આમચી મુંબઈમહારાષ્ટ્રસ્પોર્ટસ

દારા સરને ભાવભરી ભાવપૂર્ણ અંજલિ: સ્પોર્ટ્સ પત્રકાર તરીકે નિષ્ઠાવાન અને મુંબઈ ક્રિકેટમાં અમૂલ્ય યોગદાન

અજય મોતીવાલા

મુંબઈ: મુંબઈના જાણીતા ખેલકૂદ પત્રકાર, ‘મુંબઈ સમાચાર’ના ભૂતપૂર્વ સ્પોર્ટસ એડિટર અને મુંબઈ ક્રિકેટમાં અમ્પાયર તરીકે તેમ જ વહીવટમાં બહુમૂલ્ય યોગદાન આપનાર સદ્ગત દારા પોચખાનાવાલાને શુક્રવારે સ્પોર્ટ્સ જર્નલિસ્ટ્સ અસોસિયેશન ઑફ મુંબઈ (એસજેએએમ) દ્વારા હાર્દિક શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. વાનખેડે સ્ટેડિયમ ખાતેના પી.ડી. હૉલમાં આયોજિત પ્રાર્થના સભામાં પત્રકારો અને દારા સાહેબના જૂના મિત્રો તેમ જ મુંબઈ ક્રિકેટ અસોસિયેશન (એમસીએ)ના સૌથી યુવાન પ્રમુખ અજિંક્ય નાઇક, જોઇન્ટ સેક્રેટરી દીપક પાટીલ તથા અન્ય વહીવટકારો તેમ જ સ્કોરર્સ, અમ્પાયર્સે મુંબઈ ક્રિકેટના ગોલ્ડ-મેડલિસ્ટ અમ્પાયર તેમ જ ઘણા વર્ષો સુધી એમસીએની મૅનેજિંગ કમિટીમાં મેમ્બર તરીકે સેવા આપનાર દારા સરના સદગુણોને યાદ કરીને તેમને અંજલિ આપી હતી.

એમસીએમાં અનેક હોદ્દા પર સેવા આપ્યા બાદ બીસીસીઆઇના પ્રથમ ચીફ ઍડ્મિનિસ્ટ્રેટીવ ઑફિસર (સી.એ.ઓ.) બનનાર પ્રોફેસર રત્નાકર શેટ્ટીએ કહ્યું હતું કે ‘દારા પોચખાનાવાલાને અંજલિ આપવાની સાથે તેમણે મેળવેલી સિદ્ધિઓ અને મુંબઈ ક્રિકેટને આપેલી સેવા બદલ તેમના ગુણોને બિરદાવીને સેલિબ્રેશન કરવાનો આ સમય છે એમ કહી શકાય. 1981માં તેમણે સહયોગીઓની મદદથી મુંબઈમાં એશિયાની સૌપ્રથમ ડે/નાઇટ ક્રિકેટના આયોજન સંબંધમાં અમારો (વહીવટકારોનો) સંપર્ક કર્યો હતો ત્યારે પહેલી વાર તેમને મળવાનું થયું હતું.

ત્યારે હું તેમને અને વિખ્યાત કૉમેન્ટેટર સુરેશ સરૈયાને મળ્યો હતો અને તેમની (શ્રી દારા)ની ક્લબ ફોર્ટ યંગસ્ટર્સ ક્લબ તથા બ્લુ સ્ટાર ક્રિકેટ ક્લબ વચ્ચે ત્યારે ઐતિહાસિક ડે/નાઇટ મૅચ રમાઈ હતી. દારા પોચખાનાવાલાએ તેમના સમયમાં ઘણા વર્ષો સુધી પત્રકારોના ઍક્રિડિટેશન કાર્ડ બાબતમાં અરજીઓ કલેક્ટ કરવા ઉપરાંત તમામને કાર્ડ આપવા સુધીની આખી પ્રક્રિયામાં એમસીએને સાથ આપ્યો હતો અને માનદ હોદ્દે રહીને તેમણે નિ:સ્વાર્થ ભાવે એમસીએને અને મુંબઈ ક્રિકેટને મદદ કરી હતી. તેઓ વ્યાવસાયે પત્રકાર હતા, પણ ક્રિકેટ પ્રત્યેની તેમની નિષ્ઠા અજોડ હતી.’

એસજેએએમના પ્રમુખ અને જાણીતા સ્પોર્ટ્સ પત્રકાર જી. વિશ્ર્વનાથે ત્રણ દાયકા સુધી શ્રી દારાએ પત્રકારોના, અમ્પાયરોના, સ્કોરર્સના અને કોચના અસોસિયેશનોને સમર્પણની ભાવના સાથે જે સેવા આપી હતી એને યાદ કરતા કહ્યું હતું કે ‘હરહંમેશ પ્રસન્નચિત ચહેરામાં જોવા મળતા દારાના સદગુણો યુવા ક્રિકેટરો માટે હંમેશાં પ્રેરણારૂપ રહેશે.’

આ પણ વાંચો: પૂર્વ PM અટલ બિહારી વાજપેયીની આજે પુણ્યતિથિ, રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ

એમસીએના નવા પ્રમુખ અજિંક્ય નાઇકે દારા સરને અંજલિ આપતા કહ્યું, ‘ક્રિકેટની રમત પ્રત્યે ગજબનું પૅશન ધરાવતા દારા સરનું મુંબઈ ક્રિકેટના વહીવટ અને સંચાલનને સરળ બનાવવામાં મોટું યોગદાન છે. યુવા ખેલાડીઓને તેઓ જે રીતે પ્રેરણારૂપ થયા એના પર પુસ્તક પ્રગટ કરવામાં આવશે.’

મુંબઈમાં વર્ષોથી કરાટેની તાલીમ આપવા માટે જાણીતા ક્યોશી સેન્સેઇ રાજેશ ઠક્કરે દારા સાહેબને અંજલિ આપતા કહ્યું, ‘1984માં હું જાપાનથી કરાટેમાં મોટી સિદ્ધિ મેળવીને ભારત પાછો આવ્યો ત્યારથી માંડીને અત્યાર સુધી હું અને દારા સર સતત સંપર્કમાં રહેતા હતા. અમે રૂબરૂ ન મળ્યા હોય કે ફોન પર વાતચીત ન કરી હોય એવું એક પણ અઠવાડિયું નહોતું ગયું. સાંઈ બાબાના ભકત દારા સરનું મારી બાવન વર્ષની કરીઅરમાં અપ્રતિમ યોગદાન છે.’

જાણીતા સ્પોર્ટ્સ પત્રકાર એસ. એસ. રામાસ્વામીએ કહ્યું, ‘દારા દરેક કામમાં ખૂબ ચીવટ રાખતા. તેઓ પ્રેસ ક્લબની સ્ક્રૂટિની કમિટીમાં હતા ત્યારે નવા મેમ્બરની ભરતી સમયે તેઓ અરજીઓની બારીકાઈથી ચકાસણી કરતા અને અરજીકર્તાના ઇન્ટરવ્યૂ પણ લેતા હતા.’

દારા સરે 1981માં આયોજિત કરેલી એશિયાની સૌપ્રથમ ડે/નાઇટ મૅચ સમયની ફોર્ટ યંગસ્ટર્સ ટીમના કૅપ્ટન ધ્રુવ મહેતાએ કહ્યું, ‘1970ના દાયકામાં મને યુવાવસ્થા દરમ્યાન દારા સર પાસેથી ક્રિકેટની બાબતમાં ઘણું નવું શીખવા અને જાણવા મળ્યું હતું અને એ શીખ મને મારા અંગત જીવનમાં મદદરૂપ થઈ છે. ફોર્ટમાં રહેતા દારા સરની ફોર્ટના ખેલાડીઓને ટીમ-સિલેક્શનથી માંડીને ક્રિકેટના નિયમો સહિતની અનેક બાબતોમાં ઘણું શીખવા મળ્યું છે.

તેઓ અમારી સાથે વર્ષો સુધી જોડાયેલા હતા એને અમે અમારું સૌભાગ્ય માનીએ છીએ.’ ધ્રુવ મહેતાએ 1981ની ફોર્ટ યંગસ્ટર્સ ટીમના ખેલાડી રાજીવ કાપડિયાનો શોક સંદેશ વાંચી સંભળાવ્યો હતો જેમાં તેમણે કહ્યું, ‘દારા સરની વિદાય સાથે એક યુગ આથમી ગયો એવું અમે બધા માનીએ દૃઢપણે છીએ.’

મરીન સ્પોર્ટ્સના થીઓ બ્રૅગાન્ઝાએ દારા સાહેબને અંજલિ આપતા કહ્યું, ‘તેઓ નિયમો અને બંધારણના ચુસ્ત આગ્રહી હતા. ‘મુંબઈ સમાચાર’માં સ્પોર્ટ્સના સમાચાર અને લેખ લખવા કરતાં પણ વધુ તેઓ ક્રિકેટની રમત સાથે જોડાયેલા હતા એમ કહીએ તો ખોટું નથી.’

આ પણ વાંચો: Partition Horrors Remembrance Day: વડા પ્રધાન મોદી અને અમિત શાહે ભાગલાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપી

પીઢ સ્કોરર દીપક જોશીએ દારા સર માટેના શોક સંદેશમાં કહ્યું, ‘તેમને પહેલી વાર 1987માં મળવાનું થયું હતું. 1990ના દાયકામાં તેઓ પત્રકારોના, સ્કોરર્સના, અમ્પાયરોના અને કોચ (પ્રશિક્ષકો)ના અસોસિયેશન સાથે સંકળાયેલા હતા. કોઈ પણ કામમાં તેમની નિષ્ઠા અજોડ હતી. તેઓ વિનમ્ર સ્વભાવના તેમ જ સામેવાળાનું સન્માન જાળવનારા અને પ્રશંસા પણ કરનારા હતા.’

મુંબઈના જાણીતા પિચ ક્યુરેટર અને હવે બીકેસી સાથે સંકળાયેલા નદીમ મેમણે દારા પોચખાનાવાલાને ‘મૈદાન મૅન’ તરીકે ઓળખાવતા કહ્યું, ‘તેઓ અમ્પાયરિંગ સહિત તમામ પ્રકારના કામ પ્રત્યે સમર્પિત હતા. નિયમો અને શિસ્તના આગ્રહી દારા સરે સ્થાનિક ક્રિકેટમાં સ્પર્ધા યોજવા સહિત અનેક સ્તરના અને ગુજરાતી, મરાઠી, દક્ષિણ ભારતીય વગેરે અનેક ભાષાના યુવા ખેલાડીઓને ક્રિકેટ કિટ આપવા સહિતની મદદ કરી હતી.’

સ્પોર્ટ્સ-પત્રકાર અમિત શાહે કહ્યું, ‘આજે હું જે કંઈ છું એ બદલ દારા સરનો આભારી છું. સ્પોર્ટ્સના સમાચાર કેવી રીતે લખવા એનાથી માંડીને કેવા પ્રકારના સમાચાર કેટલા બનાવવા ત્યાં સુધીની તાલીમ મને તેમની પાસેથી મળી હતી. સ્કૂલ-કૉલેજ ક્રિકેટના ક્ષેત્રથી મેં જર્નલિઝમની શરૂઆત કરી અને પછી તો તેમની મદદથી સ્કોરરની ભૂમિકા પણ ભજવી હતી. તેમની પાસેથી મને ઘણું શીખવા મળ્યું હતું.’

મુંબઈ સ્પોર્ટ્સ મીડિયા સાથે સંકળાયેલા ગોર્ડન ડિ’કોસ્ટાએ દારા સરને કડક સ્વભાવના શિક્ષક જેવા પ્રતિભાશાળી વ્યક્તિ તરીકે ગણાવતાં કહ્યું, ‘પોતાના કાર્ય પ્રત્યે નિષ્ઠાવાન દારા સાહેબની વિદાયનું દુ:ખ છે, પણ તેમના કાર્યોને વાગોળીને સેલિબ્રેટ કરવાનો આ સમય પણ છે. તેમનો આત્મા જ્યાં પણ હશે એ માટે તેમને હાર્દિક શુભેચ્છા. ઈશ્ર્વર તેમના આત્માને પરમ શાંતિ આપે એ જ પ્રાર્થના.’

મરાઠી પત્રકાર સુભાષ હરચેકરે દારા સરને નિયમોના આગ્રહી અને તમામ પત્રકારોને સદા મદદરૂપ થનાર તથા સ્થાનિક સ્પર્ધાઓને અગ્રતા આપનાર હસ્તી તરીકે ઓળખાવ્યા હતા.

એસજેએએમના સેક્રેટરી અને જાણીતા સ્પોર્ટ્સ જર્નલિસ્ટ ક્લેટન મુર્ઝેલોએ થોડા જ દિવસ પહેલાં દારા સરને મળ્યા ત્યારે તેમણે (દારા સરે) 1981માં એશિયાની સૌપ્રથમ ડે/નાઇટ મૅચનું મુંબઈમાં જે સુંદર અને સફળ આયોજન કર્યું હતું એની ચર્ચા કરી હતી.

આ પણ વાંચો: Kevadiya શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જતાં ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત, કરી આ માંગ

દારા સરે વર્ષો પહેલાં પોતાની ફોર્ટ યંગસ્ટર્સ ક્લબ વેચીને લાખો રૂપિયા પોતાની એ ક્લબના મેમ્બર્સમાં વહેંચી દીધા (ડોનેટ કરી દીધા) હતા એ વિશે પૂછાતાં મુર્ઝેલોને તેમણે કહેલું, ‘સારું વાવો અને સારું લણો.’ સારું કર્મ કરો અને સામેથી પણ સારા કર્મની અપેક્ષા રાખો એવો દારા સરનો હેતુ વ્યક્ત કરવાની સાથે તેમણે પ્રવચન પૂરું કર્યું હતું અને દારા સરની યાદમાં બે મિનિટ મૌન પાળીને શોક સભાનું સમાપન થયું હતું.

વાનખેડે સ્ટેડિયમ ખાતેના પી. ડી. હૉલમાં સ્વ. દારા પોચખાનાવાલાને અંજલિ આપવા એસજેએએમ દ્વારા આયોજિત પ્રાર્થના સભામાં ઉપસ્થિત (જમણેથી) એમસીએના પ્રમુખ અંજિક્ય નાઇક, પીઢ વહીવટકાર પ્રો. રત્નાકર શેટ્ટી, ઍપેક્સ કાઉન્સિલના મેમ્બર થતા આગામી ચૂંટણી માટેના સેક્રેટરીના હોદ્દાના ઉમેદવાર અભય હડપ, એમસીએના જોઇન્ટ સેક્રેટરી દીપક પાટીલ તથા પિચ ક્યુરેટર નદીમ મેમણ. એસજેએએમના પ્રમુખ જી. વિશ્ર્વનાથ સહિત અનેક જણે દારા સરને અંજલિ આપતું સંબોધન કર્યું હતું. (અમય ખરાડે)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button