એકસ્ટ્રા અફેર

વિનેશને જરૂર હતી ત્યારે કોઈ તેના પડખે નહોતું

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

પેરિસ ઓલિમ્પિક્સમાં ૫૦ કિલોગ્રામ ફ્રીસ્ટાઈલ કુસ્તીની ફાઈનલ પહેલાં જ ભારતની કુશ્તીબાજ વિનેશ ફોગાટ ગેરલાયક ઠરી એ કેસમાં અંતે ચુકાદો આવી ગયો. વિનેશ ફોગાટે સિલ્વર મેડલ માટે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (ઈઅજ)માં કેસ દાખલ કર્યો હતો અને તેમાં ચુકાદો આવી ગયો છે. સીએએસ દ્વારા વિનેશની અપીલ ફગાવી દેવાઈ છે અને તેનો અર્થ એ થયો કે, વિનેશની ઓલિમ્પિક્સમા મેડલની આશા પર પૂર્ણવિરામ આવી ગયું છે. હવે વિનેશને સિલ્વર મેડલ નહીં મળે.

પહેલાં વિનેશની અરજી અંગે ૧૩ ઓગસ્ટે નિર્ણય આવવાનો હતો પણ સીએએસ દ્વારા નિર્ણયની તારીખ લંબાવીને ૧૬ ઓગસ્ટ કરવામાં આવતાં આશા જાગેલી કે વિનેશની તરફેણમાં ચુકાદો આવશે અને ભારતને વધુ એક મેડલ મળશે પણ આ આશા ઠગારી નિવડી છે. વિનેશ ફોગાટનું વજન ૫૦ કિલો કરતાં માત્ર ૧૦૦ ગ્રામ વધારે નિકળ્યું તેના કારણે તેના હાથમાંથી ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી પહેલી ભારતીય કુસ્તીબાજ બનીને ઈતિહાસ સર્જવાની તક સરકી ગઈ હતી પણ સીએએસ દ્વારા તેની અપીલ સ્વીકારાતાં તેની મેડલની આશા જીવંત હતી. આ ચુકાદા સાથે વિનેશનો ઑલિમ્પિક મેડલ પણ છિનવાઈ ગયો છે.

ભારત માટે આ નિરાશાની પળ છે ને વિનેશ માટે વધારે નિરાશાની પળ છે કેમ કે વિનેશ એક દિવસમાં ત્રણ મેચ જીતીને ફાઈનલમાં પહોંચવા છતાં ખાલી હાથે પાછી ફરી છે. બીજી તરફ વિનેશ સામે સેમિ ફાઈનલમાં હારી હોવા છતાં ક્યુબાની યુસનીલિસ ગુઝમેનને યુએસએની સારાહ હિલ્ડરબ્રાન્ડ્ટ સામે ફાઈનલમાં રમવાની તક મળી ગઈ. ગુઝમેન વિનેશ સામે હારી હતી એટલી જ ખરાબ રીતે સારાહ સામે પણ હારી ગઈ છતાં તેને સિલ્વર મેડલ મળી ગયો છે.

સ્વાભાવિક રીતે જ આ બધું જોઈને દુ:ખ થાય પણ વિનેશને એલિમ્પિક ગેમ્સના નિયમો હેઠળ ગેરલાયક ઠેરવાઈ છે તેથી તેની સામે વાંધો લઈ શકાય તેમ નથી. કુસ્તીના નિયમો અનુસાર, કુસ્તીબાજે મેચ રમવાની હોય એ સવારે પોતાનું વજન માપવાનું હોય છે. વિનેશનું વજન માપવામાં આવ્યું ત્યારે પોતાની કેટેગરી એટલે કે ૫૦ કિગ્રા કરતાં ૧૦૦ ગ્રામ વધારે હતું તેથી નિયમ પ્રમાણે તેને બહાર કરી દેવાઈ. આ નિર્ણય નિરાશાજનક ચોક્કસ છે પણ વિનેશ માટે અન્યાયકર્તા કે ક્ધિનાખોરી બતાવીને લેવાયેલો નથી તેથી તેને સ્વીકારવાની ખેલદિલી પણ સૌએ બતાવવી જોઈએ.

આપણને સૌને ૧૦૦ ગ્રામ વજન વધારે નિકળ્યું તેમાં શું થઈ ગયું એવું લાગે છે પણ ઓલિમ્પિક ગેમ્સના આયોજકો નિયમોથી બંધાયેલા છે. એ લોકો આજે વિનેશને છૂટ આપે એટલે કાલે બીજાને છૂટ આપવી પડે ને એ સિલસિલો ચાલ્યા કરે તેથી નિયમનો અર્થ ના રહે. આ સંજોગોમાં નિયમનું પાલન કર્યા વિના બીજો વિકલ્પ નથી.

આપણે વિનેશ વિશે અફસોસ કરીએ છીએ પણ બીજી એક વાત એ જાણવી જોઈએ કે, પેરિસ ઓલિમ્પિક્સમાં વજન વધારે હોવાના કારણે ગેરલાયક ઠરનારી વિનેશ ફોગાટ પહેલી ખેલાડી નથી. ઈટાલીની કુસ્તીબાજ એમાન્યુએલા લિયુઝી અને અલ્જિરિયાનો જુડોનો ખેલાડી મસૂદ રીડૌન પણ પોતાની કેટેગરી કરતાં વધારે વજન હોવાના કારણે ગેરલાયક ઠરી ચૂક્યા છે.

જાપાનના રેઈ હિગુચીનો કિસ્સો તો બધા કરતાં અનોખો છે. ૨૦૨૧ની ટોક્યો ઓલિમ્પિક્સમાં રેઈ હિગુચી ૫૦ કિલો કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતવાનો દાવેદાર હતો પણ ૫૦ ગ્રામ જ વજન વધારે હોવાને કારણે ગેરલાયક ઠર્યો હતો. એ જ રેઈ હિગુચી પેરિસમાં ૫૭ કિલો કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો. ટોક્યો તો જાપાનનું જ છે છતાં જાપાનનો કુસ્તીબાજ ૫૦ ગ્રામ વજન વધારે હોવાના કારણે ગેરલાયક ઠરી શકતો હોય તો વિનેશ પણ ગેરલાયક ઠરી જ શકે.

વિનેશ ફોગાટ ગેરલાયક ઠરી પછી બધાંએ તેનો ઉત્સાહ વધારવા માટે સધિયારો આપવાનાં નાટક કર્યાં. આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને ચમચાગીરી કરી કરીને ભાજપની સાંસદ બની ગયેલી કંગના રણૌત સુધીનાં બધાંએ વિનેશ ફોગાટને મર્દાની, શેરની વગેરે વિશેષણોથી નવાજીને તેની લડાયકતાનાં વખાણ કર્યાં. સોશિયલ મીડિયા પર પણ વિનેશને પડખે ઊભા રહેવાનાં નાટક પૂરજોશમાં ચાલી રહ્યાં છે પણ વિનેશને આ બધા સધિયારાની જરૂર નથી.

આ બધાં નાટકોએ આ દેશની પ્રજા કઈ હદે દોગલી છે એ ફરી સાબિત કર્યું છે. વિનેશને ખરેખર સહારાની ને સમર્થનની જરૂર હતી ત્યારે આ બધામાંથી કોઈ તેને પડખે નહોતું. વિનેશ ફોગાટે ઈન્ડિયન કુસ્તી ફેડરેશનના ભૂતપૂર્વ પ્રમુખ અને ભાજપ નેતા બ્રિજભૂષણ શરણસિંહ સામે મહિલા કુસ્તીબાજોના સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો આક્ષેપ કરીને મોરચો માંડ્યો ત્યારે વિનેશ માટે અસલી લડાઈ હતી. એ અસલી લડાઈ વખતે ના મોદી વિનેશને સધિયારો આપવા આગળ આવેલા કે ના કંગના રણૌતને વિનેશમાં શેરની દેખાયેલી.

ભાજપની નેતાગીરી ફોગાટ સહિતની દીકરીઓના પડખે રહેવાને બદલે બ્રિજભૂષણના પડખે રહી હતી. વિનેશ, સાક્ષી, બજરંગ પુનિયા સહિતના કુસ્તીબાજોએ જીવ પર આવીને લડત આપી પણ ભાજપના નેતાઓ કે સરકારમાં બેઠેલા લોકો પાસે તેમને સાંભળવાનો સમય નહોતો. લાંબી લડાઈ પછી બ્રિજભૂષણ સામે તપાસ થઈ અને દિલ્હી હાઈ કોર્ટે બ્રિજભૂષણ સામે પ્રાથમિક રીતે સેક્સ્યુઅલ હેરેસમેન્ટના પુરાવા હોવાનું સ્વીકારીને ચાર્જશીટને મંજૂરી પણ આપી છે. એ છતાં આ કેસમાં બ્રિજભૂષણને હજુ સુધી કશું થયું નથી. બ્રિજભૂષણ હજુ ભાજપમાં જ છે.

વિનેશ માટે અસલી લડાઈ એ હતી ને એ લડાઈએ વિનેશની મર્દાનગી સાબિત કરી હતી. એ રીતે આ માનસિક નપુંસકોના દેશમાં વિનેશ પોતાની મર્દાનગી પહેલાં જ સાબિત કરી ચૂકી છે ને મોદી કહેશે કે કંગના કહેશે તો જ વિનેશ મર્દાની કે શેરની બનવાની નથી. એ જન્મજાત સિંહણ જ છે ને એટલે જ બ્રિજભૂષણ જેવા વરુ સામે લડવાની મર્દાનગી બતાવી શકી. વિનેશ માટે એ વખતે આ દેશે ગર્વ અનુભવવાની જરૂર હતી, તેના પડખે ઊભા રહેવાની જરૂર હતી. આ દેશ એ તક ચૂકી ગયો ને હવે ગમે તે કહે તેનો મતલબ નથી.

વિનેશને પડખે હતાં તેમને વિનેશને મેડલ મળ્યો હોત તો ચોક્કસ વધારે ગર્વની લાગણી થઈ હોત પણ વિનેશને મેડલ ના મળ્યો તો એ નિર્ણયને સ્વીકારવાની ખેલદિલી પણ તેમનામાં છે. કમ સે કમ ઓલિમ્પિક્સમાં નિયમો તો હતા ને વિનેશ એ નિયમ ના પાળી શકી તેના કારણે હારી તેથી તેનો અફસોસ કરવા જેવો નથી. આ દેશને પોતાની નિર્ભય દીકરી વિનેશ ફોગાટ માટે ગર્વ હતો, છે અને હંમેશાં રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button