માર્કસ ગાર્વે – ક્લેમેન્ટ – હેરી હુડિની મૃત્યુ આ રીતે પણ દસ્તક દઈ શકે!
ક્લેમેન્ટ વેલેન્ડિઘેમ, હેરી હુડિની, માર્કસ ગાર્વે
ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક
હમણાં, ૧૭ ઓગસ્ટે એક મહાનુભાવની બર્થ- ડે ગઈ. એનું નામ માર્કસ ગાર્વે. ભારતીયો તો આ નામ ન જાણતા હોય, પણ કાળી ચામડીના લોકો માટે સંઘર્ષ કરનાર વ્યક્તિ તરીકે માર્કસ ગાર્વે વિશ્ર્વભરમાં ઠીક ઠીક જાણીતા છે.
મૂળે તો એની ખ્યાતિ બ્લેક નેશનાલિસ્ટ તરીકેની. કાળી ચામડીના આ રાષ્ટ્રવાદીએ ૧૯૧૪માં યુનિવર્સલ નિગ્રો ઈમ્પ્રુવમેન્ટ એસોસિએશન (UNIA) ની સ્થાપના કરેલી. સંગઠનનો મૂળ હેતુ આફ્રિકી અમેરિક્ધસ લોકોમાં પોતાની સંસ્કૃતિ વિશે ગૌરવ પેદા કરવાનો. જો અમેરિકામાં રહેતો કોઈ આફ્રિકન પોતાના વતન એટલે કે કોઈ આફ્રિકન દેશમાં પાછો ફરવા માગે તો માર્કસ ગાર્વેનું સંગઠન એને બને એટલી મદદ કરતું. આફ્રિક્ધસને આર્થિક ટેકો આપવા માટે ગાર્વેએ બ્લેક સ્ટારલાઈન નામની બીજી એક સંસ્થા પણ શરૂ કરેલી. નિગ્રો-હબસી લોકોને ફરીથી આફ્રિકા લાવવા માટે ગાર્વે એટલા ઉત્સુક હતા કે એમણે પશ્ર્ચિમ આફ્રિકાના લાઇબેરિયા નામક દેશની સરકારને ખાસ જમીન ફાળવવા માટે વિનંતી કરેલી. જો લાઇબેરિયા જમીન ફાળવે તો માર્કસ ગાર્વે અનેક આફ્રિકી અમેરિક્ધસને આફ્રિકા ખંડમાં પુન:સ્થાપિત કરવાની મંશા ધરાવતા હતા. જો કે લાઇબેરિયાએ આવી કોઈ જમીન ફાળવી નહોતી.
હવે માર્કસ ગાર્વે વિષે આટલી માહિતી મેળવ્યા બાદ જો તમને કોઈ પૂછે કે બોલો, આ શખ્સ કઈ રીતે મર્યો હશે?
-તો મોટા ભાગના લોકો કહેશે કે કોઈકે રંગદ્વેષના ચક્કરમાં આ કાળા રાષ્ટ્રવાદીની હત્યા કરી નાખી હશે, અ પોલિટિકલ મર્ડર પણ ના, એવું નહોતું. હકીકતે માર્કસને પોતાની આ ઝુંબેશમાં ધારેલી સફળતા નહોતી મળી. બીજા બ્લેક લીડર્સ જેટલી લોકપ્રિયતા મેળવવામાં ય એ પાછળ પડ્યા. પોતાની ઝુંબેશમાં મળેલી નિષ્ફળતાઓ અને એક વાર આવી ગયેલા સ્ટ્રોકના હુમલાને કારણે માર્કસ અંતિમ વર્ષોમાં બહુ એક્ટિવ નહોતા. દરેક નામી નેતાઓ સાથે બને છે એમ લોકો પણ એમને ભૂલતા ગયા હશે એટલે જ જ્યારે માર્કસ ગાર્વે નામક કોઈક વ્યક્તિના મૃત્યુના સમાચાર આવ્યા, ત્યારે લોકોએ કયો માર્કસ ગાર્વે એવી ઝાઝી ખરાઈ કર્યા વિના જ આપણા આ બ્લેક નેશનાલિસ્ટના સરનામે ધડાધડ શોકસંદેશાઓ મોકલવા માંડ્યા.
હવે થયું એવું કે મૃત્યું પામનાર માર્કસ તો કોઈક બીજી જ વ્યક્તિ હતી, પણ અચાનક પોતાના જ મૃત્યુ અંગેના શોક સંદેશાઓનો ખડકલો થઇ ગયો એ જોઈને અસલી માર્કસ ગાર્વેને ભયંકર આઘાત લાગ્યો :
“હાય હાય, હું જીવતો બેઠો છું, છતાં આટલી મોટી સંખ્યામાં લોકોએ મારા મરશિયા ગાઈ નાખ્યા? આ આઘાત એટલો ગંભીર નીવડ્યો કે માર્કસ ગાર્વે ઉપર સ્ટ્રોકનો બીજો હુમલો આવ્યો, જે જીવલેણ નીવડ્યો. આ વખતે માર્કસ ખરેખર ગુજરી ગયા! આમ પોતાના માટે લખાયેલા શોક સંદેશા વાંચીને આઘાતથી ગુજરી જનાર વ્યક્તિ તરીકે માર્કસનું નામ ઇતિહાસમાં નોંધાઈ ગયું!
ફિલ્મ મેરી જંગમાં વકીલ બનેલો હીરો અનિલ કપૂર પોતાના ક્લાયન્ટને બચાવવા માટે ભરી અદાલતમાં સાચુકલું ઝેર ખાઈ જાય છે. કેસમાં વિજેતા જાહેર થયા બાદ વકીલ સાહેબ પોતાના ડોક્ટર મિત્રની મદદથી બચી જાય છે. લેકિન યે તો ફિલ્લમ હૈ, રિયલ લાઈફમાં આવું ગાંડપણ કરાય? એક વકીલે ખરેખર આ જ પ્રકારનું કંઈક કરી નાખેલું. નામ એનું ક્લેમેન્ટ વેલેન્ડિઘેમ (Clement L. vallandigham સ્પેલિંગ, ખાસ કરીને અટકના ઉચ્ચાર બાબતે ભૂલચૂક લેવીદેવી.) અમેરિકન ગૃહયુદ્ધ વખતે આ ક્લેમેન્ટભાઈએ રાજકારણમાં પણ નસીબ અજમાવી જોયું. અબ્રાહમ લિંકનના એ કટ્ટર વિરોધી. ક્લેમેન્ટ કહેતા કે આ તમારો લિંકન નાગરિક સ્વાતંત્ર્ય તો લઇ જ લેશે, પણ સાથે સાથે બંધારણનો પણ નાશ કરશે! એની વે, આપણને ક્લેમેન્ટના રાજકારણ સાથે નહિ પણ એમની વકીલાત સાથે જ લેવાદેવા છે. ક્લેમેન્ટે એક વકીલ તરીકે પોતાના ક્લાયન્ટને બચાવવા (ભૂલથી) જે કર્યું એ બીજા કોઈ વકીલે ભાગ્યે જ કર્યું હશે! થયું એવું કે ક્લેમેન્ટના અસીલને કોઈક સાથે ઝગડો થઇ ગયેલો. એમાં સામેવાળી પાર્ટીએ રિવોલ્વર ખેંચી કાઢી, પણ ખેંચવામાં ગફલત થઇ અને ગોળી છૂટી ગઈ. એમાં એ રિવોલ્વરવાળા ભાઈ પોતે જ મૃત્યુ પામ્યા, પણ કોર્ટમાં સાબિત કઈ રીતે કરવું કે મરનાર વ્યક્તિ પોતાની જ ગોળીથી મર્યો અને ક્લેમેન્ટનો અસીલ નિર્દોષ છે?
સામા પક્ષના વકીલે આ જ પ્રશ્ર્ન ભરી અદાલતમાં કર્યો. “મિસ્ટર ક્લેમેન્ટ, શું તમે સાબિત કરી શકો છો કે રિવોલ્વરની ગોળી રિવોલ્વર ચલાવનારને પોતાને જ કઈ રીતે વાગી શકે? ક્લેમેન્ટ સાહેબ તો આ વાત સાબિત કરવા આતુર હતા એટલે એમણે કોર્ટ સમક્ષ, બરાબર પેલા મરનાર વ્યક્તિની માફક જ પોતાની કમરે રિવોલ્વર બાંધી અને પછી એને ખેંચી કાઢીને આખી ઘટનાનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપ્યું. બાહોશ વકીલ ક્લેમેન્ટ એક જ બાબતે ગોથું ખાઈ ગયા. આખો સીન ભજવતા પહેલા એ રિવોલ્વર અન-લોડ કરવાનું ભૂલી ગયેલા! પરિણામે અદાલતમાં ઘટનાને રિ-ક્ધસ્ટ્રકટ કરતી વખતે ખરેખર-સાચુકલી ગોળી છૂટી ગઈ અને ક્લેમેન્ટ વેલેન્ડીઘેમ ખુદ માર્યા ગયા ! કોર્ટમાં વધુ કશું સાબિત કરવાની જરૂર જ નહોતી એટલે કોર્ટે ક્લેમેન્ટના અસીલને બાઇજજત બરી કર્યો. બોલો, આ કળિયુગમાં કયો વકીલ પોતાના અસીલ માટે આવું કરે ?! કાયદાના ઇતિહાસમાં ક્લેમેન્ટ જેવું મૃત્યુ ભાગ્યે જ કોઈ બીજું નોંધાયું હશે!
હવે ફિલ્મ નસીરુદ્દીન શાહની ફિલ્મ હીરો હિરાલાલ યાદ કરો. એમાં નસીરુદ્દીન એક લાઈવ- શો દરમિયાન લિક્વિડ ભરેલી કાચની ટ્યુબમાં ડૂબીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરે છે. આવા ખેલ પાછળનો મૂળ વિચાર વિશ્ર્વના મહાન જાદુગરોમાં સ્થાન પામતા હેરી હુડિનીનો. હુડિની હાથ પગ બાંધેલી હાલતમાં પાણી ભરેલા કાચના પાત્રમાં ઊતરતો અને ડૂબી જવાને બદલે હેમખેમ બહાર આવી દેખાડતો. લાઈવ – શો જોઈ રહેલા પ્રેક્ષકો આ કરતબ નિહાળીને અવાક થઈ જતા હુડિની કઈ રીતે આ કરતબ કરતો એનું રહસ્ય લોકોને જડતું નહોતું. અને પછી એક દિવસ મહાન હુડિની ગુજરી ગયો. કારણ બહુ વિચિત્ર હતું. પાણીમાં ઊતરીને જોખમી સ્ટંટ કરવા ટેવાયેલા હુડિનીનું શરીર બહુ મજબૂત હતું. ૫૨ વર્ષની ઉંમરે પણ એના સ્નાયુઓ અફલાતૂન કન્ડિશનમાં કાર્યરત હતા. એવું કહેવાતું કે હુડીનીના સ્નાયુઓ એટલા મજબૂત છે કે જો કોઈ એના પેટમાં જોરદાર મુક્કો મારે તો ય હુડિનીને કોઈ અસર ન થાય. એક વાર કેટલાક યુવાન વિદ્યાર્થીઓ આ મહાન જાદુગરની મુલાકાતે આવ્યા.
એ વખતે હુડિનીને પગમાં કંઈક સમસ્યા હતી, એટલે એ પોતાની આરામખુરસી પર આડો પડેલો. વાત વાતમાં પેલા યુવાનો પૈકી એકે પૂછ્યું, કે શું કોઈ તમને પેટમાં મુક્કો મારે તોય તમે ખમી ખાવ, એ વાત સાચી છે? હુડિનીને આ સાંભળી પોરસ ચડ્યું. એણે તરત જોસેલીન વ્હાઈટહેડ નામના પેલા યુવાનને જાતે જ મુક્કો મારીને ખાતરી કરી લેવાનું આમંત્રણ આપી દીધું. જો કે આવું કહેતી વખતે એ ભૂલી ગયો કે પોતે પહેલા આરામખુરસીમાંથી ઊભા થઈને વ્યવસ્થિત ખડા થઈ જવું જોઈએ ને એ પછી જ મુક્કાનો પ્રહાર ખમી શકાય.
બીજી તરફ વ્હાઈટહેડને તો મહાન જાદુગરના પેટમાં મુક્કો મારવાની તક મળી એટલે ભાઈને શૂર છૂટ્યું ને ઝાઝું સમજ્યા વગર એણે હતું એટલું જોર કાઢીને બે-ચાર મુક્કા ઝીંકી દીધા! અચાનક પેટ પર થયેલા આ પ્રહારોથી ખુદ હુડિની બેવડ ખાઈ ગયો..
એણે સામેથી હાથ ધરીને વ્હાઈટફિલ્ડને રોકવો પડ્યો. આ આખી ઘટના વ્હાઈટફીલ્ડ સાથે આવેલા બીજા બે યુવાને પાછળથી જાહેર કરેલી. હુડિનીની જરાસરખી બેકાળજી જીવલેણ સાબિત થઇ. બે દિવસ સખત દુખાવો રહ્યા બાદ એણે ડોક્ટરને બતાવ્યું. ખબર પડી કે પેટમાં સોજો છે અને એપેન્ડીસાઈટીસની સમસ્યા થઇ ગઈ છે. અહીં હુડિનીએ બીજી ભૂલ કરી. પરિસ્થિતિને અવગણીને એ ૧૦૨ ડિગ્રી તાવ સાથે શો કરવા ગયો. શો પરથી એને સીધો હોસ્પિટલ લઇ જવાની નોબત આવી, જ્યાં ડોક્ટર્સે મહાન જાદુગર હુડિનીને મૃત જાહેર કર્યો! પોતાની ચોકસાઈને કારણે દર વખતે મોતના મોંમાંથી પાછો ફરતો હુડિની, સાવ નાખી દીધા જેવી બેફિકરાઈને કારણે માર્યો ગયો !
આ પણ વિધિની એક વક્રતા જ છેને ?!