નેશનલ

પ. બંગાળમાં મહિલાઓ નિશાના પર, 22 વર્ષની યુવતીની કરી હત્યા

કોલકાતામાં એક ટ્રેઇની ડૉક્ટર સાથે થયેલી નિર્દયતાની આગ હજુ ઠરી નથી ત્યાં તો બંગાળમાંથી વધુ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળના બર્ધમાનમાં એક 25 વર્ષની યુવતીની માથુ કપાયેલો મૃતદેહ મળી આવ્યો છે. યુવતીની ઓળખ પ્રિયંકા હંસદા તરીકે થઈ છે.

પ્રિયંકાના પિતાએ જણાવ્યું હતું કે તેમની દીકરી બેંગલુરુના એક શોપિંગ મોલમાં કામ કરતી હતી. તે સાથે સાથે ફિલોસોફીમાં એમએનો અભ્યાસ કરતી હતી. તે સોમવારે 12 ઓગસ્ટે ઘરે પરત ફરી હતી અને બે દિવસ પછી ક્રૂરતાનો શિકાર બની. પ્રિયંકા પર બળાત્કાર કર્યા બાદ તેનું માથું કાપી નાખવામાં આવ્યું હતું. બીજા દિવસે સવારે પ્રિયંકાની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો.

પીડિતાના પરિવારજનોએ મીડિયાને જણાવ્યું કે આ હત્યાનો મામલો છે. તેઓએ કહ્યું કે કોઈનો ફોન આવતાં તે ઘરની બહાર નીકળી ગઈ હતી. ઘણા સમય સુધી ઘરે પરત ન ફરતા પરિવારે તેના મોબાઇલ પર તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેણે તેમનો કોલ ઉપાડ્યો ન હતો. પરિવારજનોએ તેની તપાસ શરૂ કરી હતી. બીજા દિવસે સવારે તેના ઘરથી એક કિલોમીટરના અંતરે એક નિર્જન સ્થળેથી તેની ગળું કાપેલી લાશ મળી આવી હતી.

આ પણ વાંચો: ‘…તો હોસ્પિટલ બંધ કરી દો’ કોલકાતા હાઈ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકાર અને પોલીસને ખખડાવી

આ હત્યા અંગે પોલીસે જણાવ્યું હતું કે પરિવારની વાત પરથી એવું જણાય છે કે તે કોઇને સારી રીતે જાણતી હતી, જેનો તેને મોબાઇલ પર ફોન આવ્યો હતો. પોલીસે હવે આ મામલે તપાસ શરૂ કરી છે. તેણે છેલ્લે જે મોબાઈલ નંબર પર ફોન કર્યો હતો તેને ટ્રેસ કરવામાં આવી રહ્યો છે.

12 ઓગસ્ટના રોજ કોલકાતાની સરકારી હોસ્પિટલમાં જુનિયર ડૉક્ટરની ઘાતકી હત્યાના વિરોધમાં રાજ્યમાં વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે પણ આ કેસ સામે આવ્યો છે. કોલકાતા પોલીસે આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરી હતી. સીબીઆઈ હવે કોલકાતા હાઈકોર્ટના આદેશ પર કેસની તપાસ કરી રહી છે.

પ. બંગાળમાં મહિલાઓ સામે થઇ રહેલા ગુનાઓ હવે માઝા મૂકી રહ્યા છે. મમતા બેનરજીનું રાજ્ય હવે મહિલાઓ માટે કતલખાનુ બનતું જાય છે. મમતા સરકારની રહેમ નજર હેઠળ જ મહિલાઓ સામે બળાત્કાર, હત્યાના ગુનાઓ થઇ રહ્યા છે, એવો લોકોનો આક્રોશ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button