સ્પેશિયલ ફિચર્સ

જીવન – મરણ કેવા હોવા જોઈએ?

શિવવિજ્ઞાન -મુકેશ પંડ્યા

ઓમ ત્ર્યંબકમ યજામહે
સુગંધિમ પુષ્ટિવર્ધનમ્
ઉર્વારુકમિવ બંધનાન
મૃત્યોર્મોક્ષિય મામૃતાત !
ઉપરોક્ત મંત્ર મહા મૃત્યુંજ્ય મંત્ર તરીકે ઓળખાય છે એનો અર્થ થાય મૃત્યુ પર વિજય અપાવે તેવો મંત્ર. પણ તમે એના એક એક શબ્દનો અર્થ સમજીને મંત્ર રટણ કરો અને આ આચરણમાં મૂકો તો આજના સમયમાં પણ અચૂક લાભ થાય છે.

આ મંત્રમાં જે ત્ર્યંબકમ શબ્દ વપરાયો છે તેનો અર્થ ત્રણ આંખવાળા થાય અને ત્રણ પ્રકારનાં દુ:ખોને સંહારનાર પણ થાય. જીવનમાં ત્રણ પ્રકારનાં દુ:ખો સતાવતા હોય છે આધિ, વ્યાધિ અને ઉપાધિ: આધિ એટલે અધ્યાત્મને લગતી, આત્મા પરમાત્માને લગતી આપણી જે કુતૂહુલતા હોય છે. જે પ્રશ્ર્નો હોય છે જે શંકા હોય છે તેનું નિવારણ કરવાની શક્તિ મહાદેવ પાસે છે. તો વ્યાધિ અર્થાત શારીરિક અને માનસિક રોગોનો નાશ કરવાની શક્તિ પણ મહાદેવ પાસેથી મળી શકે છે. અને ઉપાધિ એટલે આપણા આત્મા, તન અને મનની નહીં પણ બહારથી કોઈ અન્ય વ્યક્તિ કે સંજોગો દ્વારા જીવનમાં આવી પડતી મુશ્કેલીઓ. આ ત્રણે પ્રકારની સમસ્યાનું સમાધાન કલ્યાણકારી શક્તિ અર્થાત શિવ પાસે છે. આવા શિવનું પૂજન (યજામહે ) કરવું જોઈએ.

આગળની પંક્તિઓમાં શિવને સુગંધિમ પુષ્ટિવર્ધનમ કહીને નવાજ્યા છે. આપણું જીવન પણ તેમના જેવું સુગંધિત હોવું જોઈએ. જીવન તો ક્ષણિક છે પણ તેમાં એવાં કર્મો કરવા જેથી તેની કીર્તિની સુગંધ સર્વત્ર ફેલાય અને અન્ય લોકોને પણ એવું જીવન જીવવાની પ્રેરણા મળે. આપણે મંત્ર રટણ કે પૂજા વખતે ધૂપ દીપ કે અગરબત્તી પ્રગટાવીએ છીએ ત્યારે તરત જ વાતાવરણમાં પ્રકાશ અને સુગંધ ફેલાઈ જાય છે. આપણું જીવન પણ એવું હોવું જોઈએ જે પૂરા સમાજને સુગંધિત અને પ્રકાશિત કરે . આવું વાતાવરણ જ પુષ્ટિવર્ધન અર્થાત આનંદ આપનારુ અને તેમાં વધારો કરનારું બની શકે.

માત્ર જીવન જ નહીં મૃત્યુ પણ કલ્યાણકારી હોવું જોઈએ તે પછીની પંક્તિમાં સમજાવાયું છે.

ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષિય મામૃતાત !
જે રીતે કોઈ પાકું ફળ કોઈ પણ જાતના દર્દ વગર
કુદરતી રીતે જ પોતાની અવસ્થા થઈ હોવાથી ડાળ પરથી ખરી પડે એ જ રીતે આપણો આત્મા પણ કોઈ પીડા ભોગવ્યા વગર સહજતાથી શરીરથી વિખૂટો પડે અને કલ્યાણકારી મૃત્યુ મળે એવી પ્રાર્થના છે. સાથે સાથે અકાળે મૃત્યુ ન આવે તેવી વિનંતી પણ કરવામાં આવી છે.

આમ શિવ (કલ્યાણ) મય જીવન અને મરણ માટે આ મંત્રનું રટણ અને આચરણ કરવું જરૂરી છે. એક વાર આ મંત્ર બોલવાથી કંઈ અસર ન થાય. વારંવાર આ મંત્ર રીપીટ થવો જોઈએ મતલબ રટણ થવું જોઈએ . જેમ માતા ઘસઘસાટ ઉંઘતા બાળકને એક વાર ઢંઢોળે તે પૂરતું નથી હોતું તેને વારેવાર ઢંઢોળે ત્યારે જાગે છે. મંત્રદેવ કે મંત્રશક્તિને જગાડવા પણ અનેક વાર રટણ કરવું જોઈએ. ધીરજ અને શ્રદ્ધા રાખવા જોઈએ.(ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button