આજે દેશ શું હોત જો ગાંધીજી ન હોત…?
કવર સ્ટોરી -લોકમિત્ર ગૌતમ
એવો વિચાર તો કોઈ મૂર્ખ પણ ન કરી શકે કે જો ગાંધીજી ન હોત તો આપણને આઝાદી ન મળત. વીસમી સદીમાં,ખાસ કરીને બે બે વિશ્ર્વયુધ્ધો પછી સામ્રાજ્યવાદનું ભવિષ્ય અંધકારમય હતું. આ વિશ્વયુદ્ધોમાં સામ્રાજ્યવાદ પણ ધ્વસ્ત થઇ ગયો હતો. જેમ એ સમયે દુનિયાના બીજા ડઝન જેટલા ગુલામ દેશોને મળી હતી એમ આપણને આઝાદી તો મળવાની જ હતી, એમાંથી કોઈની પાસે ગાંધીજી જેવી કોઈ વ્યક્તિ નહોતી. આમ પણ ભારતમાં આઝાદીની લડાઈ ગાંધીજીએ શરુ નહોતી કરી. ગાંધીજી જયારે આ લડતનો હિસ્સો બન્યા, ત્યાં સુધીમાં આપણે આપણી આ લડતનો અડધાથી પણ વધારેનો પ્રવાસ પૂર્ણ કરી ચુક્યા હતા. ગાંધીજી આ લડતમાં ૧૯૧૫ માં જોડાયા હતા, ત્યાં સુધીમાં ભારતીયોને તેમની આઝાદીની લડત લડતા ( જો ૧૮૫૭ ને સ્વતંત્રતા સંગ્રામ માનીએ) અડધી સદીથી પણ વધારે સમય થઇ ચુક્યો હતો અને અત્યાર સુધીમાં આ લડત એ મુકામ પર પહોંચી ચુકી હતી કે સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા વગર પૂરી થવાની જ નહોતી. એટલે કે ગાંધીજી ન હોત તો પણ આઝાદી મળત, પરંતુ આપણે દુનિયાની નજરમાં ન આવત જે ગાંધીજીને કારણે આવ્યા.
અહિંસા ફક્ત પુસ્તકોમાં જોવા મળત.
મોહનદાસ કરમચંદ ગાંધી નામક વ્યક્તિ જો દુનિયામાં અવતરિત ન થયા હોત તો,આજે અહિંસા ફક્ત પુસ્તકોમાં જોવા મળત. કેમકે અહિંસાની ધારણા કે અહિંસાનું દર્શન ગાંધીજીનું દર્શન નહોતું. દુનિયામાં આ ધારણા કે એનું દર્શન ગાંધીજીના આવ્યા પહેલાથી હતું. “અહિંસા પરમો ધર્મ ” અહિંસા સૌથી મોટો ધર્મ છે, જૈન ધર્મનો મૂળ મંત્ર છે અને એ હજારો વર્ષોથી છે. પરંતુ કેટલાક હિન્દુ ધર્મશાસ્ત્રોમાં તો એથી પણ પહેલાથી અહિંસાનો વિસ્તૃત ખ્યાલ આપ્યો છે, ‘અહિંસા સર્વથા-સર્વદા સર્વભૂતાનમનભિદ્રોહરૂ’ એટલે કે હિન્દૂ શાસ્ત્રો પ્રમાણે અહિંસા સર્વથા અને સર્વદા (મન,વાચા અને કર્મ) બધા પ્રાણીઓ સાથે દ્રોહનો અભાવ છે. કહેવાનું તાત્પર્ય છે કે કોઈપણ પ્રાણી સાથે ક્યારે દ્રોહ ન હોય.
પરંતુ ગાંધીજી પહેલા અહિંસાની આ બધી ધારણા પુસ્તકોમાં હતી અથવા સંતો અને બાબાઓના પ્રવચનો સુધી સીમિત હતી. ગાંધીજીએ અહિંસાને વ્યવહારિક દર્શનમાં જ નહીં પરંતુ પરિણામ આપનાર રાજનૈતિક દર્શનમાં ફેરવી દીધું. રાજનીતિ જેવી કપટી દુનિયામાં પણ અહિંસા જેવો વ્યવહારિક સિદ્ધાંત હોઈ શકે, ગાંધીજીએ એ કહીને નહીં પણ કરીને બતાવ્યું. આ જ કારણ છે કે આજે અહિંસાનો વિચાર કરતા મહાવીર સ્વામી કે હિન્દુ શાસ્ત્ર યાદ નથી આવતા પરંતુ ગાંધીજીની છબી નજર સામે આવી જાય છે. જયારે પણ અહિંસાની વાત થાય ત્યારે ગાંધીજી યાદ આવે છે. આ જ છે ગાંધી હોવાનો મતલબ.
આપણે નૈતિક મહાશક્તિ ન બનત
દુનિયાના ઇતિહાસમાં પહેલા એવું ક્યારેય નહોતું બન્યું કે કોઈ ગુલામ દેશે દુનિયાના રાજમત ને પ્રભાવિત કર્યો હોય. પરંતુ મહાત્મા ગાંધી જેવી વ્યક્તિને લીધે ભારત આઝાદી પહેલા પરતંત્ર હોવા છતાં દુનિયાનો એક મહત્વપૂર્ણ દેશ હતો. આ મહાત્મા ગાંધીની પોતાની નૈતિક તાકાત હતી કે સામ્રાજ્યવાદી બ્રિટનના એક એકથી ચઢિયાતા લોકોએ ગાંધીજી સામે ઝૂકવું પડતું હતું. દુનિયાને બતાવવા માટે જ ભલે તેઓ આવું કરતા હોય, પરંતુ એમણે ગાંધીજીનું સન્માન કરવું પડતું હતું: કેમકે આખી દુનિયાના રાજનેતા, લેખક, ધર્મશાસ્ત્રી,અને ત્યાં સુધી કે વૈજ્ઞાનિકો પણ ગાંધીજીનું સન્માન કરતા.
તે બધા ગાંધીજીના ચમત્કારિક વ્યક્તિત્વથી પ્રભાવિત હતા અને એમનું આ ચમત્કારિક વ્યક્તિત્વ નૈતિકતાનાં મૂલ્યોથી બન્યું હતું. આશ્ર્ચર્યની વાત કહેવાય કે ગાંધીજીએ એવું કોઈ ચમત્કારિક દર્શન, એવો કોઈ ચમત્કારિક વિચાર નહોતો આપ્યો કે જેનાથી તમે અંજાઈ જાઓ એને જોવા અને સાંભળવા લાગો. ગાંધીજી સેંકડો વર્ષોથી દુનિયામાં જેનું અસ્તિત્વ હતું એ ખુબ સરળ સચ્ચાઈ સાથે જીવન જીવતા અને એ જ દુનિયા માટે ચમત્કાર હતો. ગાંધીજીનું આદર્શ નૈતિક વાક્ય હતું-’સાદું જીવન,ઉચ્ચ વિચાર’ આ કોઈ એવું મહાન, વિસ્ફોટક વાક્ય નહોતું જે તેનાથી પહેલા દુનિયામાં ન હોય. પરંતુ ગાંધીજીએ આ સાધારણ વાક્યને દુનિયાનું સૌથી મોટું નૈતિક વાક્ય બનાવી દીધું. કેમકે તેઓ આનું ઉચ્ચારણ જ નહોતા કરતા પરંતુ એને જિંદગીની જેમ જીવતા. એમનું જીવન ખરેખર સાદું હતું અને વિચાર સાચે જ ઉચ્ચ હતા. ગોળમેજી સંમેલન માટે ગાંધીજી લંડન ગયા તો એમને પોતાની પોતડી પહેરીને જવાનો જરાય ખચકાટ નહોતો. તેઓ લંગોટ અને ખેસ ઓઢીને બ્રિટન રાજસત્તાના સૌથી તાકાતવર રાજમહેલોમાં પ્રવેશ કરી ગયા. કોઈની હિંમત ન ચાલી એમને કહેવાની કે મિટિંગમાં અમુક નિયમો છે. તમે આ રીતનો પોશાક ન પહેરી શકો.ગાંધીજી ગુલામ ભારતના હોવા છતાં દુનિયા માટે ૨૦મી સદીના પ્રકાશ સ્તંભ હતા. દુનિયાની મોટી મોટી હસ્તીઓ એ જમાનામાં એમને મળવા માટે મહિનાઓ પહેલા સમય લેતી હતી. મોટામોટા પત્રકાર, મોટા મોટા ફિલ્મી કલાકાર, મોટામોટા રાજનેતાઓ પણ એમને મળવા સમય લેતા હતા. ગાંધીજી કોઈપણ મામલે જે ટિપ્પણી કરે ,એને દુનિયામાં ખૂબ ગંભીરતાથી સાંભળવામાં આવતી. ગાંધીજીના આ આભામંડણનો આપણને ખૂબ ફાયદો થયો. દુનિયામાં આજે પણ આપણી લોકતાંત્રિક દેશના રૂપમાં ખુબ આબરૂ છે કેમકે આપણે ગાંધીના દેશના છીએ.
જો ગાંધીજી ન હોત તો ભારતને વિશ્ર્વ પરિદ્રશ્યમાં એ રાજનૈતિક મહત્વ ન મળત જે આજે આપણને મળ્યું છે. નિ:સંદેહ આઝાદી પછી અનેક સરકારોની મહાન ઉપલબ્ધીઓનો પણ એમાં ફાળો છે. પરંતુ ભારત દુનિયાના સમગ્ર રાજનૈતિક પરિદ્રશ્ય માં એટલે એક વિશિષ્ટ દેશ છે, કેમકે આ ગાંધીનો દેશ છે. વીસમી સદીના મોટાભાગના આંદોલન ગાંધીજીને આદર્શ માનીને થયા અથવા આગળ વધ્યા. એટલે સુધી કે કેટલાયે દેશોમાં સમાજવાદી ક્રાંતિઓમાં પણ ક્રાંતિકારી ગાંધી પાસે શીખ લેતા. દુનિયાના વામપંથી ક્રાંતિકારીઓમાં પણ અચેતનમાં અથવા દબાયેલા અવાજે ગાંધીજી ને આદર્શ માનવામાં આવ્યા છે. દુનિયાના ૮૦ થી વધારે દેશોમાં ગાંધીજીના નામે રસ્તા છે, એમના પૂતળા છે અને દુનિયામાં કદાચ કોઈ એવું શિક્ષણ સંસ્થાન નહીં હોય જ્યાં રાજનીતિ, સમાજ, સંસ્કૃતિ, ધર્મ, નૈતિકતા જેવા વિષયો ભણાવતી વખતે ગાંધીજીને ન ભણાવ્યા હોય.
આપણામાં વૈશ્વિક નેતૃત્વ કરવાની હિંમત ન હોત
આજે ભારત વિશ્વગુરુ બનવાની ઈચ્છા વ્યક્ત કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાણતા અજાણતા વૈશ્ર્વિક નેતૃત્વની કોશિશ કરે છે. ભારત વિકસિત દેશ ન હોવા છતાં, યુએન સિક્યુરિટી કાઉન્સિલના કાયમી સભ્ય ન હોવા છતાં દુનિયામાં આટલો મહત્વપૂર્ણ અવાજ ધરાવે છે.ભારતના આ આત્મ વિશ્ર્વાસમાં ગાંધીનું હોવું પણ છે. આખી દુનિયાના અજાગૃત મનમાં ગાંધીજી ૨૦ મી સદીના લોકતંત્રના આત્મા છે. ગાંધીજીનો દેશ હોવાને કારણે લોકો આપણી તરફ આશાઓ અને અપેક્ષાઓ સાથે જુએ છે. દુનિયામાં ગમે ત્યાં ચૂંટણી થતી હોય,દુનિયામાં ગમે ત્યાં પહેલીવાર પ્રજાસત્તાક સત્તા અસ્તિત્વમાં આવતી હોય તો રાષ્ટ્ર સંઘ આ દેશોના લોકતાંત્રિક ભવિષ્યની મજબૂતી માટે શરૂઆતની લોકતાંત્રિક ગતિવિધિઓમાં એમને શિક્ષિત, પ્રશિક્ષિત કરવાની ગંભીર જવાબદારી ભારતને સોંપે છે.
દુનિયાના દરેક દેશમાં લોકતંત્રનો અવાજ ઉન્નત કરનાર રાજનેતા ગાંધીની વાત કર્યા વગર પોતાની ઉપસ્થિતિની નોંધ નથી કરાવી શકતા. જો બાઈડેન પહેલા ઓબામા જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ હતા, ત્યારે તેઓ પોતાના દરેક વક્તવ્યમાં ગાંધીજીનું નામ જરૂર લેતા. આજે દુનિયાના મોટાભાગના લોકતાંત્રિક દેશોમાં જયારે સરકાર બને છે તો રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અથવા જે પણ સત્તા શપથ માટે પસંદ થાય, એ શપથ લેતી વખતે ગાંધીજીને જરૂર યાદ કરે છે. ગાંધીજીની આ જે લોકતાંત્રિક આભા છે, જે આપણને દુનિયાની સૌથી મોટી અને સન્માનિત લોકતાંત્રિક શક્તિના રૂપમાં સન્માન આપે છે એ ન મળતું હોત જો ગાંધીજી ન જન્મ્યા હોત.