‘ તો હું રાજકારણમાંથી સંન્યાસ લઇ લઇશ’, એવું કેમ કહ્યું દેવેન્દ્ર ફડણવીસે?
મુંબઈ: લોકસભાની ચૂંટણી દરમિયાન મરાઠા અનામત આંદોલનનો ફટકો મહાયુતિને લાગ્યો હોવાનું કહેવાય છે ત્યારે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને છતાં આ મુદ્દો હજી સળગી રહ્યો છે. એવામાં મરાઠા અનામતનું નેતૃત્વ કરનારા મનોજ જરાંગે પાટીલે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર મોટો આરોપ મૂક્યો હતો. જોકે, જરાંગેનો આરોપ ફગાવતા ફડણવીસે મોટું નિવેદન આપ્યું હતું અને જરાંગેને પોતાના પર લાગેલા આરોપો સાબિત કરવાનો પડકાર ફેંક્યો હતો.
જરાંગેએ ફડણવીસની ટીકા કરતા જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે મરાઠા સમાજને અનામત આપવા ઇચ્છે છે, પરંતુ દેવેન્દ્ર ફડણવીસ તેમને આમ કરતા રોકી રહ્યા છે.
આ પણ વાંચો: Ladki Bahin Yojana: બહેનનો પ્રેમ વેંચાતો ખરીદી ન શકાય: દેવેન્દ્ર ફડણવીસ
જરાંગેએ મૂકેલા આરોપનો જવાબ આપતા ફડણવીસે કહ્યું હતું કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જો કહી દે કે મરાઠા અનામત બાબતે તેમણે કોઇપણ નિર્ણય લેવાનો પ્રયત્ન કર્યો હોય અને મેં તેમને નિર્ણય લેતા રોક્યા હોય તો હું એ જ ક્ષણે મારા પદ પરથી રાજીનામુ આપીને રાજકારણમાંથી સંન્યાસ લઇ લઇશ.
જરાંગે વારંવાર પોતાની ટીકા કરતા હોવાનું જણાવતા ફડણવીસે કહ્યું હતું કે હું જાણું છું કે મનોજ જરાંગેને મારા પર ખાસ પ્રેમ છે, પરંતુ તેમને જાણ હોવી જોઇએ કે રાજ્ય માટે નિર્ણય લેવાના બધા જ અધિકાર મુખ્ય પ્રધાન પાસે હોય છે. બાકી બધા જ પ્રધાન મુખ્ય પ્રધાને આપેલા આદેશ મુજબ કામ કરે છે.
હું અને મુખ્ય પ્રધાન શિંદે સાથે મળીને કામ કરીએ છીે અને તેમને મારો સંપૂર્ણ સહકાર અને મારું પીઠબળ છે. એટલે જરાંગેએ પૂછેલા પ્રશ્ર્નનો જવાબ તેમણે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને જ પૂછવો જોઇએ.