વીક એન્ડ

હવે વિશ્વ્ યુદ્ધ થશે સિલિકોન ચિપ માટે

કવર સ્ટોરી – પ્રથમેશ મહેતા

જો કોઈ પ્રશ્ર્ન પૂછે કે ‘હવે પછીનું વિશ્ર્વ યુદ્ધ શેના માટે થશે?’, તો થોડાં વર્ષો પહેલા ઘણા લોકોએ દેશની સરહદો, પેટ્રોલ અથવા પાણી કહ્યું હશે. પરંતુ છેલ્લા એક દાયકામાં એક ગુપ્ત યુદ્ધ શરૂ થઈ ગયું છે અને તે છે ‘ચિપ વોર’. આજે ટેકનોલોજી આપણી આસપાસ કોમ્પ્યુટર, સ્માર્ટફોન, કાર, કેમેરા, સોશિયલ મીડિયા એપ્સ અને હવે તો એઆઇ પણ છે. જેના વિના આ બધું બિલકુલ ન થઈ શકે તે છે ‘સિલિકોન ચિપ્સ’! બાળકોના રમકડાંથી લઈને સૌથી ભયાનક પરમાણુ શસ્ત્રો સુધી બધામાં ચિપ્સ આવે છે.

કોરોના રોગચાળા દરમિયાન, જ્યારે ટેક્નોલોજી અને રિમોટ વર્કએ નોકરીઓ બચાવી હતી અને ટેલિમેડિસિન અને રસીઓએ ઘણા લોકોના જીવન બચાવ્યા હતા, ત્યારે આ ચિપ્સે તે બધામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. પરંતુ તે જ સમયે, તેનો પુરવઠો ઓછો થવાને કારણે તેની સપ્લાય ચેન ખોરવાઈ ગઈ હતી. ઘણા દેશોએ કોમ્પ્યુટર, કાર અને અન્ય ઈલેક્ટ્રોનિક સામાનની અછત અનુભવી હતી.

તે જ સમયે, ક્રિસ મિલરની “ચિપ વોર આ પુસ્તક પ્રકાશિત થયું હતું, જેમાં ચિપ ઉદ્યોગના ઉદય અને તેના વિકાસના મોટા ભૌગોલિક રાજકીય અસરોનું વર્ણન કરવામાં આવ્યું હતું.

૧૯૭૦ના દાયકામાં, ઇન્ટેલ કંપનીના પ્રખ્યાત ગોર્ડન મૂરએ અંદાજો લગાવ્યો કે એક સિલિકોન ચિપ પર એન્જિનિયરો જેટલા ટ્રાન્ઝિસ્ટર ફિટ કરી શકે તેની સંખ્યા દર બે વર્ષે બમણી થશે. એટલે કે આ ચિપ્સની સ્પીડ દર બે વર્ષે બમણી થશે. આશ્ર્ચર્યની વાત એ છે કે આટલા દાયકાઓ પછી પણ આ નિયમ લાગુ પડે છે. ૬૦ વર્ષ પહેલાં એક ચિપ પર ચાર ટ્રાન્ઝિસ્ટર ફિટ થઈ શકતા હતા, આજે અગિયારથી બાર અબજ ફિટ થઈ શકે છે, જેના કારણે આજે વિશ્ર્વ સુપર કોમ્પ્યુટરથી પણ આગળ વધી ગયું છે. જ્યાંથી આ બધી પ્રગતિ શરૂ થઈ, તે વિસ્તારને ‘સિલિકોન વેલી’ નામ મળ્યું.

હાલમાં, સિલિકોન વેલીનું નામ લઈએ એટલે ગૂગલ, ફેસબુક, ટેસ્લા, ઉબેર, એમેઝોન વગેરે કંપનીઓ નજર સમક્ષ તરી આવે છે, પરંતુ આ ક્ષેત્ર વિશે જાણવા માટે તેનો અભ્યાસ કરવો એટલે સમુદ્રના શાંત પાણી તરફ જોઈને ઓશનોગ્રાફીનો અભ્યાસ કરવા જેવો છે. આજકાલ આ સિલિકોન – સમુદ્રના પેટમાં ભારે ઊથલપાથલ ચાલી રહી છે. આ ક્ષેત્ર હાલમાં (ઐતિહાસિક અને વર્તમાન) એટલા બધા મહત્ત્વપૂર્ણ વિષયોને આવરી રહ્યો છે તે જોઈને લાગે કે તેના પર ફિલ્મ બનવી જોઈએ. આમાં આંતરરાષ્ટ્રીય ટેકનોલોજી સ્પર્ધા છે, વિશ્ર્વ રાજકારણ છે, આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે અથવા તેના પર નિયંત્રણો છે. બસ આ બધું યોગ્ય રીતે હેન્ડલ થયું છે કે નહીં તેમાં વિશ્ર્વ યુદ્ધ થવાની અથવા અટકાવવાની શક્તિ પણ છે.

આગામી પાંચ વર્ષમાં વૈશ્ર્વિક સેમિક્ધડક્ટર માર્કેટ વાર્ષિક પાંચ ટકાથી વધુ વૃદ્ધિ પામશે, જે કુલ આઠસો બિલિયનથી એક ટ્રિલિયન ડૉલર સુધી પહોંચશે. ટૂંક સમયમાં જ વિશ્ર્વની દરેક મોટી અર્થવ્યવસ્થામાં જીડીપીના ૨૦ ટકા વ્યવસ્થા ‘ડિજિટલી અનેબલ્ડ’ થઈ જશે, એટલે કે તેમને ચિપ્સની જરૂર પડશે. એટલે કે આગામી દાયકામાં આવનારી ‘સિલિકોનોમી’ની શરૂઆત છે. તેથી જ વિશ્ર્વની સૌથી મોટી માર્કેટ કંપની ૩ કંપનીઓમાં એનવીઇન્ડિયા ચિપ કંપની પહોંચી ગઈ છે.
જો આજે એક સામાન્ય ચિપ બનાવવી હોય, તો તે ‘આર્મ’ની ડિઝાઇન પર આધારિત છે, જે જાપાનની માલિકીની અને બ્રિટનમાં સ્થિત કંપની છે. તેમના એન્જિનિયરો મુખ્યત્વે યુએસ અને ઇઝરાયેલમાં સ્થિત છે. તે ડિઝાઇન માટે જરૂરી સોફ્ટવેર યુએસથી આવે છે, જેમાંથી કેટલાક સેંટર ભારતમાં પણ છે. પછી તે અંતિમ ડિઝાઇન ઉત્પાદન માટે તાઇવાન મોકલવામાં આવે છે. આ ડિઝાઈન ડચ કંપની તરફથી આવે છે. ચિપ્સ પછી અંતિમ ઉત્પાદન એસેમ્બલી માટે ચીન મોકલવામાં આવે છે. પછી ત્યાંથી કમ્પ્યુટર, સ્માર્ટફોન, કાર અને અન્ય ઉપકરણોનું ઉત્પાદન અને નિકાસ કરવામાં આવે છે.

વિશ્ર્વમાં દર વર્ષે અબજો ચિપ્સમાંથી, એકલા તાઇવાનમાંથી લગભગ ૪૦ ટકા નવી ચિપ્સ તૈયાર થાય છે.

માત્ર બે કોરિયન કંપનીઓ વિશ્ર્વની ૪૪ ટકા મેમરી ચિપ્સ બનાવે છે, અને માત્ર એક ડચ કંપની તેના માટે જરૂરી ૧૦૦ ટકા મશીનો બનાવે છે. આ બધું દર્શાવે છે કે આ સપ્લાય ચેઇનની “મુખ્ય નસ એશિયામાંથી પસાર થાય છે અને તેનાં કેન્દ્રો મોટાભાગે ચીન અને તાઇવાનમાં છે.

અમેરિકાનો ચિપ્સ એક્ટ

પ્રમુખ બિડેનની સરકારે આ સર્વવ્યાપક ચિપ્સનું ઉત્પાદન અમેરિકામાં પાછું લાવવા માટે ૨૦૨૨ માં ચિપ્સ એક્ટ દ્વારા મોટા રોકાણો અને સબસિડીની જાહેરાત કરી હતી. થોડા સમય પછી, ઘણી કંપનીઓએ અમેરિકન સેમિક્ધડક્ટર મેન્યુફેક્ચરિંગમાં લગભગ ૫૦ ડૉલર બિલિયનના વધારાના રોકાણની જાહેરાત કરી. ઇન્ટેલ, માઇક્રોન, ક્વોલકોમ, ગ્લોબલ ફાઉન્ડરી વગેરે જેવી ઘણી કંપનીઓને આમાં કોન્ટ્રાક્ટ મળ્યો છે. જો કે આ બધાનો હેતુ આગામી દાયકામાં મેમરી ચિપના ઉત્પાદનમાં યુએસ માર્કેટ શેર વધારવાનો અને યુએસમાં નવી નોકરીઓ લાવવાનો છે, પરંતુ મુખ્ય હેતુ આવી મહત્ત્વપૂર્ણ સપ્લાય ચેઇનને એકવાર ચીન અથવા અન્ય દેશોને સોંપવામાં આવતા અટકાવવાનો જ છે.

ગયા ઘણાં વર્ષોથી ‘એઆઇ’ પ્રભુત્વ માટે અમેરિકા અને ચીન વચ્ચે ભારે સ્પર્ધા છે. નવા સંશોધન પત્રો અને તેમના નવા બેન્ચમાર્ક સાથે, બજાર દર મહિને સી – સો ની જેમ ઉપર નીચે થઈ રહ્યું છે. એઆઇને તાલીમ આપવા માટે વિશાળ ડેટાની જરૂર પડે છે. યુએસ અને પશ્ર્ચિમી દેશોમાં.

પ્રાઇવસી રેગ્યુલેશનને કારણે તે સાર્વજનિક રૂપે ઉપલબ્ધ નથી. તેનાથી વિપરિત, ચીનમાં, જેમ સરકાર કહે તે કાયદો હોવાથી ત્યાં ઘણા લોકોનું ટ્રેકિંગ થાય છે, તેનો ઉપયોગ એઆઇ તાલીમ માટે થાય છે અને તે ટેક્નોલોજી આગળ વધે છે. જેમાં સોશિયલ મીડિયા, સિક્યોરિટી એપ્સ, ફિટનેસ એપ્સ અને કેન્સર રિસર્ચ જેવી હેલ્થ એપ્લિકેશનનો સમાવેશ થાય છે. તેથી, અમેરિકન કંપનીઓની ચિપ્સનો ઉપયોગ કરીને, ચીની વૈજ્ઞાનિકોએ એઆઇ ટેક્નોલોજી મેળવી છે જે તેમનાથી આગળ છે. આ માત્ર કોમર્શિયલ ટેક્નોલોજી સેક્ટરમાં અમેરિકા માટે મોટો ખતરો નથી, પરંતુ તેનાથી આગળ, એઆઈ સંચાલિત સૈન્યમાં જીવન અને મૃત્યુનો મુદ્દો પણ છે. તેથી, બિડેન સરકારે અમેરિકન કંપનીઓને તેમની નવીનતમ ચિપ્સ ચીનને મોકલવા પર પ્રતિબંધ મૂક્યો છે. ઉપરાંત, કોરોના મહામારી પછી ચીનની સપ્લાય ચેઇનની ભૂખને જોઈને આ બધું અટકાવવું જોઈએ, એના પર પશ્ર્ચિમી દેશોએ નવી રીતે ભાર મૂક્યો છે. આથી અમેરિકા અને અન્ય સહયોગી દેશોએ આ સપ્લાય ચેઈનને ચીનમાંથી તુરંત બહાર લઈ જવા અથવા ઓછામાં ઓછા તે સંદર્ભે કોઈ વિકલ્પ શોધવાની તેમની મુખ્ય નીતિ બનાવી છે. ભારત, વિયેતનામ અને અન્ય દેશો આ વર્ષથી જ તેના મોટા લાભાર્થીઓ બનવાની અપેક્ષા છે.

વિશ્ર્વની સૌથી મોટી લોકશાહી તરીકે, ભારતનું આંતરરાષ્ટ્રીય વજન છે, અને અમેરિકાના શાસકોને તેના લોકો સમક્ષ રજૂ કરવા માટે સરમુખત્યાર ચીનની સરખામણીમાં ભારત માટે તે એક મુખ્ય મુદ્દો છે.

કારણ કે ભારત હજુ પણ ઉત્પાદન ક્ષેત્રે મુખ્ય ઉત્પાદક નથી, પરંતુ મુખ્યત્વે એક વિશાળ ઉપભોક્તા બજાર છે, અમે હવે ભારત સરકાર દ્વારા “મેક ઇન ઈન્ડિયા જેવી પહેલો સાથે આશાનું કિરણ જોઈ રહ્યા છીએ. ભારતમાં એપલના આઇફોનનું ઉત્પાદન આ વર્ષે ૧૪ બિલિયન ડોલરથી વધુની ઊંચી સપાટીએ પહોંચ્યું છે. વિશ્ર્વમાં વેચાતા દર સાત ફોનમાંથી એક આઇફોન આજે ભારતમાં ઉત્પન્ન થાય છે જે કુલ ઉત્પાદનના લગભગ ૧૫ ટકા છે અને ૨૦૨૫ સુધીમાં આ આંકડો વધીને ૨૫ ટકા થવાની ધારણા છે. આ ચોક્કસપણે એક મોટી પ્રગતિ છે.

સેમિક્ધડક્ટર સેક્ટર આઇફોન કરતાં એટલું મોટું છે કે જો યોગ્ય પગલાં લેવામાં આવે તો તે આપણા દેશની ટ્રેન્ડ ડેફિસિટ (વેપાર ખાધ)ને સરભર કરવાની ક્ષમતા ધરાવે છે, પરંતુ આ ક્ષેત્ર પણ એટલું જ પડકારજનક બનવાનું છે. સારી વાત એ છે કે ભારત સરકારે આ ક્ષેત્રને વ્યૂહાત્મક તરીકે જાહેર કરી દીધું છે અને લગભગ દસ અબજ ડૉલરની રેન્જમાં ઘણી સબસિડીનું વચન આપ્યું છે. ગયા વર્ષે જ્યારે ભારતીય વડા પ્રધાન વ્હાઇટ હાઉસની મુલાકાતે ગયા હતા, ત્યારે ભારતમાં સપ્લાય ચેઇન સ્થાપિત કરવા માટે ભારત અને યુએસ વચ્ચે ઘણા એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. માઈક્રોન કંપનીએ ગુજરાતમાં લગભગ ત્રણ અબજ ડૉલરના પ્લાન્ટની જાહેરાત કરી છે. એએમડી રોકાણ કરવા માગે છે, અને ફોક્સકોન પહેલેથી જ ત્યાં તેના ઉત્પાદન આધારને વિસ્તૃત કરી ચૂકી છે. આ બાબતોમાં સમય લાગશે, પરંતુ આ એક સારી શરૂઆત છે.

તાઇવાનની મુખ્ય ટીએસએમસી હાલમાં વૈશ્ર્વિક ચિપ ઉત્પાદનમાં લગભગ ૬૦ ટકા બજાર હિસ્સો ધરાવે છે, અને ત્યાં પહોંચવામાં તેમને બે દાયકા લાગ્યા.

ગ્લોબલાઈઝેશનને કારણે, અન્યત્ર આ વિશિષ્ટ કૌશલ્યોનો અભાવ હવે વિશ્ર્વવ્યાપી સમસ્યા બની ગઈ છે. યુએસમાં ઇન્ટેલનો ફોનિક્સ પ્લાન્ટ પણ આ જ સ્કિલ ગેપની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. તેથી ભારતે ધીરજ રાખવાની જરૂર છે. પરંતુ તેને અવગણવાથી ચાલશે નહિ. આ કૌશલ્યના વિકાસ માટે વર્ષો સુધી પ્રયત્નો કરવા પડે છે, પરંતુ તે પ્રાપ્ત કર્યા પછી પણ ત્યાં અટકી રહેવાનું નથી, તેના બદલે પોતાના સ્વદેશી સંશોધન કરીને આ વિજ્ઞાનને આગળ વધારવું પડશે. ચીને પણ છેલ્લા ત્રીસ વર્ષમાં મેન્યુફેક્ચરિંગમાં આવું જ કર્યું છે. તેઓ સસ્તા કારખાના તરીકે શરૂ થયા હતા પરંતુ આજે અત્યાધુનિક મેન્યુફેક્ચરિંગ ટેક્નોલોજીમાં કોઈ તેમની નજીક આવી શકતું નથી. આ ઉપરાંત, ચિપ્સ ફાઉન્ડ્રી માટે ઘણાં વિશિષ્ટ મશીનો અને ઇલેક્ટ્રોનિક ડિઝાઇન સાધનોની જરૂર પડે છે. આ સંદર્ભે, ભારત સરકાર દ્વારા કરવામાં આવેલ રોકાણ અને સબસિડી યોગ્ય માર્ગ પર છે. હવે ભારતીય સ્ટાર્ટઅપ્સ તેનો લાભ લે તે અનિવાર્ય છે. આગામી કેટલાક દાયકાઓમાં, ભારતને સાચા અર્થમાં વિશ્ર્વની સિલિકોન વેલી અને વૈકલ્પિક રીતે મહાસત્તા બનવાની તક છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button