વીક એન્ડ

દરિયામાં લિપસ્ટિકનો ઠસ્સો કરતી માછલી…

નિસર્ગનો નિનાદ – ધર્મેન્દ્ર ત્રિવેદી

ગ્રેટ ગ્રાન્ડ મસ્તી નામની ફિલ્મના એક ગીતનો અંતરો છે લિપસ્ટિક લગા કે તેનું લુંટ લિયા વે . . . અખિયાં મિલા કે હાર્ટ એટેક દિયાં વૈ . . . સંસ્કૃત સાહિત્યમાં કુમાર સંભવમાં પાર્વતીજીના શણગાર સજવાનું અદ્દભુત વર્ણન છે. શૃંગાર સજવાની ભારતીય પરંપરાના પુરાવા આપણને આપણા સંસ્કૃત ગ્રંથોમાંથી મળી આવશે. કુંવારી ક્ધયાઓ અને પરિણીતાઓ કેવો સાજ
શણગાર કરતી તેનું પણ એક સાયન્સ હતું. લિપસ્ટિક માટે સંસ્કૃતમાં એક શબ્દ છે ‘ઓષ્ઠરાગ’. છે ને જબરું? આ ધોળી જનતા લિપસ્ટિકનું સંશોધન કરીને જાણે મોટું તીર માર્યું હોય એમ આપણને ગમાર ચીતરી દીધા છે. જસ્ટ થિંક બડી . . .

આ અંગ્રેજો જ્યારે સ્ત્રીઓને ‘કટીતાળા’ મારતા તેના સદીઓ પહેલા ભારતીય સ્ત્રીઓના શણગારમાં ‘લિપસ્ટિક’ હતી જ. કહેવાય છે કે ૧૬મી સદીમાં એટલે કે ૫૦૦ વર્ષો પૂર્વે રાણી એલિઝાબેથે લિપસ્ટિક શોધેલી, પરંતુ ભારતીય સંસ્કૃતિની વાત કરીએ તો ઇન્ડસ વેલી અને સુમેરિયન સંસ્કૃતિમાં બિફોર ક્રાઈસ્ટ ૫૦૦૦માં સ્ત્રીઓ સોપારીના પાન ચાવીને અને લાલ માટી, અળતો લગાવીને પ્રાકૃતિક લિપસ્ટિક કરતી . . . અમે જ મોડર્ન . . . માય ફૂટ . . .

ઓકે તો શું આજે આપણે માત્ર લિપસ્ટિક, અંગ્રેજો અને તેમની આધુનિકતાના દાવાની પોકળતા અંગે જ વાત કરવાની છે? નારે ના . . . ભૂમધ્ય સાગરમાં આવેલા પેરૂ અને ગાલાપાગોસના દરિયામાં તળિયે ફેલાયેલી રેતીમાં એક ઓગકોસેફાલસ ડાર્વિની નામની રૂપાળી રૂપાળી માછલી રહે છે . . . રૂપાળી? હા રૂપાળી, કારણ કે આ માછલીબેન પોતાના બલમાને અથવા તો શિકારને આકર્ષવા માટે હોઠ પર લિપસ્ટિક લગાવે છે. આ તે વળી કેવું? હા ઓગકોસેફાલસ ડાર્વિનીના હોઠ લાલ ચટ્ટાક હોય છે એટલે આપણને લાગે કે આ માછલીબેન જાણે બનીઠનીને લિપસ્ટિક લગાડીને પોતાના સાજનને શોધી રહ્યા છે. પણ આ માછલીબેનનું નામ સાલું જબરું વાયડું છે . . . ઓગકોસેફાલસ ડાર્વિની? હકીકતે તેમની ફોઈબા હોવાને નાતે તેની શોધ કરનારા વૈજ્ઞાનિકોએ જ તેનું આવું નામ પાડેલું છે. તેનું પ્રચલિત નામ છે રેડ લીપ્ડ બેટ ફિશ. હા, વિશ્ર્વભરના સમુદ્રોમાં મળતી બેટફિશ નામની માછલીઓની અનેક પ્રજાતિઓમાંની આ એક જાતિ છે.
બેટફિશની વિશ્ર્વભરમાં કુલ મળીને આશરે ૬૦ જાતિઓ જોવા મળે છે, પરંતુ રેડ લીપ્ડ બેટ ફિશ મેડમ માત્ર ગાલાપાગોસના અને ક્યારેક ક્યારેક પેરુના દરિયામાં જ જોવા મળે છે. તો તેનું આવું નામ શા માટે પડ્યું એ પણ જાણવા જેવું છે. ચાર્લ્સ ડાર્વિનની ઉત્ક્રાંતિવાદની થિયરીનો જન્મ ગાલાપાગોસનાં ચિત્ર-વિચિત્ર પ્રાણીઓને જોઈને જ થયેલો. તેથી ડાર્વિનને આદર આપવા માટે આ અનોખા જીવના નામમાં ડાર્વિની નામ જોડી દેવામાં આવ્યું છે.

તો ચાલો મિત્રો, હવે જોઈએ લિપસ્ટિક વાળી આ દરિયાઈ રૂપાળી રાધાની થોડી વિશેષતાઓ. વૈજ્ઞાનિકોએ જ્યારે આ માછલીને પ્રથમવાર જોઈ ત્યારથી આજદિન સુધી તેના ઘણાં અભ્યાસો કર્યા, પરંતુ આ માછલીએ પોતાના હોઠ લાલ ચટ્ટાક શા માટે બનાવ્યા છે તે અંગે કોઈ તર્કબદ્ધ કે તથ્યબદ્ધ મુદ્દો શોધી શકાયો નથી. ત્યારે પણ અને આજે પણ, આ માછલીનો અભ્યાસ કરતાં મરીન બાયોલોજીસ્ટ્સ લાલ હોઠના મુદ્દે માથુ ખંજવાળે છે. એક તારણ એવું છે કે દરિયાને તળિયે જીવનસાથીને આકર્ષવા માટે તેણે પોતાના શરીરમાં આવી ઉત્ક્રાંતિ લાવી હોઈ શકે.

સામાન્ય માછલીઓની જેમ આપણી ‘લાલ ‘હોઠાળી’ દરિયામાં મનફાવે ત્યાં તાર્યા કરતી નથી, પરંતુ તે બોટમ ડવેલર છે, મતલબ કે તે સમુદ્રના તળિયે રેતીમાં અને કોરલ્સમાં ફર્યા કરે છે. દરિયામાં તે સામાન્ય રીતે સાડા નવથી લઈને અઢીસો ફૂટની ઊંડાઈ પર જોવા મળે છે. ઘણા કિસ્સાઓમાં આ માછલી લગભગ સાડા ત્રણસો ફૂટની ઊંડાઈ સુધી ડૂબકી મારતી પણ જોવા મળે છે. મજાની એક વાત એ છે કે માછલી હોવાના નાતે તરવા માટે તેને પાંખો તો છે, પરંતુ આ પાંખોનઓ તેણે અનોખો ઉપયોગ શોધી કાઢ્યો છે.

સમુદ્રના તળિયે જ મેટિંગ પાર્ટનર અને ખોરાક બન્ને શોધવાના હોવાના લીધે આ માછલીઓ પોતાની તરવાની પાંખોનો પગ તરીકે ઉપયોગ કરીને સમુદ્રના તળિયે ચાલતા શીખી ગઈ છે!
માછલી એટલે શિકારી પણ હોય અને તેનો શિકાર પણ થતો હોય, પરંતુ વૈજ્ઞાનિકોનું માનીએ તો આપાણી રેડ લીપ્ડનો કોઈ શિકારી નથી. એનું કારણ એ છે કે મોટા ભાગના દરિયાઈ શિકારી જીવો સપાટી આસપાસ હોય છે અને આટલી ઊંડાઈ પર તેનો શિકાર કરવા જનારા જીવો નથી. પરંતુ તેમ છતાં આ લાલ મોઢાળીના અસ્તિત્વ પર જોખમ તો છે જ . . . એને શેનું જોખમ ? તો મિત્રો ક્લાઈમેટ ચેન્જ, ઓઝોનમાં પડેલા ગાબડાં અને દરિયાઈ પાણીના બદલાઈ રહેલા રાસાયણિક સંયોજનોના કારણે આપણા આ માછલીબા જે કોરલ્સમાં ફુલેફાલે છે તેનું બ્લીચિંગ થઈ રહ્યું છે. બ્લીચિંગ એટલે કોરલ્સ સફેદ પડતાં જાય અને મૃત્યુ પામે. આ બ્લીચિંગના કારણે પણ આપણા આ માછલીબેન પર ધર્મસંકટ આવી પડ્યું છે.

રેડ લીપ્ડ માછલીના લાલ હોઠની ઉપર એક નાનું એવું સૂંઢ જેવુ અંગ છે. અલ્યા આ માછલાંને વળી સૂંઢનું શું કામ હોય?’ તો આ જ પ્રશ્ર્ન વૈજ્ઞાનિકોને પણ થાય છે, પરંતુ એક માત્ર
અનુમાન એ છે કે રેડ લીપ્ડ ફિશ પોતાની ‘ઇલિસિયાં’ નામે ઓળખાતી આ સૂંઢ શક્ય છે કદાચ શિકારને છેતરીને આકર્ષિત કરવા માટે વાપરતી હોઈ શકે.

દરિયાને તળિયે રહેતી હોય, બહુ સ્પીડમાં તરી ન શકતી હોય એવી તમામ માછલીઓ, ઇલેક્ટ્રિક ઈલ અને દરિયાઈ સાપ જેવા સમુદ્રી જીવોએ પોતપોતાની બચાવની યુક્તિઓ શોધી કાઢી છે, પરંતુ રેડ લીપ્ડ બેટક ફિશ ઉર્ફે આપણી લાલ મોઢાળીને આવા કોઈ ઉપાય કરવાની જરૂર પડી નથી, અને તેથી જ માનવ માટે તે જરાય ખતરો નથી ઊભો કરતી. આપાણી આજની હિરોઈનનું કદ લગભગ આઠેક ઈંચનું હોય છે.

આપણે વાતવાતમાં કુદરતની કમાલની વાત કરીએ છીએ, પરંતુ કુદરતની કમાલ માત્ર સિંહોની ગર્જનામાં, મોરના નાચવામાં, સુંદર ગાતી કોયલના નર હોવામાં જ થોડી છે, આપણી આસપાસ કે દરિયાની ઊંડાઈમાં નજર નાખીએ તો પણ આપણને કુદરતની કમાલ લિપસ્ટિક લગાડીને લટકમટક ફરતી દેખાશે…

Show More

Related Articles

Back to top button
તમારા છોટુની હાઈટ વધારવી છે? ઘરમાં થાય છે સાસુ-વહુના ઝઘડા? રસોડામાંથી તાત્કાલિક દૂર કરો આ વસ્તુઓ… આ શું થયું એફિલ ટાવર, તાજમહેલ અને લંડનના બ્રિજને? ફોટો જોશો તો… Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ…