ઉત્સવ

હાઇલા, આ દરેક લોકોના ખાતામાં ૫૮ લાખ રૂપિયા?

ઊડતી વાત -ભરત વૈષ્ણવ

કોઇને નાણાં ઉછીના આપીને ભૂલી જવાના હોય છે. કોઇને ઉછીની આપેલી રકમ તમે યાદ રાખો તો આધિ-વ્યાધિ -ઉપાધિને કંકોતરી લખ્યા વગર સામે ચાલીને નોતરું આપવા જેવું છે.કોઇને નાણાં ઉછીના આપ્યા છે તે ભૂલી જવા સાથે તમારે તે રકમ સારા શબ્દોમાં રાઇટ ઓફ કરવાની છે
ભૂલેચૂકે સામેના માણસને આ દુર્ઘટનાની યાદ અપાવો અને તે માણસ રકમની ચુકવણી કર્યા સિવાય ઋણમુકત થઇ જાય મતલબ કે રકમની ચુકવણીનો ઇન્કાર કરે તો આઘાત તમને લાગશે. ૧૦૮ બોલાવવાની નોબત આવશે. ટૂંકમાં તમારી તમામ આંગળી ઘીમાં નહીં પણ ગોળના પાણીમાં છે એટલે એ રકમના નામનું નાહી નાખવાનું છે.

લગભગ વચનનું પણ આવું જ કાંઇક છે. વચનને વચન પાલન કે અનુપાલન કરતા વચનભંગ સાથે ઘનિષ્ઠ સંબંધ છે. તમે વચનપાલન કરીને ખુવાર થઇ જશો. વચનપાલન ન કરીને તમે તમને ખુદાર સાબિત કરી શકો છો.તમે જેટલા વચનભંજક થશો એટલી સમાજમાં તમારા પ્રતિષ્ઠામાં ચાર ચાંદ લાગી જશે.દશરથ રાજાએ કૈકેયીને બે વચન આપેલા. ‘ચુટકી વચન કી કિંમત તુમ કયાં જાનો, દશરથબાબુ?’ એક વાર દશરથ રાજા યુધ્ધ લડવા જતા હતા. સારથિ કેઝયુલ લીવ પર હશે કે ડયૂટિમાં બંક મારી હશે. સારથિની ગેરહાજરીમાં કૈકેયીએ સારથિ કમ રાણીની બેવડી ભૂમિકામાં ભજવેલી.

ટેકનિકલ ખામી કે મેન્યુફેકરિંગ ખામીને લીધે રથના ચક્રનો ખીલ્લો નીકળી ગયેલો. યુદ્ધ ચાલુ હોય ત્યારે શત્રુ રાજાને ‘ટાઇમ પ્લીઝ’ કહીને રથનું ચક્ર ઇમરજન્સીમાં રિપેર પણ કરાવી ન શકાય, નહીંતર બંનેની બા ઉપરાંત બૈરી ખિજાય. સમગ્ર પરિસ્થિતિ પર સમતોલ વિચારણા કર્યા સિવાય વગર વિચારે એક નહીં પણ બે વચનો બેરર ચેકની જેમ આપી દીધાં. કૈકેયી બેરર ચેર બેંકના કાઉન્ટર વટાવવા જાય તો તેમાં દશરથ રાજાને મુશ્કેલી થઇ ન હોત. કેમ કે ચટ મંગની પટ બ્યાંહની જેમ ખેલ પૂરો થઇ જતે.તમે વિચારો કે રથ કેટલા તકલાદી અને તકવાદી હશે. કાગળ પર વધુ સોનામહોર લઇ કચરા જેવા રથ માથે મારવામાં આવતા હશે? કૈકેયીએ વિલંબ બાદ વચન માગીને દશરથ રાજાની વાટ લગાડી દીધેલી! વચન આપવા અને વચન પાલનમાં જીવથી હાથ ધોવા પડે છે.

ચૂંટણીમાં તો વચનોની ભરમાર જોવા મળે છે. ગરીબોના ખાતામાં કમસેકમ પંદર લાખ રૂપિયા જમા થશે!.ગરીબોએ પંદર લાખનો ખર્ચ કરવાના વચન સામે પંચાવન લાખ રૂપિયાનો ખર્ચ કરવાનું પ્લાનિંગ કરી નાંખેલું. દર બે બે મિનિટે ઓનલાઇન બેંક સ્ટેટમેન્ટ જોયા કરે. કદાચ રાતે બાર વાગ્યે પંદર લાખ જમા કરવામાં આવે અને રાઇના ભાવ રાતે ગયા જેવો તાલ થાય. પંદર લાખના ખર્ચના સુમધુર આયોજન કરનારને જોર કા ઝટકો લગાવી દીધો. પંદર લાખ રૂપિયાનો વાયદો એ તો ચુનાવી જુમલો હતો તેવું તલવાર ઝાટકીને કહી દીધું.ખલ્લાસ! આનાથી વધુ હસીન ફરેબ બીજો કોઇ હોઇ જ શકે નહીં.

દક્ષિણ કોરિયા. ‘શાંત સવારની ભૂમિ’ના રૂપમાં પ્રખ્યાત આ દેશની પશ્ર્ચિમમાં ચીન, પૂર્વમાં જાપાન અને ઉત્તરમાં ઉત્તર કોરિયા છે..દક્ષિણ કોરિયા સુનચેન શહેર પાસે આવેલ અનપ્યોંગ-રી નામના ગામની વાત છે. આ ગામમાં લી જોંગ કયુ નામનો પ્રોપર્ટી ડીલર રહે છે.તે બયોંગ ગ્રુપના સંસ્થાપક છે.! આ ગામમાં ૨૮૦ પરિવાર રહે છે. લી જોંગ કયુએ ગામના તમામ લોકોને નવ નવ કરોડ કોરિયન વોન આપ્યા. ગામમાં દરેકને અઠાવન લાખ રૂપિયા લેખે રૂપિયા પંદરસો કરોડ રૂપિયા આપી દીધા! તદુપરાંત, વિદ્યાર્થીઓને પુસ્તકો અને સાધનો આપ્યા. આપણને સવાલ થાય કે લી જોંગ કયું સરપંચ કે સંસદની ચૂંટણી લડી રહ્યો છે કે નોટ ફોર વોટનું ગિમિકસ કરી રહ્યો છે?

ના. ભાઇ, ના. લી જોંગ કયુ ગામ લોકોનું ઋણ ફેડી રહ્યો છે!.વોટ ? ઋણ? માય ફૂટ ! ભૂતકાળમાં લી જોંગ કયુની આર્થિક સ્થિતિ નબળી હતી. ત્યારે અનપ્યોંગ રી ગામના લોકોએ લીગ વોંગ કયુને મદદ કરી હતી! જેનો બદલો એણે વાળ્યો.ખુદા દેતા હૈ તો લી વોંગ કયુકે કે જરિયેસે દેતા હૈ. જો ખુદા છપ્પર ફાડીને દે તો પછી તૂટેલા છપ્પર રિપેરના પૈસા કેવી રીતે દેતા હશે એ સવાલ રાજુ રદીને આંખના કણાની જેમ ખટકે છે.

અહીં તો વિદેશમાં રહેલ કાળું નાણું સ્વદેશ લાવી બિનહિસાબી નાણાંમાંથી ગરીબોના ખાતે પંદર લાખ રૂપિયા હિસાબી નાણા પેટે ઉગવવાનો ચુનાવી જુમલો હતો. લી વોંગ કયુએ દરેક ગામજનોને અઠાવન લાખ એ પણ કાયદેસરના હિસાબી નાણા બેંકમાં જમા કરાવ્યા. ચુનાવી જુમલા કરતાં ચાર ગણા રૂપિયા આપ્યા. જેના બદલામાં ઇઝીલી ખરીદી શકાય તેનો કિંમતી અને અમૂલ્ય વોટ પણ લી વોંગ કયુને આપવાનો ન હતો
કહે છે કે અનપ્યોંગ રી ગામજનોને બગાસુ ખાધા વગર પતાસું મળ્યું. આપણો રાજુ રદીએ નવ કરોડ કોરિયન લોન લેવા માટે અનપ્યોંગ રી ગામનો નાગરિક થવાની અરજી દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિને કરી દીધી છે. જોઈએ, હવે કયા ખુદા એનું છાપરું ફાડે છે ?!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રક્ષાબંધન પર બહેનને ગીફ્ટ આપતા પહેલા આ જાણી લો શું પત્ની પતિને રાખડી બાંધી શકે? જાણો શું કહે છે શાસ્ત્ર… ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે, પણ પાકિસ્તાનના રાષ્ટ્રીય ફૂલનું નામ સાંભળશો તો… ક્યારેક અંગ્રેજોની શાન ગણાતી હતી આ બ્રાન્ડ્સ, આજે એના પર છે ભારતીયોનું રાજ