ગુજરાતમાં અંધશ્રદ્ધા વિરોધી કાયદામાં પણ મતોનું રાજકારણ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
આપણે ત્યાં રાજકારણીઓ કોઈ પણ નિર્ણય લે ત્યારે સૌથી પહેલાં મતબેંકને ધ્યાનમાં રાખે છે. તેના કારણે સારા ઉદ્દેશ સાથે લેવાયેલા નિર્ણયો પણ અસરકારક બનવાના બદલે અધકચરા રહી જાય છે અને જે ઉદ્દેશ સાથે આ નિર્ણય લેવાયા હોય એ ઉદ્દેશ પાર નથી પડતો. ગુજરાતની ભાજપ સરકારે બનાવેલો અંધશ્રદ્ધા વિરોધી કાયદો તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ કાયદા દ્વારા ગુજરાતની ભાજપ સરકારે ધર્મના નામે ધતિંગ ચલાવનારા ચોક્કસ સ્થાપિત હિતોને પોતાની દુકાન ધમધોકાર ચલાવવાનો પરવાનો આપી દીધો છે.
ગુજરાત વિધાનસભામાં બુધવારે અંધશ્રદ્ધા વિરોધી બિલ પસાર થયું. સમાજમાં અંધશ્રદ્ધા વધી રહી છે અને લોકોની શ્રદ્ધાનો ગેરલાભ ઉઠાવીને લોકોને છેતરવાની ઘટનાઓ પણ વધી રહી છે, અંધશ્રદ્ધાના કારણે ગંભીર પ્રકારના ગુના પણ વધી રહ્યા છે ત્યારે અંધ્રશ્રદ્ધા વિરોધી કાયદો લવાય એ સારું છે.
મહારાષ્ટ્ર અને કેરળ સહિતનાં રાજ્યોમાં આ પ્રકારના કાયદા વરસોથી છે ને ગુજરાતે પણ એ દિશામાં પગલું ભર્યું એ સારું કહેવાય પણ આ બિલમાં અંધશ્રદ્ધાને રોકવા માટે પૂરા મનથી પ્રયત્ન કરવાના બદલે અધકચરા પ્રયાસો કરાયા છે તેના કારણે આ કાયદો અંધશ્રદ્ધાને રોકવાના બદલે હાસ્યાસ્પદ બની જાય એવી પૂરી શક્યતા છે.
આ કાયદામાં કેટલીક જોગવાઈઓ એવી છે કે જે સાંભળીને ખરેખર હસવું આવે ને સવાલ પણ થાય કે, આ રીતે અંધશ્રદ્ધા કઈ રીતે રોકાશે ? ઉદાહરણ તરીકે આ કાયદામાં અંધશ્રદ્ધા ફેલાવનારા કે લોકોને લૂંટનારા લોકો પગલાં લેવાની જોગવાઈ છે પણ બધા ભૂવાઓ સામે કાર્યવાહી નહીં થાય.
ક્યા ભૂવા સામે કાયદા હેઠળ પગલાં લેવાં ને ક્યા ભૂવા સામે પગલાં ના લેવાં એ અધિકારી નક્કી કરશે.
કોને ભૂવો કહેવાય ને કોને ભૂવાજી કહેવાય એ કઈ રીતે નક્કી થાય ? ક્યો ભુવો શ્રદ્ધા પ્રમાણે કામ કરે છે ને ક્યો અંધશ્રદ્ધા ફેલાવે છે એ કઈ રીતે નક્કી કરી શકાય ? ડોક્ટર હોય તો મેડિકલ કોલેજમાં ભણીને ના આવ્યો હોય તેને નકલી ડોક્ટર કહેવાય પણ ભૂવા બનવા માટેની તો થોડી કોલેજો છે કે એ કોલેજની ડીગ્રી લઈને આવ્યો હોય તેને જ માન્યતાપ્રાપ્ત ભૂવો કહેવાય ? ભૂવા તો ભૂવા જ હોય ને ?
ભૂવા બધા સરખા જ કહેવાય ને જે પણ ધર્મના નામે ધતિંગ ચલાવે એ બધાંને ઉઠાવીને અંદર નાખવાના હોય પણ ભાજપ સરકારમાં એટલી હિંમત નથી કેમ કે ભૂવાજીઓ સાથે મતબેંકનું રાજકારણ જોડાયેલું છે.
ગુજરાતમાં રબારી સહિતના ઘણા સમાજોમાં ભૂવાજીઓનું સમાજનાં લોકો પર વર્ચસ્વ છે ને તેમના ઈશારે લોકો મત આપતા હોય છે. આ મતબેંકના ઠેકેદાર ભૂવાજીઓને હાથ લગાડે તો તપેલું ચડી જાય એટલે ભૂવાઓ વચ્ચે પણ ભેદ ઊભા કરી દેવાયા.
ડાકણ કે ભૂત વળગ્યું છે એવી માન્યતા સાથે કોઈને ભુવા કે બીજા જે પણ સરકાર દ્વારા સર્ટિફાઈડ શ્રધ્ધાના ઠેકેદારો છે તેમની પાસે જઈએ તેને અંધશ્રદ્ધા ના કહેવાય. ભલા માણસ, ડાકણ કે ભૂત વળગ્યું હોવાની માન્યતા જ સૌથી મોટી અંધશ્રદ્ધા છે ત્યારે તેને રોકવાના બદલે તેના માટે વિધી કરાવવાની મંજૂરી અપાઈ રહી છે.
આ કાયદાથી કાળા જાદુ કરતા ઢોંગીઓ વિરૂદ્ધ કાર્યવાહી થશે અને આવી પ્રવૃત્તિઓ દ્વારા છેતરાતી ગુજરાતની ભોળી જનતાની સુરક્ષા માટે નક્કર કદમ સાબિત થશે. સવાલ એ છે કે, ભૂત કે ડાકણ વળગ્યાં હોય તેને જ તમારી સરકાર અંધશ્રદ્ધા માનતી નથી તો પછી ભોળી જનતાની સુરક્ષા કઈ રીતે થશે ? ભૂત, ડાકણ વગેરેની પ્રથા આદિવાસી સમાજમાં વ્યાપક છે ને તેને છેડવા જાય તો મત ગુમાવવા પડે એટલે સૌથી મોટી અંધશ્રદ્ધાને જ શ્રદ્ધા તરીકે માન્યતા આપી દેવાઈ છે.
આ કાયદામાં બીજી ઘણી બાબતોનો સમાવેશ ગુનાઈત કૃત્યમાં નથી કરાયો. આ અંગેની સ્પષ્ટતા કલમ-૧૨મા કરવામાં આવી છે. પ્રદક્ષિણા, યાત્રા, પરિક્રમા, ઉપાસના, હરિપથ, કીર્તન, પ્રવચન, ભજન, પ્રાચીન અને પરંપરાગત વિદ્યાઓ અને કળાઓનો ઉપદેશ, તેનો અભ્યાસ,
પ્રચાર, પ્રસાર વગેરે ગુનાઈત કૃત્ય નહીં ગણાય એ
બરાબર છે.
એ જ રીતે તમામ ધાર્મિક ઉજવણીઓ, તહેવારો, પ્રાર્થનાઓ, સરઘસ અને તેને લગતા અન્ય કોઈ પણ કાર્યો, મન્નત, નવાસ, મોહરમ શોભાયાત્રા અને અન્ય તમામ ધાર્મિક વિધિઓ કરવી, ધાર્મિક વિધિઓ અનુસાર બાળકોના કાન અને નાક વીંધવા, કેશલોચન જેવી ધાર્મિક વિધિ કરવી તેમજ વાસ્તુશાસ્ત્ર અને ભૂગર્ભજળના સ્ત્રોતને લગતી સલાહ, જ્યોતિષીની સલાહ આપવી વગેરે પ્રવૃત્તિ ગુનો ગણાશે નહીં.
આ બધું બરાબર છે પણ મૃત સંતોના ચમત્કારો અને ધાર્મિક ઉપદેશકોના ચમત્કારોનો પ્રચાર અને પ્રસાર કરવો એ પણ ગુનાઈત કૃત્ય નહીં ગણાય. ભોળાં લોકોને છેતરવા માટેનું મુખ્ય હથિયાર જ ચમત્કારો છે ત્યારે તેને જ ગુનાઈત કૃત્યમાં નહીં ગણાય એ કેવું ?
ભાજપ સરકારનો દાવો છે કે, આ દાવો ધર્મ અને અધર્મ વચ્ચેની ભેદરેખા નક્કી કરે છે પણ વાસ્તવમાં આ કાયદો ચોક્કસ લોકોને અંધશ્રદ્ધાનો ધંધો ચાલુ રાખવાનું લાઇસંસ આપે છે. હિંદુ ધર્મ હોય કે બીજો ધર્મ હોય, ધર્મગ્રંથમાં નથી તેને શ્રદ્ધા ગણી જ ન શકાય. શ્રદ્ધાના નામે થતી જાત જાતની વિધિઓ પાછળથી ઉમેરાયેલી છે તેથી તેને પરંપરા કહી શકાય પણ શ્રદ્ધા ના કહી શકાય ને જે શ્રધ્ધા નથી એ બધાને અંધશ્રદ્ધા જ ગણવી પડે પણ ગુજરાત સરકારનો કાયદો ભળતી જ વાત કરે છે.