મનોરંજનમેટિની

આઝાદી પછી બીજી આઝાદી માટે લડતી આપણી ફિલ્મો

વિશેષ -ડી. જે. નંદન

હાલમાં જ ભારતે તેનો ૭૮મો સ્વાતંત્ર્ય દિન ઉજવ્યો છે. એ અગાઉ અંગ્રેજો ભારત પર રાજ કરતા હતા ત્યારે એમનો ખોફ સહન કરીને પણ ભારતના ફિલ્મકારોએ પોતાના નિર્માણ દ્વારા આઝાદીની લડત લડી હતી, પરંતુ શું ભારતીય સિનેમાએ આઝાદી પછી પણ આઝાદી માટેની બીજી લડાઇ લડી છે? તો એનો જવાબ હા માં છે. માત્ર ભારતીય જ નહીં, પણ કોલકાતા, ત્રિવેન્દ્રમ, બેંગાલુરુ, હૈદરાબાદ અને ચેન્નઇની પ્રાદેશિક ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ પણ પોતાના સ્તર પર ફિલ્મોના માધ્યમ દ્વારા સત્તાધીશોની જોહુકમી, અત્યાચાર અને ભ્રષ્ટાચારને ઉજાગર કરતી ફિલ્મો તો બનાવી છે સાથે સાથે કટોકટી વખતે આ માધ્યમ દ્વારા સ્વતંત્રતાની બીજી લડાઇ પણ લડી છે.

વર્ષ ૧૯૭૫માં ભારતની તત્કાલીન ઇંદિરા ગાંધીની સરકારે કટોકટી લાદીને ભારતના સ્વાતંત્ર્ય પર રીતસરની તરાપ મારી હતી. ત્યાર બાદ ઓછામાં ઓછી બે ડઝન ફિલ્મો એવી બની હતી જેણે લોકતંત્રોના પહેરેદારોને પોતાના સ્તર પર અરીસો દેખાડ્યો હતો. આથી સાબિત થાય છે કે લોકતંત્ર એ જીવંત અધ્યાય છે અને ભારતીય ફિલ્મઉદ્યોગે પણ એને જીવિત રાખવામાં ઉચિત ફાળો આપ્યો છે.

વર્ષ ૧૯૮૦માં બાંગ્લા ભાષામાં એક મહત્ત્વપૂર્ણ ફિલ્મ આવી હતી. નિર્માતા હતા જાણીતા અને લોકપ્રિય સત્યજીત રે જે એક મહાન ફિલ્મકાર હતા. ફિલ્મનું નામ હતું ‘હીરક રાજાર દેશે’. આ ફિલ્મ સ્વાતંત્રિક વિચાર, આમ જનતાની લોકતાંત્રિક તાકાત અને સંગીતમય મૌલિક યોજનાનું ઉત્તમ સંયોજન હતું. એમાં તપન ચેટર્જી, રવિ ઘોષ, ઉત્પલ દત્ત, સોમિત્ર ચેટર્જી, સંતોષ દત્તા અને અજય બેનરજી એ અભિનય કર્યો હતો.

આ ફિલ્મ વાસ્તવમાં ઇન્દિરા ગાંધીના ઇમરજન્સી જેવા ફેંસલાની આલોચના કરવા બનાવવામાં આવી હતી. સત્યજીત રે એ ૧૯૬૯માં બાળકો માટે બનાવેલી ફિલ્મ ‘ગોપી ગાઇન બાઘા બાઇન’ની આગલી કડીના રૂપમાં આ ફિલ્મ બનાવી હતી, પરંતુ આ ફિલ્મ બાળકો માટે નહીં પણ તે વખતના વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની સરમુખત્યાર જેવી વર્તણૂક સામે જોરદાર હુમલો કરવાની અભિવ્યક્તિ હતી. આ ફિલ્મમાં નાયક જાદુઇ સંગીતકાર ગોપી અને બાઘા હિરક નામક એક રાજ્યમાં પહોંચે છે. અહીં તેઓ લોકો વચ્ચે બેહદ પીડા અને ભૂખમરો ફેલાયેલો જુએ છે. આવી પીડિત પ્રજા પ્રત્યે ત્યાંના સરમુખત્યારને કોઇ ચિંતા નથી થતી. એ ભયાનક પરિસ્થિતિમાં પણ લોકો પાસે જબરદસ્તી ધન વસૂલે છે. ટેક્સમાં કોઇ છૂટ નથી આપતો. રાજાના પ્રધાનો પણ તેની ‘હા’ માં ‘હા’ મેળવતા રહે છે. જો કોઇ અસહમતી દર્શાવે તો એની અસહમતીને નિર્દયતાથી કચડી નાખવામાં આવે છે અને વિદ્રોહીઓને પકડી પકડીને દિમાગ ધોવાવાળી એક એવી મશીનમાંથી પસાર કરવામાં આવે છે જેનાથી એનો દૃષ્ટિકોણ જ બદલાઇ જાય છે.

આ ફિલ્મમાં શિક્ષકનું પાત્ર ભજવતો કલાકાર સત્તાવાદી શાસકની વિરુદ્ધમાં મચેલા વિરોધમાં ગોપી અને બાઘાનું સમર્થન પ્રાપ્ત કરે છે. આ એક જ એવી ફિલ્મ ન હોતી. એ દરમ્યાન ઘણી ફિલ્મો આવી જેમાં આઝાદી પછીના સ્વાતંત્ર્યના મહત્ત્વને રેખાંકિત કરવા માટે પોતાની રીતે મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. જેમ કે ૧૯૯૫માં આવેલી ફિલ્મ ‘કથાપુરુષન’. આ ફિલ્મમાં સ્વાતંત્ર્ય સંગ્રામ, મહાત્મા ગાંધીની હત્યા, કેરળમાં દુનિયાની પ્રથમ લોકતાંત્રિક રૂપે ચૂંટાયેલી કમ્યુનિસ્ટ સરકારનું આગમન અને કટોકટીની ઘોષણા નાટકની પૃષ્ઠભૂમિ પ્રદાન કરે છે. આ ફિલ્મના દિગ્દર્શક અડૂર ગોપાલકૃષ્ણન હતા. આમાં વિશ્ર્વનાથન, મિની નાયર, અરનમુલા, પોનમ્મા, નરેન્દ્ર પ્રસાદ, ઉર્મિલા ઉન્ની વગેરેએ ઉત્કૃષ્ટ અભિનય કર્યો હતો. આ ફિલ્મ દર્શાવે છે કે સ્વતંત્રતાનું મહત્ત્વ કોઇ પણ દેખાવ પૂરતી આઝાદી કરતાં વધુ છે જો એ આપણા દિલ અને દિમાગને સ્વતંત્ર કરે તો.

આ ફિલ્મ ગોપાલકૃષ્ણનની બહેતરીન ફિલ્મ છે જે નાયકને શિસ્ત અને રાજકીય કંડિશનિંગ હોવા છતાં માનવીય ભાવનાઓની પ્રસ્તુતિ માટે અવસર આપે છે. આ ફિલ્મનો નાયક એક એવી વ્યક્તિ છે જે પોતાની સ્વતંત્રતા સાથે બીજાની સ્વતંત્રતાને પણ મહત્ત્વ આપે છે. આ ફિલ્મમાં કુંજુન્ની તોતડાપણાની બીમારીથી પીડિત છે તે છતાં તેનામાં એવી
આંતરિક શક્તિ છે જે તે અને દરેક અનુભવને એક નવી શરૂઆતમાં બદલવામાં મદદ કરે છે. આવી ફિલ્મો આપણી આઝાદીના મહત્ત્વને એક કાવ્યાત્મક મહત્ત્વ આપે છે. એટલે આ ફિલ્મો ફક્ત તાત્કાલિક સ્તર પર કે પોતાની પૃષ્ઠભૂમિના લિહાજથી મહત્ત્વપૂર્ણ મનાતી નથી પરંતુ આઝાદી પછીના મહત્ત્વપૂર્ણ સંદર્ભોને લઇને એ બેમિસાલ ફિલ્મોમાં ગણાય છે જેણે આપણી બીજી આઝાદીની લડાઇને સ્વાતંત્ર્ય બાદ પણ ચાલુ રાખી.

માત્ર આ બે જ ફિલ્મો નહીં પરંતુ દેશની વિવિધ ભાષાઓમાં લગભગ ૨૦ જેટલી ફિલ્મોએ આ પ્રકારની સંવેદનશીલ કથા રજૂ કરી છે જેમાં હિન્દીમાં ‘હજારો ખ્વાહિશે ઐસી’(૨૦૦૩), તમિળમાં ઇરુવર(૧૯૯૭), મુઘાવલન(૧૯૯૯), સરકાર(૨૦૧૮), ભૂતનાથ રિટર્ન્સ (૨૦૧૪), ન્યૂટન ( ૨૦૧૭), કોર્ટ(મરાઠી, હિંદી, ગુજરાતી-૨૦૧૪), નિર્વચન (ઉડિયા-૧૯૯૪), પંચવટી પાલમ (મલયાલમ- ૧૯૮૪), સિંહાસન (મરાઠી-૧૯૭૯), સ્વદેશ હિન્દી(૨૦૦૪), હૂતુતુ,દેવ, લીડર, પીપલી લાઇફ જેવી હિન્દી, ડૉ. પ્રકાશ બાબા આમટે (મરાઠી), ઇન્ડિયન તમિળ (૧૯૯૬), જેવી અનેક ફિલ્મોએ આપણને આઝાદી પછીની આઝાદી બચાવતી સંવેદનાઓનું નિરૂપણ કયુર્ં છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ક્યારેક અંગ્રેજોની શાન ગણાતી હતી આ બ્રાન્ડ્સ, આજે એના પર છે ભારતીયોનું રાજ આ છે દુનિયાનું સૌથી અણગમતું શાક, તમને ખબર હતી કે? વહેલી સવારે બદામ આ રીતે ખાશો તો… હિંદુ પરિવારમાં જન્મી, પણ છે આ અભિનેત્રી મુસ્લિમ