યો છે.’
પ્રભાના પેટમાં ફાળ પડી.
રેવતી જતીનકુમારનો ઉલ્લેખ કરે છે એ એને સમજાઈ ચૂક્યું હતું.
પણ આજે અચાનક રેવતીનો હૃદયપલટો કેવી રીતે થયો?
જતીનકુમાર પ્રત્યે હમદર્દી કેવી રીતે જાગી ગઈ? મામલો થોડો નાજુક છે એટલે બહુ જ સાચવીને ફૂંકી ફૂંકીને પગલાં ભરવાં પડશે.
‘દીકરા, કયો અન્યાય? કોની સાથે? જમાઈ સાથે? આ તું શું બોલે છે દીકરી?’ પ્રભાએ પ્રેમાળ સ્વરે પૂછવાનું ચાલુ રાખ્યું.
‘હા, મા, મને આજે સત્ય સમજાયું છે. આપણે સમજીએ છીએ એવા એ નથી. એ મારો કેટલો ખ્યાલ રાખે છે. ઊલટું મને લાગે છે આપણે એમનું ધ્યાન નથી રાખ્યું. હમણાં સુધી પપ્પા એમને કોઈ ધંધામાં લગાડી શક્યા હોત.’ રેવતીનો અવાજ ભીનો થઈ ગયો.
ઓહ, તો જમાઈરાજે પહેલાં સાળાઓને ઊંધી પટ્ટી ભણાવી અને ત્યાં દાળ ન ગળી એટલે પત્નીને ઇમોશનલ સકંજામાં લીધી.
આ જમાઈ કરતાં તો જમ સારો.
‘એવું નથી દીકરા, તારા પપ્પાએ તો કેટલી કોશિશ કરી કે જતીનકુમાર ધંધામાં સ્થિર થઈ જાય. આ તો એમનાં નસીબ અવળાં કે કંઈ ગોઠવાયું નહીં.’ જતીનકુમારનાં લક્ષણ જ એવાં હતાં કે એ ક્યાંય ટકે એમ નથી એવું કહેવાની તીવ્ર ઇચ્છાને પ્રભાએ દબાવી દીધી.
‘મમ્મી, એ જે પણ હોય. હવે પપ્પા આવશે ત્યારે હું એમને કહીશ, તું પણ કહેજે મમ્મી. અમને જો અમારો ભાગ મળી જાય ને તો થોડીક મૂડી સાથે એ બિઝનેસ શરૂ કરી શકે. પપ્પા માટે પાંચ-દસ કરોડ રૂપિયાની ગોઠવણ કરવી એ તો રમત વાત છે. પણ હવે મારાથી એમનો સંતાપ નથી સહન થતો. એ બિચારા આપણી ચિંતામાં અડધા થઈ ગયા છે અને આપણે એમના વિશે કંઈ પણ નક્કી પગલાં લેતાં નથી.’ રેવતી ડૂસકાં ભરીને રડવા લાગી.
‘તું રડ નહીં દીકરા, તારા પપ્પાને હું પણ વાત કરીશ. તું ફિકર ન કર. આપણે કોઈ ને કોઈ રસ્તો જરૂર બહાર કાઢશું બેટા. ’ પ્રભાએ દીકરીની પીઠ પર હાથ પસવારતાં કહ્યું. જગમોહનને કહીને જતીનકુમારનો તાત્કાલિક રસ્તો કરવો પડશે. આ જમાઈ જેટલા દિવસ ઘરમાં રહેશે એટલા દિવસ ઘરનું વાતાવરણ વધુ ને વધુ ઝેરી થતું જશે.
જગમોહનને વાત કરવી પણ કેવી રીતે? એનો પિત્તો જશે કે એ તો જમાઈને ગોળીએ દઈ દેશે.
હા, પણ ગોળી મારશે કઈ રીતે?
રિવોલ્વર તો ગાયબ છે…
આ શું થવા બેઠું છે… પ્રભાએ નિસાસો નાખ્યો.
કરણને ક્યાંય ચેન નહોતું પડતું.
એવું લાગતું હતું જાણે કૈલાશે એક હાથે રૂપાનો હાથ પકડીને બીજા હાથે એને અંગૂઠો દેખાડી દીધો હોય. કરણ એના મકસદમાં કામિયાબ નીવડ્યો હતો.
રૂપાને અંદાજ પણ નહીં હોય કે કરણ કેવી યાતનામાંથી પસાર થતો હશે.
હવે શું કરવું? આપણું પ્રિય પાત્ર અણસમજુ હોય તો પ્રેમ ઓછો ન થાય. પીડા વધી જાય. પ્રેમ એ કોઈ લાઈટની સ્વીચ નથી કે ‘ઑફ’નું બટન દબાવો અને પ્રેમ બંધ થઈ જાય.
ઊલટું, આપણા પ્રિયજન વિના રહેવું વધુ ને વધુ અશક્ય થતું જાય.
કરણ અવઢ્વમાં હતો..હવે આ વાતનો અંત લાવવો જ પડશે. આજે સાંજના રૂપાને ફોન કરીને એ કહી દેશે કે મને આ બધું પસંદ નથી. મારી સાથે પરણવું હોય તો મને, મારા કુટુંબને જે ગમે તે જ કરવું પડશે.
શક્ય છે રૂપા માની જાય. ઘણી વાર સ્પષ્ટતા કર્યા વિના આપણે અમુક ભયમાં જીવતાં હોઈએ. એક વાર ચોખ્ખા શબ્દોમાં વાતની રજૂઆત થઈ જાય તો કદાચ બહુ જ સરળ રીતે ઉકેલ આવી શકે.
કરણને થોડી રાહતની લાગણી થઈ. બોજ હલકો થયો હોય એવું લાગ્યું. ઘણી વાર ચૂપ રહેવાની આદતને કારણે સમસ્યા વધી જાય છે. જે વસ્તુ આપણને ન ગમતી હોય એ વિશે આપણા વિચારો સ્પષ્ટ શબ્દોમાં કહી નાખવા જોઈએ. મનમાં જ વિચારીને હિજરાતા રહેવાનો કોઈ અર્થ નથી. કરણ ફરી સ્ફૂર્તિનો અનુભવ કરતો હતો. જાણે કોઈ આફત હાલ પૂરતી ટળી ગઈ હોય એવું લાગતું હતું.
આમેય એણે બોલતાં શીખવું પડશે. ચૂપ રહેવાથી લોકો એના વિશે ગેરમાન્યતાઓ બાંધી લે છે. પપ્પા, ભાઈ, બહેન બધાં સાથે વધુ વાચાળ નહીં તો સ્પષ્ટવક્તા તો બનવું જ પડશે.
ક્યાં જવું એ ન સૂઝતાં કરણ ઘરે ચાલ્યો આવ્યો. ચૂપચાપ પોતાના નવા કમરામાં ઘૂસી ગયો. કોઈને મળવાની ઇચ્છા નહોતી. પોતાના જ ઘરમાં એ સાવચેતીથી પ્રવેશ્યો હતો. ક્યાંક જમાઈરાજનાં દર્શન ન થઈ જાય.
એ પલંગ પર લાંબો થયો. એનો હાથ કોઈ વસ્તુ પર પડ્યો.
પપ્પાની ડાયરી… છેલ્લે એણે હજુ ડાયરી ઊઘાડી હતી ત્યારે જ રૂપાનો ફોન આવી ગયો હતો. ડાયરીને ત્યાં જ રાખીને એ રૂપા સાથે વાત કરવામાં મગ્ન થઈ ગયો હતો.
પપ્પાની ડાયરી વાંચવાથી કદાચ ચેન્જ મળશે.
કરણે ડાયરી ઊંચકીને વાંચવાનું શરૂ કર્યું.
પૂજા ઊઠી ત્યારે એનો હાથ અનાયાસે પલંગમાં વિક્રમની જગ્યા પર પડ્યો. વિક્રમ એની જગ્યાએ નહોતો.
વિક્રમ ક્યાં ગયો?
પૂજાએ યાદ કરવાની કોશિશ કરી કે એ ક્યારે સૂઈ ગઈ હતી. ડોક્ટર આચાર્યના ક્લિનિકથી આવ્યા બાદ પૂજા થાકીને ચૂર થઈ ગઈ હતી, શારીરિક તેમ જ માનસિક રીતે.
‘થોડી વાર આરામ કરી લે પૂજા, તું બહુ જ થાકી ગઈ છો…’ વિક્રમે સ્નેહથી એના માથે હાથ મૂક્યો હતો.
‘એક શરતે… તું હવે ઑફિસે પાછો નહીં જાય’ પૂજાએ પતિને લાડથી કહ્યું હતું.
‘પ્રોમિસ, હું ઑફિસે નહીં જાઉં…’ વિક્રમેે એને વચન આપ્યું હતું.
ત્યારબાદ એને ક્યારે ઊંઘ આવી ગઈ એ પૂજાને ખબર ન પડી. વિક્રમ પણ પાસે જ સૂતો હતો.
અચાનક જાગીને જોયું તો વિક્રમ એની જગ્યાએ નહોતો. પૂજાના ચહેરા પર નારાજગીના ભાવ ઊપસી આવ્યા. પત્ની ગમે તેટલો પ્રેમ કરે પણ પતિને લગ્નનાં અમુક વરસો બાદ પત્ની કરતાં કામ વધું ગમવા માંડે છે. પ્રોમિસ આપવા છતાંય વિક્રમ ઑફિસે પહોંચી ગયો લાગે છે.
પૂજા ઊભી થઈ અને બાથરૂમમાં જઈને મોઢું ધોયું. વોશ બેઝીનની સામેના અરીસામાં એણે પોતાનું પ્રતિબિંબ જોયું.
જિંદગીમાં પહેલી વાર આંખ નીચે કાળાં કુંડાળાં જોઈને એ વિહવળ થઈ ઊઠી. એણે કયાંક વાંચ્યું હતું કે માણસના સંજોગો, એના અનુભવો એના ચહેરાને ઘડે છે.
એનું જીવન સુખી હતું, એને કોઈ ફરિયાદ નહોતી. પ્રેમાળ સાસુ-સસરા હતા., જવાબદાર અને એના પર બધું ન્યોછાવર કરી શકે એવો પતિ હતો અને લાડકો દિયર હતો.
તો પછી ચહેરા પર આ કાળાં ધાબાં શા માટે?
બધાં કહે છે કે એની તબિયત ખરાબ રહે છે. દિયર કરણ કહે છે કે એને ઊંઘમાં ચાલતાં એણે જોઈ છે. શું નિદ્રામાં ચાલવાની બીમારી આટલી હદે અસર કરી શકે? જો આ બીમારી એટેલી ગંભીર હોત તો ડોક્ટર આચાર્યે એમને ચેતવ્યા હોત.
હા, એની એકસ્ટ્રા સેન્સરી પર્સેપ્શન શક્તિ વિશે ડોક્ટર થોડા મૂંઝાઈ ગયા હતા ખરા, એમને હાર્ટઍટેક આવ્યો ત્યારે કેટલા વિશ્ર્વાસથી કહેતા હતા કે જો હું મરવાનો હોત તો પૂજાએ પહેલાં જ કહ્યું હોત.
શું સાચે જ એ ભવિષ્યવાણી કરી શકે છે?
શું સાચે જ એની અંદર કોઈ ગેબી શક્તિ છે જેના આધારે એને અવારનવાર ભવિષ્યની ઘટનાનાં એંધાણ મળી જાય છે? પૂજા ડરી ગઈ.
શું એ ખરેખર એબ્નોર્મલ છે?
જો બધાંને ખબર પડી જશે તો કોઈ એની પડખે નહીં ચડે.
એબ્નોર્મલ વ્યક્તિને મિત્ર ન હોય.
પતિ હમણાં સહાનુભૂતિ દર્શાવે છે. જો આ બીમારી લાંબી ચાલી તો એ પણ અળગો થતો જશે. વારંવાર ભવિષ્ય ભાખનારી વ્યક્તિ કોઈને પણ અસ્વસ્થ કરી મૂકે.
પતિ કેટલો વખત એને સહન કરશે?
એને અચાનક વિક્રમ સાથે વાત કરવાની ઈચ્છા થઈ આવી એણે ફોન ઊંચકીને ઑફિસે ફોન લગાડ્યો.
‘વિક્રમ પ્લીઝ…’ સેક્રેટરી પૂજાના અવાજથી વાકેફ હતી.
‘સોરી, મેમ, વિક્રમ સર અહીં આવ્યા નથી. એમનો ફોન હતો કે એક જરૂરી એપોઈન્ટમેન્ટ માટે એમને જવું પડે છે એટલે ઑફિસે આવી નહીં શકે…’
ઓહ, તો વિક્રમ ઑફિસ પહોંચ્યો નથી.
પૂજાએ વિક્રમનો સેલ નંબર લગાડ્યો.
સેલ સ્વીચ્ડ ઑફ આવતો હતો.
વિક્રમ ક્યાં ગયો હશે? પૂજા ખુશ થતી હતી કે વિક્રમે એને આપેલું ઑફિસ ન જવાનું વચન પાળ્યું હતું. વિક્રમ ઑફિસ ગયો નથી એ તો નક્કી થઈ ચૂક્યું હતું.
પણ જો કોઈ અગત્યની એપોઈન્ટમેન્ટ હતી તો વિક્રમે એને કહ્યું કેમ નહીં?
ડોક્ટર આચાર્યની મુલાકાત લીધી ત્યારે તો વિક્રમે કોઈ એપોઈન્ટમેન્ટનો ઉલ્લેખ નહોતો કર્યો.
શું એના સૂઈ ગયા બાદ એપોઈન્ટમેઈન્ટ અંગે ફોન આવ્યો હશે?
એટલે કદાચ એની ઊંઘમાં ખલેલ ન પડે એ કારણે વિક્રમ ચૂપચાપ સરકી ગયો હશે.
અચાનક પૂજાએ માથું પકડી લીધું. એને ચક્કર આવતા હતા. એ ખુરશી પર ફસડાઈ પડી. ખુરશી પર ન બેસી ગઈ હોત તો એ ફર્શ પર પટકાઈ જાત. આંખ સામે જાણે ધુમ્મસ છવાઈ ગયું.
આ શું? પૂજાની આંખ સાને એક આકૃતિ ઊભરાવા લાગી. એક ચહેરો એની સામે ઊભરાતો હતો અને વળી ધુમ્મસમાં વિલીન થઈ જતો હતો.
કોની આકૃતિ હતી એ?
કોનો ચહેરો હતો એ?
પૂજા એ ચહેરાને ઓળખી ન શકી, પણ એને એ ખાતરી થઈ ચૂકી હતી કે એ ચહેરો કોઈ સ્ત્રીનો હતો.
કોણ હતી એ અજાણી સ્ત્રી?
ડાયરી વાંચતાં કરણની આંખો ઊભરાવા લાગી.
‘હું જગમોહન વ્રજલાલ દીવાન પૂરા હોશહવાશ સાથે જણાવું છું કે હું મારા જીવનથી કંટાળી ગયો છું એટલે મેં અંગત કારણોસર મારી જિંદગીને ટૂંકાવવાનો નિર્ણય લીધો છે. મારા આત્મહત્યાના નિર્ણય બદલ હું કોઈને જવાબદાર ગણતો નથી. આ મારો અંગત નિર્ણય છે અને એના માટે હું પોતે જ જવાબદાર છું.’
કરણ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.
પપ્પાને શા માટે આત્મહત્યાનો વિચાર કરવાની જરૂર પડી?
એમને શું દુ:ખ હતું?
મમ્મી સાથે વારંવાર બનતા અણબનાવને કારણે પપ્પાએ આવું પગલું ભરવાનું વિચાર્યું હશે?
એટલે જ કદાચ પપ્પાએ એની પાસેથી રિવોલ્વર મગાવી હશે. સારું થયું જમાઈરાજે આ ડાયરી વાંચી નહીં, નહીંતર જિંદગીભર બ્લેકમેલ કરતા રહેત.
પણ પપ્પાને અટકાવવા જોઈએ. કરણે ખિસ્સામાંથી સેલ કાઢ્યો અને પપ્પાનો નંબર લગાડ્યો. સામેથી જેવો પપ્પાનો અવાજ સાંભળ્યો કે કરણે ચીસ પાડીને પૂછ્યું:
‘પપ્પા, તમે શા માટે આત્મહત્યા કરવા માગો છો? (ક્રમશ:)