આયુષ્માન ભારત યોજના અંગે મોદી સરકાર કરી શકે છે આ મોટી જાહેરાત…
નવી દિલ્હી: કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજના (Ayushman bharat scheme) દેશના કરોડો પરિવારોને મુશ્કેલી ભર્યા સમયમાં હોસ્પિટલના બીલથી રાહત આપી રહી છે, એવામાં સરકાર લાભાર્થીઓને વધુ રાહત આપવા જઈ રહી છે. મળતી માહિતી મુજબ આ યોજના હેઠળ મળતા વીમા કવચ(Insurance cover)ને બમણું કરીને રૂ. 10 લાખ કરવાનું વિચારી રહી છે, અને મહિલાઓ માટે કવચ રૂ. 15 લાખ સુધી કરવાની વિચારણા છે. આ યોજના હેઠળ ખાનગી હોસ્પિટલના વધુ 4 લાખ બેડ ઉમેરવા અને લાભાર્થીઓની સંખ્યા 55 કરોડથી વધારીને 100 કરોડ કરવાનો સમાવેશ થાય છે.
સામાજિક ક્ષેત્રના મંત્રાલયોના ગ્રુપ ઓફ સેક્રેટરીઝ (GoS) ના અહેવાલમાં ભવિષ્યમાં લેવાનાના મુખ્ય પગલાંના મુદ્દાઓ સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે. GoS ને આગામી પાંચ વર્ષ માટે લક્ષ્યાંકો અને સિદ્ધિઓ માટે સમયરેખા નક્કી કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. GoSમાં આરોગ્ય, આયુષ, રમતગમત, સંસ્કૃતિ અને શિક્ષણ સહિત નવ મંત્રાલયોનોના સેક્રેટરીઝનો સમાવેશ થાય છે.
આયુષ્માન ભારત યોજનાને આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. આ યોજના મોદી સરકારની મુખ્ય આરોગ્ય યોજના છે. સરકાર તેને વિશ્વની સૌથી મોટી યોજના ગણાવે છે. આ યોજના 12.34 કરોડ પરિવારોના અંદાજે 55 કરોડ લાભાર્થીઓને હોસ્પિટલમાં દાખલ થવા માટે કુટુંબ દીઠ રૂ. 5 લાખનું વાર્ષિક કવરેજ પૂરું પાડે છે.