ચૂંટણીમાં ગેરરીતિઃ હાઇ કોર્ટના નારાયણ રાણેને સમન્સ
મુંબઈ: લોકસભાની ચૂંટણી ખોટી રીતે જીતી હોવાનો આક્ષેપ કરીને ભાજપના નેતા નારાયણ રાણેની રત્નાગિરી-સિંધુદૂર્ગ ખાતેથી ચૂંટણી રદ કરવાની માગણી સાથે ઉદ્ધવ જૂથના નેતા વિનાયક રાઉત દ્વારા કરાયેલી અરજી પર બૉમ્બે હાઇ કોર્ટે શુક્રવારે રાણેને સમન્સ પાઠવ્યા હતા.
રાણેએ લોકસભાની ચૂંટણીમાં રાઉત ૪૭,૮૫૮ મતથી માત આપી હતી. રાણેને ૪,૪૮,૫૧૪ મત મળ્યા હતા જ્યારે રાઉતને ૪,૦૦,૬૫૬ મત મળ્યા હતા.
રાઉતે ગયા મહિને હાઇ કોર્ટમાં અરજી કરીને આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી પ્રચાર પૂરો થયા બાદ એક વીડિયો વાઇરલ થયો હતો જેમાં રાણેના સમર્થકો ઇવીએમ મશીન દેખાડતી વખતે મતદારોને પૈસા આપી રહ્યા હતા અને તેમને ભાજપના નેતાને જ મતદાન કરવાનું કહી રહ્યા હતા.
આ પણ વાંચો: ભાજપ દ્વારા રત્નાગિરી-સિંધુદુર્ગમાંથી નારાયણ રાણેને ઉતારવાની જાહેરાત
રાણેએ ખોટી રીતે ચૂંટણીમાં વિજય મેળવ્યો છે તેથી રત્નાગિરી-સિંધુદૂર્ગની બેઠક પરથી તેમની ચૂંટણી રદ કરવાની માગણી કરી હતી તથા તેમના પર ચૂંટણી લડવા અને મતદાન કરવા પર પાંચ વર્ષ સુધી પ્રતિબંધ મૂકવાની માગણી પણ કરી હતી.
હાઇ કોર્ટે રાણેને સમન્સ મોકલાવીને રાઉતની અરજી પર જવાબ આપવા માટે કહ્યું હતું. કોર્ટે આ કેસની સુનાવણી ૧૨મી સપ્ટેમ્બર સુધી મુલતવી રાખી હતી.
.રત્નાગિરી-સિંધુદૂર્ગની બેઠક પર ફરી મતદાન કરાવવામાં આવે એવો નિર્દેશ ચૂંટણી પંચને આપવામાં આવે એવી માગણી પર રાઉતે કરી હતી તથા વાઇરલ થયેલા સંબંધિત વીડિયોની તપાસ કરાવવા માટે સ્વતંત્ર સમિતિની રચના કરાવવામાં આવે એવી માગણી પણ કરી હતી.
(પીટીઆઇ)