ડૉલર સામે રૂપિયામાં ત્રણ પૈસાનો ઘટાડો
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો અવિરત બાહ્ય પ્રવાહ ઉપરાંત આજે ડૉલરમાં આયાતકારોની આક્રમક લેવાલી નીકળતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ત્રણ પૈસાના ઘટાડા સાથે ૮૩.૯૩ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને વિશ્ર્વ બજારમાં ગઈકાલે ડૉલર ઈન્ડેક્સ તથા ક્રૂડતેલના ભાવમાં જોવા મળેલા ઘટાડા બાદ આજે ધીમો સુધારો આવ્યો હોવાથી રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૯૦ના બંધ સામે નરમાઈના અન્ડરટોને ૮૩.૯૩ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૯૭ અને ઉપરમાં ૮૩.૯૩ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ત્રણ પૈસાના ઘટાડા સાથે ૮૩.૯૩ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયો ૧૩ પૈસા ગબડ્યો હતો. તાજેતરમાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીનું દબાણ રહ્યું હોવાથી આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં નકારાત્મક વલણ જોવા મળે તેવી શક્યતા વ્યક્ત કરી હતી.