અમેરિકાના ફુગાવાના ડેટા પ્રોત્સાહક આવતા વૈશ્ર્વિક સોનામાં બાઉન્સબૅક
મુંબઈ: ગઈકાલે અમેરિકાનાં જુલાઈ મહિનાના ફુગાવાના ડેટા ત્રણ ટકાની નીચી સપાટીએ રહ્યાના અહેવાલો સાથે ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનામાં વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા પ્રબળ બનતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાચાંદીના ભાવમાં બાઉન્સબૅક જોવા મળ્યું હતું, જેમાં સોનાના ભાવ ૦.૫ ટકા અને ચાંદીના ભાવ બે ટકાના ઉછાળા સાથે ક્વૉટ થઈ
રહ્યા હતા.
રોઈટર્સનાં અહેવાલ અનુસાર આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૫ ટકા વધીને ઔંસદીઠ ૨૪૬૦.૩૮ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૭ ટકા વધીને ૨૪૮૩.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ બે ટકાના ઉછાળા સાથે ઔંસદીઠ ૨૮ ડૉલરની સપાટી કુદાવીને ૨૮.૧૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આગામી સપ્ટેમ્બર મહિનાથી અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવા આશાવાદને ધ્યાનમાં લેતાં આગામી ટૂંકા સમયગાળામાં સોના માટે ઔંસદીઠ ૨૪૭૫થી ૨૪૮૦ ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થાય તેવી શક્યતા વ્યક્ત કરતાં સાક્સો બૅન્કનાં કૉમૉડિટી સ્ટ્રેટેજી વિભાગના હેડ ઑલે હાસને વ્યક્ત કરતાં ઉમેર્યું હતું કે આગામી મહિને ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો કે ૫૦ બેસિસ પૉઈન્ટનો ઘટાડો કરશે એ અંગે બજાર વર્તુળો અટકળો મૂકી રહ્યા છે.
અત્રે નોંધનીય બાબત એ છે કે ગઈકાલે અમેરિકાનો જુલાઈ મહિનાનો ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ સાડા ત્રણ વર્ષનાં લાંબા સમયગાળા બાદ ઘટીને ત્રણ ટકાની નીચે ૨.૯ ટકાની સપાટીએ રહ્યો હોવાથી વ્યાજદરમાં કપાત માટે ફેડરલ રિઝર્વનો માર્ગ વધુ મોકળો થયો હોવાનું ટ્રેડરો માની રહ્યા છે. જોકે, રોકાણકારોની નજર વધુ આર્થિક ડેટાઓ પર મંડાયેલી રહેશે. જોકે, હવે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ટ્રેડરો ફેડરલ રિઝર્વ સપ્ટેમ્બર મહિનામાં વ્યાજદરમાં કાપ મૂકે તેવી ૧૦૦ ટકા શક્યતા દર્શાવાઈ રહી છે.
વધુમાં ગઈકાલે એટલાન્ટા ફેડના પ્રમુખ રાફેલ બોસ્ટિકે સપ્ટેમ્બર મહિનાથી રેટ કટની તરફેણ કરતાં જણાવ્યું હતું કે ફેડરલ રિઝર્વને નાણાનીતિ હળવી કરવામાં ઢીલ કરવી પરવડશે નહીં. સામાન્યપણે ઓછા વ્યાજદરના સંજોગોમાં વ્યાજની ઊપજ ન આપતી સોના જેવી અસ્ક્યામતોમાં રોકાણકારોની લેવાલી રહેતી હોય છે.
જોકે, હવે બજાર વર્તુળોની નજર આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના રિટેલ વેચાણના અને બેરોજગારી ભથ્થું મેળવવા માટેની અરજી કરનારાઓની સંખ્યા પર છે.