સૂર્યકુમાર રમશે ગાયકવાડની કૅપ્ટન્સીમાં અને પંત રમશે ઈશ્વરનના સુકાનમાં
દુલીપ ટ્રોફીની એકેય ટીમમાં શમી સામેલ નથી: રોહિત, વિરાટ, અશ્વિન, બુમરાહનો બ્રેક લંબાયો
મુંબઈ: આગામી પાંચમી સપ્ટેમ્બરે બેન્ગલૂરુમાં ચાર દિવસની મૅચોવાળી દુલીપ ટ્રોફી ક્રિકેટ ટૂર્નામેન્ટ શરૂ થઈ રહી છે જેના પ્રથમ રાઉન્ડ માટેની ચાર ટીમની જાહેરાત થઈ છે. એમાંથી એક ટીમમાં ભારતની ટી-20 ટીમનો સફળ સુકાની સૂર્યકુમાર યાદવ છે જે ટીમ-સીમાં ઋતુરાજ ગાયકવાડની કૅપ્ટન્સીમાં રમશે. રિષભ પંત પણ ભારતની ટી-20 વર્લ્ડ ચૅમ્પિયન ટીમનો ખેલાડી છે અને તે ટીમ-બીમાં અભિમન્યુ ઈશ્વરનના સુકાનમાં રમતો જોવા મળશે.
રોહિત શર્મા, વિરાટ કોહલી, આર. અશ્વિન તેમ જ જસપ્રીત બુમરાહનો બ્રેક લંબાવવામાં આવ્યો હોવાથી તેમનો ચારમાંથી એકેય ટીમમાં સમાવેશ નથી કરવામાં આવ્યો.
મોહમ્મદ શમી ફુલ્લી ફિટ થવાની તૈયારીમાં જ છે, પરંતુ તેને પણ એકેય ટીમમાં સામેલ નથી કરાયો.
જોકે શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજ જેવા ભારતના સ્ટાર ખેલાડીઓ દુલીપ ટ્રોફીમાં રમશે.
આ પણ વાંચો: હવે દુલીપ ટ્રોફીના પહેલા રાઉન્ડની મેચ બેંગલુરુમાં રમાશેઃ આ સ્ટાર ક્રિકેટર રમી શકે
અગાઉ ગેરવર્તનને કારણે બીસીસીઆઇના કૉન્ટ્રૅક્ટમાંથી દૂર કરવામાં આવેલા વિકેટકીપર-બૅટર ઇશાન કિશનને તેમ જ શ્રેયસ ઐયરને ફરી ડોમેસ્ટિક ક્રિકેટમાં આવરી લેવામાં આવ્યા છે. શ્રેયસને ટીમ-ડીનું સુકાન સોંપાયું છે અને તેના સુકાનમાં ઇશાન કિશન રમશે.
બેન્ગલૂરુમાં દુલીપ ટ્રોફીની પ્રથમ મૅચ પાંચમી સપ્ટેમ્બરે સવારે 9.30 વાગ્યાથી ટીમ-એ અને ટીમ-બી વચ્ચે તેમ જ બેન્ગલૂરુના જ બીજા મેદાન પર સવારે 9.30 વાગ્યાથી ટીમ-સી અને ટીમ-ડી વચ્ચે રમાશે. આ મૅચ ચાર-ચાર દિવસની છે.
19મી સપ્ટેમ્બરે ઘરઆંગણે બાંગ્લાદેશ સામે બે મૅચની ટેસ્ટ-સિરીઝ શરૂ થઈ રહી હોવાથી મોટા ભાગના ભારતીય ખેલાડીઓ દુલીપ ટ્રોફીમાં મર્યાદિત સંખ્યામાં મૅચો રમશે.
દુલીપ ટ્રોફી માટેની ચાર ટીમમાં કોણ-કોણ?
ટીમ-એ: શુભમન ગિલ (કૅપ્ટન), મયંક અગરવાલ, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), કે.એલ. રાહુલ, તિલક વર્મા, શિવમ દુબે, તનુશ કોટિયન, કુલદીપ યાદવ, આકાશ દીપ, પ્રસિદ્ધ ક્રિષ્ના, આવેશ ખાન, ખલીલ અહમદ, વિદવથ કેવરપ્પા, કુમાર કુશાગ્ર અને શાશ્ર્વત રાવત.
ટીમ-બી: અભિમન્યુ ઈશ્વરન (કૅપ્ટન), યશસ્વી જયસ્વાલ, સરફરાઝ ખાન, રિષભ પંત (વિકેટકીપર), મુશીર ખાન, નીતિશ કુમાર રેડ્ડી (ફિટ હોય તો જ રમશે), રવીન્દ્ર જાડેજા, વૉશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, યશ દયાલ, મુકેશ કુમાર, રાહુલ ચાહર, આર. સાઈ કિશોર, મોહિત અવસ્થી અને એન. જગદીશન (વિકેટકીપર).
આ પણ વાંચો: આ ભારતીય ફાસ્ટ બોલરને લાંબો આરામ આપવામાં આવી શકે છે, શમીની વાપસી થશે?
ટીમ-સી: ઋતુરાજ ગાયકવાડ (કૅપ્ટન), સૂર્યકુમાર યાદવ, સાઇ સુદર્શન, રજત પાટીદાર, અભિષેક પોરેલ (વિકેટકીપર), બી. ઇન્દ્રજીત, ઋતિક શોકીન, માનવ સુથાર, ઉમરાન મલિક, વૈશાક વિજયકુમાર, અંશુલ કંબોજ, હિમાંશુ ચૌહાણ, મયંક માર્કન્ડે, આર્યન જુયલ (વિકેટકીપર) અને સંદીપ વૉરિયર.
ટીમ-ડી: શ્રેયસ ઐયર (કૅપ્ટન), અથર્વ ટેઇડ, યશ દુબે, દેવદત્ત પડિક્કલ, ઇશાન કિશન (વિકેટકીપર), રિકી ભુઈ, સારાંશ જૈન, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, આદિત્ય ઠાકરે, હર્ષિત રાણા, તુષાર દેશપાંડે, આકાશ સેનગુપ્તા, કે.એસ. ભરત (વિકેટકીપર) અને સૌરભ કુમાર.